૫૦ કિ.મી. સુધી પ્રહાર કરવાની ક્ષમતા ધરાવતી સારંગ તોપનું ભારત દ્વારા સફળ પરીક્ષણ
નવીદિલ્હી: દેશની સૌથી મોટી તોપ માનવામાં આવી રહેલી શારંગનું વધુ એક સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું. માનવામાં આવી રહ્યું છે કે, આ તોપ ભારતને પીઓકેમાં કોઇપણ અભિયાનને ચલાવવામાં રણનીતિકરુપથી ખુબ જ મહત્વપૂર્ણ સાબિત થઇ શકે છે. આ તોપ પાકિસ્તાન કબજા હેઠળના કાશ્મીરમાં પ્રવેશ્યા વગર જ લગભગ ૪૦થી ૫૦ કિલોમીટર સુધી પ્રહાર કરવામાં સક્ષમ છે. આર્ડનેંસ ફેક્ટરી કાનપુર દ્વારા બનાવવામાં આવેલી ૧૫૫ એમએમની શારંગ તોપનું મધ્યપ્રદેશના જબલપુર સ્થિત ખમરિયા રેંજમાં સફળ પરીક્ષણ કરવામાં આવ્યું હતું.
ભારત પહેલા જ કે૯ વજ્ર-ટી, ધનુષ અને અમેરિકા દ્વારા નિર્માણ થયેલી એમ-૭૭૭ તોપને સેનામાં સામેલ કરી ચુક્યું છે. ભગવાન વિષ્ણુના ધનુષ શારંગના નામ પર આ તોપનું નામ શારંગ રાખવામાં આવ્યું છે. સુત્રોની વાત માનવામાં આવે તો આ વર્ષે ૩૦ તોપ ભારતીય સેનામાં સામેલ કરવામાં આવી શકે છે. શારંગ તોપ એક સમય ત્રણ રાઉન્ડ ફાયરિંગ કરવામાં સક્ષમ છે.
શારંગ તોપને ૧૩૦ એમએમની એમ-૪૬ તોપને આધુનિક ટેકનોલોજી દ્વારા બનાવવામાં આવી છે. એમ-૪૬ તોપની પ્રહાર ક્ષમતા ૨૭ કિલોમીટર હતી જ્યારે શારંગની પ્રહાર ક્ષમતા ૩૬ કિલોમીટર થઇ ગઈ છે. એટલું જ નહીં હવે આ પહેલાની સરખામણીમાં વધારે તબાહી સર્જી શકવામાં સક્ષમ છે. નિષ્ણાતોના અનુસાર એમ-૪૬ના ગોળામાં જ્યાં ૩.૪ કિલોગ્રામ ટીએનટીનો ઉપયોગ કરવામાં આવે છે જ્યારે હવે સારંગના ગોળામાં ૮ કિલો ટીએનટીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. વધુ ટીએનટીનો ઉપયોગ એટલે વધુ તબાહી. સારંગ તોપનું વજન લગભગ ૮.૪ ટન છે અને તેના બેરલની લંબાઈ લગભગ ૭ મીટર છે. સારંગ તોપને લગભગ ૭૦ ડિગ્રી સુધી મુવ કરી શકાય છે.