૫૪ ટકા ગુજરાતીઓને લગ્નમાં જતા બિક લાગે છે
આમંત્રણ મળવા છતાં લોકો લગ્ન પ્રસંગોમાં જતા ડરે છે -તાજેતરમાં હાથ ધરાયેલા એક સર્વેક્ષણમાં જાણવા મળ્યું
અમદાવાદ, કોરોના વાયરસ મહામારીનું બીજું મોજું ગુજરાત અને દેશના ઘણા ભાગોમાં પોતાનો પ્રકોપ દાખવી રહ્યું છે. જેના કારણે રાજ્ય સરકારોને સામાજિક મેળાવડા અને લગ્નો માટે કોરોના ગાઇડલાન્સમાં કેટલાક ફેરફાર કરવાની અને તેને વધુ આકરી શરતો સાથે લાગુ કરવાની ફરજ પડી.
ગુજરાત સરકારે તાજેતરમાં જ લગ્નમાં હાજરી આપવા માટે લોકોની સંખ્યાની મર્યાદામાં ઘટાડો કર્યો હતો, જેને ૨૦૦થી ઘટાડીને ૧૦૦ વ્યક્તિઓ કરી દેવામાં આવી છે. જોકે તાજેતરમાં કરવામાં આવેલ એક સર્વે અનુસાર લોકો પણ હાલ લગ્નમાં જવાથી અચકાય છે અને માને છે કે તેમાં જવું વધુ જોખમ ભરેલું છે.
ઓનલાઇન કોમ્યુનિટી લોકલ સર્કલ દ્વારા કરાયેલા એક સર્વે અનુસાર ૫૪% ગુજરાતીઓને લાગે છે કે લગ્નમાં ભાગ લેવો સામે ચાલીને કોરોનાને આમંત્રણ આપવા જેવું છે. આ સર્વેમાં સમગ્ર રાજ્યમાંથી જુદા જુદા વિસ્તારોમાંથી ૭૫૦ લોકોએ ભાગ લીધો હતો. જેમને પૂછવામાં આવેલા પ્રશ્નો અને તેમના જવાબો અહીં આપવામાં આવ્યા છે. આ વર્ષે નવેમ્બર ડિસેમ્બર મહિનામાં સગાઈ અને લગ્નમાં જવાનો તમારો શું પ્લાન છે?
એ અંગે ૪૮% લોકોએ કહ્યું કે તેમની પાસે આ વર્ષે નવેમ્બર ડિસેમ્બરમાં આવા કોઈ પ્રંસગ માટેનું આમંત્રણ જ નથી. જ્યારે ૨૬% એવા લોકો પણ છે જેમના પરિવાર કે સંબંધીના ઘરે પ્રસંગ તો છે અને તેમને આમંત્રણ પણ મળ્યું છે પરંતુ તેમણે કોરોના મહામારીને ધ્યાને લઈને આ સમારંભમાં ભાગ લેવાનું ટાળી દીધું છે. હા, ૧૦% એવા પણ લોકો છે જેમણે કહ્યું કે હજુ સુદી તો લગ્નમાં ગયા નથી
પરંતુ આગામી દિવસોમાં તેઓ કોઈક લગ્ન કે સગાઈ જેવા પારિવારિક પ્રસંગમાં જઈ શકે છે. તો ૮%એ લોકો એવા છે જેમણે કહ્યું કે તેમણે લગ્ન અને સગાઈ જેવા પારિવારિક સમારંભ એટેન્ડ કર્યા છે અને હજુ પણ આગામી સમયમાં તેઓ આવા કાર્યક્રમમાં જવા માટે તૈયારી કરી રહ્યા છે. જ્યારે ૬% એવા લોકોએ તેમણે કહ્યું કે બસ અમે હાલ જ આવા એક પ્રસંગમાં જઈને આવ્યા અને હવે બીજે ક્યાંય જવા માગતા નથી.
જ્યારે ૨% એ કહ્યું કે હાલ આ મામલે તેઓ કંઈ કહી શકે નહીં. આ સર્વેમાં ભાગ લેનારા લોકોને બીજો પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે, કોરોના સંક્રણના ભયને લઈને આગામી ૩-૪ સપ્તાહમાં આવતા લગ્ન અને પારિવારિક સમારંભમાં જોડાવા અંગે તમારો શું મત છે? આ સવાલના જવાબમાં ૫૪% લોકોએ કહ્યું હતું કે આવા પ્રસંગમાં જવું એટલે ખૂબ જ મોટું રિસ્ક છે અને અમે જો જઈશું તો તમામ પ્રકારની તકેદારી રાખીશું.
જ્યારે ૧૪% લોકોનું કહેવું હતું કે પ્રસંગ તેમના ખૂબ જ નજીકના પરિવારમાં છે અને તેમને તમામ લોકોની મેડિકલ હિસ્ટ્રીની જાણ હોવાથી ભય વધુ નથી પરંતુ તેમ છતા અમે તમામ પ્રકારની તકેદારી રાખીશું. જ્યારે ૧૪ ટકાએ કહ્યું કે આવા લગ્નમાં ખૂબ જ નજીકના લોકો જ હાજરી આપતા હોવાથી કોરોનાનો ભય સાવ નજીવો છે અને તેથી ચિંતા કરવાનું કોઈ કારણ નથી.
જ્યારે ૯% એવા લોકો પણ છે જેમણે કહ્યું કે આવા લગ્ન પ્રસંગમાં ભાગ લેવામાં કોઈ ભય જેવું છે જ નહીં. તો ૫% લોકોનું કહેવું છે કે આ અંગે કંઈ કહી શકાય નહીં. જ્યારે અનુક્રમે ૩% અને ૧% લોકોનું માનવું છે કે ચિંતાનું કારણ તો છે પરંતુ તે ખૂબ જ ઓછું છે જોકે તેમ છતા કેટલીક તકેદારી રાખવા માટે તેઓ તૈયાર છે.