૫૧ લોકોએ દેશની સાથે ૧૭,૯૦૦ કરોડની છેતરપિંડી કરી છે
નવીદિલ્હી, સરકાર તરફથી રાજ્યસભામાં દેશને ચૂનો લગાવવીને ફરાર થયેલા નિવાર મોદી વિરુદ્ધ હજારો કરોડ રૂપિયાની પંજાબ નેશનલ બેંકની છેતરપિંડી કરવાની માહિતી શેર કરવામાં આવી હતી. સરકાર વતી, નાણાં રાજ્ય મંત્રી અનુરાગસિંહ ઠાકુરે આ અંગે માહિતી આપતાં કહ્યું કે, આર્થિક ગુનાઓ કરીને દેશમાંથી ભાગી ગયેલા કુલ ૫૧ લોકોએ દેશની સાથે ૧૭,૯૦૦ કરોડની છેતરપિંડી કરી છે. ઠાકુરે કહ્યું કે સીબીઆઈએ જણાવ્યુ છે કે અત્યાર સુધીમાં કુલ ૬૬ કેસોમાં ૫૧ ગુનેગારો દેશને છોડી ભાગી ગયા છે.
કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે, સીબીઆઈએ આપેલા અહેવાલમાં આ આરોપીઓએ કુલ ૧૭૯૪૭.૧૧ કરોડની છેતરપિંડી કરી છે. તેમણે કહ્યું કે સીબીઆઈએ તમામ સક્ષમ અદાલતોમાં આ ગુનેગારો સામે કેસ દાખલ કર્યા છે અને કેસોની તપાસ કરી રહી છે. આ સાથે, અમે ૫૧ ગુનેગારોની પ્રત્યાર્પણ વિનંતી પર પણ કામ કરી રહ્યા છીએ, જે વિવિધ તબક્કે બાકી છે. અન્ય તમામ એજન્સીઓ વિશે વાત કરીએ તો, સેન્ટ્રલ બોર્ડ ઓફ ઈનડાયરેક્ટ ટેક્સ અને કસ્ટમ્સ ડિપાર્ટમેન્ટે છ આર્થિક અપરાધીઓ વિરુદ્ધ આપેલી રિપોર્ટ મુજબ, આ એવા લોકો છે જે ગેરકાયદેસર રીતે દેશ છોડીને ભાગી ગયા છે.
અનુરાગ ઠાકુરે કહ્યું કે, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે ભાગેડુ આર્થિક અપરાધી કાયદો ૨૦૧૮ હેઠળ સક્ષમ અદાલતમાં ૧૦ વ્યક્તિઓ વિરુદ્ધ કેસ નોંધ્યો છે. નિરવ મોદી, મેહુલ ચોક્સી, વિજય માલ્યા સહિતનાં તમામ ઉદ્યોગપતિઓ દેશને ચૂનો લગાવીને ફરાર થઇ ગયા છે. ઇન્ટરપોલ દ્વારા કેટલાક લોકોને પ્રત્યાર્પણ કરવા માટે રેડ કોર્નર નોટીસ પણ જારી કરવામાં આવી છે. જણાવી દઇએ કે નિરવ મોદી ગ્રુપને ૧૩૮૧ લેટર્સ ઓફ અન્ડરટેકિંગ આપવામાં આવ્યા હતા, જેની કિંમત ૨૫,૦૦૦ કરોડ રૂપિયા છે જે નકલી હતા.