Western Times News

Gujarati News

‘૫૦ લાખ મોકલાવી દે તો જ ઓફીસનો કબજો મળશે’ નવરંગપુરામાં ખંડણીખોરનો આતંક

અમદાવાદ: અમદાવાદ શહેરમાં ઘણાં સમયથી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી માલેતુજારો પાસેથી ખંડણી પડાવતી કેટલીય ગેંગો સક્રીય થઈ છે. આવી ગેંગનાં સભ્યો ટોળામાં ઓફીસમાં ઘુસીને કે રસ્તામાં આંતરીને વેપારીઓને ધાક ધમકીઓ આપી અને ક્યારેક ઢોર માર મારી ભય જેવો માહોલ ઉભો કરે છે. અને મોટી રકમ પડાવે છે.

ગત થોડાં સમયમાં આવી ફરીયાદોની સંખ્યા સતત વધતી જઈ રહી છે. જેનાં સ્થિતિને કારણે શહેરનાં વેપારીઓ ફફડી ઊઠ્યા છે. આ પરિસ્થિતિમાં  નવરંગપુરાની એક ઓફીસમાં માથાભારે શખ્સો ઘૂસી ગયા હતા. અને મેનેજરને પકડીને શેઠ પાસેથી રૂપિયા કઢાવવાનાં છે તેમ કહી મારી નાંખવાની ધમકીઓ આપી હતી. ઉપરાંત બે દિવસ અગાઉ પાંચેક જેટલાં આરોપીઓ ગેરકાયદેસર રીતે ઓફીસમાં ઘૂસી જઈને તેની ઉપર કબજા જમાવી દીધો હતો. ઉપરાંત પચાસ લાખની ખંડણી માંગ્યા બાદ તમામ કર્મીઓને બહાર કાઢી ઓફીસને તાળાં મારી દીધા હતા.

જયંતિભાઈ જાકાસણીયા બેંક લોન પ્રોજેક્ટ પ્રા.લી.નામે નવરંગપુરા સ્ટેડિયમ પાંચ રસ્તા પાસે આવેલાં કુમુદ એપાર્ટમેન્ટમાં ઓફીસ ધરાવે છે. જયંતિભાઈ સરકારી કોન્ટ્રાક્ટ લેવાનાં કામ કરે છે. જાન્યુઆરી મહિનામાં જયંતિભાઈ ઓફીસમાં ગેરહાજર હતા ત્યારે દેવુભાઈ રબારી નામનો એક શખ્સ પોતાનાં ત્રણ સાગરીતો સાથે ઓફીસમાં ઘૂસી ગાળાગાળી કરવા લાગ્યો હતો.

અમને બનાસકાંઠાનાં રઘુભાઈએ તેમનાં બાકી રૂપિયા લેવા માટે મોકલ્યા છે. ઓફીસમાં ભયનો માહોલ ઊભો કરી જયંતિભાઈ આવે તો ફોન કરાવવાનું કહી દેવુભાઈ ત્યાંથી જતા રહ્યા હતા. એ પછી ફરીથી ફેબ્રુઆરીમાં દેવુભાઈ ઓફીસે આવીને રઘુભાઈનાં રૂપિયા કેમ આપતાં નથી ?તારાં શેઠ ક્યાં છે. એમ કહી જાનથી મારી નાંખવાની ધમકીઓ આપીને દેવુભાઈ જતાં રહ્યા હતાં.

બેથી ત્રણ વખત ધમકીઓ આપ્યા બાદ ગુરૂવારે બપોરે પણ જયંતિભાઈ ઓફીસે હાજર ન હતા એ વખતે દેવુભાઈ, વિપુલ, ભાવેશ સહિત પાંચ શખ્સો ઓફીસમાં ઘૂસી આવ્યા હતા અને ઓફીસનાં સ્ટાફ સાથે ગાળાગાળી કર્યા બાદ મેનેજર વસંતભાઈ ચાડમીયાને તારાં શેઠ ક્યાં છે અને અમને પૂછ્યા વગર ઓફીસ કેમ ખાલી છે ? તેમ કહીને વસંતભાઈ ઉપરાંત વિરેન્દ્રભાઈ, નરેશભાઈ, રાજુભાઈ અને મહેશભાઈના નામનાં કર્મચારીઓને ઢોર માર મારી ઓફીસની બહાર કાઢી મુક્યા હતા અને જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી ઓફીસને તાળાં મારીને કબજા જમાવી દીધો હતો.

બાદમાં દેવુભાઈએ તારાં શેઠને જણાવી દેજે કે ૫૦ લાખ રૂપિયા આપી દે તો જ ઓફીસનો કબજા મળશે. અને ફરીથી કોઈ અહિંયા આવ્યું તો જાનથી મારી નાંખીશુ. આ ઘટના બનતાં જ ગભરાયેલાં ઓફીસ સ્ટાફને જયંતિભાઈને આ અંગે જાણ કરી હતી. બાદમાં વસંતભાઈએ ક્રાઈમ બ્રાંચમાં ગેરકાયદેસર રીતે ખંડણી માંગતા દેવુભાઈ અને તેનાં સાગરીતો ઉપરાંત રઘુભાઈ વિરૂદ્ધ ખંડણી માંગવાની ફરીયાદ નોંધાવતાં ક્રાઈમ બ્રાંચ ચોંકી ઊઠી હતી અને તુરંત જ સક્રિય થતાં ક્રાઈમ બ્રાંચે જયંતિભાઈ અને રઘુભાઈ વચ્ચે શેના વ્યવહારો હતા ?

ઉપરાંત રઘુભાઈ કોમ છે અને કેમ ખંડણી માંગી રહ્યો છે એ દિશામાં તપાસ હાથ ધરી છે. બીજી તરફ ઓફીસનાં સ્ટાફને જાનથી મારી નાંખવાની ધમકીઓ આપી ઢોર માર મારી ઓફીસ ઉપર કબજા જમાવનાર દેવુભાઈ રબારી અને તેનાં સાગરીતોને ઝડપી લેવા માટે પણ ચક્રો ગતિમાન કર્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે શહેરમાં નેશનલ-મલ્ટીનેશનલ કંપનીઓની ઓફીસો ખૂલતાં જ ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતી ગેંગોનો રાફડો પણ ફાટ્યો છે. થોડાં મહિના અગાઉ જ શહેર ક્રાઈમ બ્રાંચે જેલમાંથી ઓપરેટ કરી ખંડણી માંગતા વિશાલ ગોસ્વામી ગેંગનો પર્દાફાશ કર્યાે હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.