૫૫ ધન્વતંરિ રથ દ્વારા દાહોદના ૫,૪૩,૦૯૧ લોકોની આરોગ્ય તપાસ
ખાસ લેખ : મહેન્દ્ર પરમાર
કોઇપણ લડતમાં જીત હાંસલ કરવા આક્રમક નીતિ કારગર નીવડતી હોય છે ત્યારે કોરોના સામેની લડતમાં રાજય સરકાર દ્વારા ઉતારવામાં આવેલા ધન્વતંરિ રથ દાહોદ જિલ્લા માટે ગેમ ચેન્જર સાબિત થયાં છે. ગત જુલાઇ માસમાં શરૂ કરવામાં આવેલા ધન્વતંરિ રથ દ્વારા જિલ્લાના ૫,૪૩,૦૯૧ લોકોની આરોગ્ય તપાસ કરીને કોરોનાને જિલ્લામાં નિયંત્રણમાં રાખવામાં મોટી ભૂમિકા ભજવી છે. આ પપ ધન્વતંરિ રથે ગામે ગામ કોરોના સામે સાવચેતી બાબત વ્યાપક જનજાગૃતિ ઝુંબેશ પણ ચલાવી છે. સપ્ટેમ્બર માસના અંત સુધીમાં ધન્વતંરિ રથે જિલ્લામાં કરેલી સઘન કામગીરી જાણીએ.
દાહોદમાં ૫૫ ધન્વંતરિ રથોએ સપ્ટેમ્બરના અંત સુધીમાં ૫,૪૩,૦૯૧ લોકોની આરોગ્ય તપાસ કરી છે. દર્દીની તપાસ દરમિયાન જરૂર જણાય તો ઓક્સિજન લેવલ પણ તપાસવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં ૪,૪૧,૮૪૦ લોકોના ઓક્સિજન લેવલ તપાસવામાં આવ્યા છે. કોરોના શંકાસ્પદ જણાયા હોય તેવા ૪૫૩ લોકોને નજીકના આરોગ્ય કેન્દ્ર કે ઝાયડસ હોસ્પીટલ ખાતે કોરોના ટેસ્ટ માટે રીફર કરવામાં આવ્યા છે. તદઉપરાંત ધન્વતંરિ રથ પર છેલ્લા બે મહિના દરમિયાન શરૂ કરવામાં આવેલા કોરોના રેપીડ એન્ટીજન ટેસ્ટમાં ૪૦૬૪ લોકોનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જેમાંથી ૫૩ લોકો કોરોના પોઝિટિવ જણાયા હતા અને તેમને ત્વરિત સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.
ધન્વતંરિ રથ દ્વારા કરવામાં આવેલી આરોગ્ય તપાસમાં કુલ ૨૯૯૨ લોકોને તાવની ફરીયાદ આવી હતી. ખાંસીની સમસ્યા ૭૨૯૨ લોકોને જણાઇ હતી. જયારે ૨૩૨૬ લોકોને ડાયાબિટિશ જણાયો હતો. ૨૮૨૭ નાગરિકોને હાઇ બ્લડપ્રેસરની સમસ્યા જણાય હતી. જયારે સપ્ટેમ્બરમાં પૂરા થતા છેલ્લા બે મહિના દરમિયાન ૧૦૯૨ લોકોનો મેલેરિયાનો ટેસ્ટ કરવામાં આવ્યો હતો. જે નેગેટિવ આવ્યો હતો. જયારે સપ્ટેમ્બર માસમાં ૯૪૨ લોકોનું બ્લડસુગરનું લેવલ તપાસવામાં આવ્યું હતું.
કલેક્ટર શ્રી વિજય ખરાડીએ જણાવ્યું કે, કોરોના સામે જનજાગૃતિ, રોગપ્રતિકારક દવાઓનું વિતરણ, રોગ તપાસ અને નિદાન ઉપરાંત કોરોના ટેસ્ટ જેવી સવલતો ઘરઆંગણે જ નાગરિકો સુધી પહોંચાડીને ધન્વતંરિ રથ દ્વારા એક સાથે અનેક મોરચે લડત આપવામાં જિલ્લા વહિવટી તંત્ર સફળ થયું છે. કોરોના સામે માસ્ક, સામાજિક અંતર, સેનિટાઇઝર અને બિનજરૂરી બહાર ન જવા જેવી મહત્વની સાવચેતીઓને જનજન સુધી પહોંચાડવામાં ઘન્વતંરિ રથ દ્વારા જોશભેર કામગીરી કરવામાં આવી છે અને જનજાગૃતિને એક અભિયાનની જેમ ચલાવવામાં આવ્યું છે.
તેમણે ઉમેર્યું કે, ધન્વતંરિ રથે આયુર્વેદિક ઉકાળા, હોમિયોપેથીક દવાઓ, આયુર્વેદિક દવાઓ ગામે ગામ લોકો સુધી પહોંચતી કરી છે. મોટા પાયા પર લોકોની આરોગ્ય તપાસણી કરી છે અને લોકોને કોરોનાના લક્ષણ જણાતા હોય તો તરત ડર રાખ્યા વિના ટેસ્ટ કરાવવા માટે સમજ આપી છે. આમ એક સાથે અનેક કામગીરી ધન્વતંરિ રથ દ્વારા સઘન રીતે કરવામાં આવી છે. જેના પરિણામે લોકોમાં કોરોના સામે સારી એવી સાવચેતી રાખતા થયા છે અને જિલ્લામાં કોરોના સંક્રમણ નિયંત્રણમાં પણ આવ્યું છે.