૫૬માં સ્થાપના દિને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની ૨૩૫થી વધારે કોલેજોએ યોગશિક્ષા માટે યોગ બોર્ડ સાથે સમજૂતી કરાર કર્યા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ૫૬ માં સ્થાપના દિન નિમિતે આયોજિત કાર્યક્રમમાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત અને શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઇ વાઘાણી વર્ચ્યુલી જોડાઈ શુભેચ્છા પાઠવી
શિક્ષિત યુવાનોનું ચિંતન માત્ર સ્વઉત્કર્ષ માટે નહીં, પરંતુ સમષ્ટિના કલ્યાણ માટે સર્વગ્રાહી બને :રાજ્યપાલશ્રી
રાજ્ય સરકાર વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે હંમેશા તત્પર રહી છે : શિક્ષણમંત્રીશ્રી જીતુભાઇ વાઘાણી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી શૈક્ષણીક યાત્રાના ૫૫ વર્ષ પૂર્ણ કરી ૫૬ મા વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આયોજીત સ્થાપના દિન કાર્યક્રમમાં રાજ્યપાલ અને કુલાધીપતિશ્રી આચાર્ય દેવવ્રતજી અને શિક્ષણ મંત્રીશ્રી જીતુભાઇ વાઘાણીએ વર્ચ્યુઅલ ઉપસ્થિત રહીને અભિનંદન પાઠવ્યા હતાં.
ગુજરાતના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ૫૬માં સ્થાપના દિને સૌને શુભકામનાઓ પાઠવતા જણાવ્યું છે કે, ૫૫ વર્ષની યુનિવર્સિટીની વિકાસગાથામાં સહભાગી થનારા સૌના સહયોગથી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ દેશભરમાં પ્રતિષ્ઠા મેળવી છે.
રાજ્યપાલશ્રીએ યુનિવર્સિટીના ૫૬માં સ્થાપના દિવસની ઉજવણી પ્રસંગે ભારપૂર્વક જણાવ્યું હતું કે, શિક્ષિત યુવાનોનું ચિંતન માત્ર સ્વઉત્કર્ષ માટે નહીં, પરંતુ સમષ્ટિના કલ્યાણ માટે સર્વગ્રાહી બને તે દિશામાં પ્રયાસો કરવા જરૂરી છે.
રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે આપણી ભાષા, વેશભૂષા, સંસ્કૃતિ અને પરંપરાનું આપણને ગૌરવ હોવું જોઈએ. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશના ગૌરવ અને ગરિમાને શ્રેષ્ઠ ઊંચાઇએ પહોંચાડવા જે અભિયાન ઉપાડયું છે તેમાં યુવાનો પોતાની કર્તવ્યપરાયણતા દ્વારા યોગદાન આપે અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને સાકાર કરે.
આજના સ્થાપના દિને વિદ્યાર્થીઓને અનુરોધ કરતાં રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, યુવાનો પોતાના જન્મદિને વૃક્ષારોપણ કરવાનો અને વાવેલાં વૃક્ષોનો જતનપૂર્વક ઉછેર કરવાનો સંકલ્પ લે. યુનિવર્સિટી સંલગ્ન તમામ કોલેજોને મોટી સંખ્યામાં વૃક્ષારોપણ કરવા પણ રાજ્યપાલશ્રીએ આ તકે અનુરોધ કર્યો હતો.
યુનિવર્સિટી દ્વારા આ પ્રસંગે શરૂ કરાયેલું ગૌ-કૃષિ વિદ્યા કેન્દ્ર પ્રાકૃતિક કૃષિના જન અભિયાનને જન-જન સુધી પહોંચાડવાનું પ્રેરણા કેન્દ્ર બનશે તેમ જણાવી રાજ્યપાલશ્રીએ પ્રાકૃતિક કૃષિને જળ-જમીન અને પર્યાવરણની રક્ષા માટે, દેશી ગાયના જતન-સંવર્ધન માટે તેમજ ખેડૂત અને ખેતીની સમૃદ્ધિ માટે આવશ્યક ગણાવી હતી.
સૌરાષ્ટ્ર યુનિવર્સીટીના ૫૬ માં સ્થાપના દિન નિમિત્તે શિક્ષણમંત્રી શ્રી જીતુભાઇ વાઘાણીએ શુભેચ્છા પાઠવી મહાવિદ્યાલય વધુને વધુ પ્રગતિ કરે તેવી શુભકામના પાઠવી હતી. શિક્ષણમંત્રીશ્રીએ વિદ્યાધામમાં જ્ઞાનરૂપી ગંગાની સરવાણીમાં લાખો વિદ્યાર્થીઓ શિક્ષણ મેળવી રાષ્ટ્રના વિકાસમાં સહભાગી બન્યા હોવાનું જણાવી કહ્યું હતું કે રાજ્ય સરકાર વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે હંમેશા તત્પર રહી છે.
પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ દ્વારા વિદ્યાર્થીના સર્વાંગી વિકાસ માટે શરુ કરાયેલ સ્ટાર્ટઅપ, માઈન્ડ ટુ માર્કેટ, આંતરમ નિર્ભર ભારતના સ્વપ્નને સાર્થક કરી જોબ સીકર નહિ પરંતુ જોબ ગિવર બને તે માટે આગળ આવવા આહવાન કર્યું હતું. સાથે સાથે પ્રધાનમંત્રીશ્રી દ્વારા અમલી બનવા જઈ રહેલી નવી શિક્ષણ નીતિનો ઉલ્લેખ કરીશિક્ષણમંત્રી શ્રી જીતુભાઇએ રિસર્ચ બેઝ શિક્ષણથી વિદ્યાર્થીઓ વિશ્વ સામે હરીફાઈ કરી શકશે તેમ આત્મવિશ્વાષ સાથે જણાવ્યું હતું.
શ્રી વાઘાણીએ યુનિવર્સીટી દ્વારા શિક્ષણની સાથોસાથ વિદ્યાર્થીઓએ સર્વાંગી વિકાસ માટે રોજગાર મેળા, વ્યાખ્યાન માળાઓ, રમત ગમત પ્રવૃત્તિ તેમજ સામાજિક પ્રવૃત્તિઓ તેમજ સાંસ્કૃતિક ધરોહરને જાળવતા ઝવેરચંદ મેઘાણી એવોર્ડ સહીત કરવામાં આવતી પ્રવૃત્તિઓની સરાહના કરી ને બિરદાવી હતી.
આ પ્રંસગે ગુજરાત યોગ બોર્ડ દ્વારા યુનિવર્સટી સંલગ્ન ૨૩૮ કોલેજ સાથે યોગ ટ્રેનિંગના એમ.ઓ.યુ કરતા ચેરમેન શ્રી શિશુપાલજી એ યોગનું મહત્વ સમજાવ્યું હતું. તેઓએ કહ્યું હતું કે, યોગ માત્ર શારીરિક જ નહિ પરંતુ માનસિક, વૈચારિક અને આધ્યાત્મિક રીતે પણ સશક્ત બનાવે છે.
યોગ થકી સશક્ત સમાજના નિર્માણ સાથે મજબૂત રાષ્ટ્રનું નિર્માણ શક્ય બનશે માટે સૌ કોઈને યોગ સાથે જોડાવા ખાસ આહવાન કર્યું હતું. યોગ બોર્ડ દ્વારા યોગ ટ્રેનર બની રોજગારી પ્રાપ્ત કરવામાં આ કોર્સ ખાસ ઉપયોગી બનશે તેવો આશાવાદ તેમણે આ પ્રસંગે વ્યક્ત કર્યો હતો.
સ્વાગત પ્રવચન કરતા યુનિવર્સીટીના વાઇસ ચાન્સેલર શ્રી ગીરીશભાઈ ભીમાણીએ ૨૩ મેં ૧૯૬૭ થી શરુ થયેલી યુનિવર્સિટીની સફરને વધુને વધુ ઊંચાઈએ લઈ જવાની નેમ દર્શાવી હતી. તેઓએ યુનિવર્સીટી દ્વારા લેવામાં આવેલા આધુનિક પગલાંઓની માહિતી આપી હતી
તેમજ સૌરાષ્ટ્ર યુનિવર્સીટી દ્વારા સૌ પ્રથમ પ્રાકૃતિક ખેતી અને ગૌઅવર્ધન સંબંધી ગૌ કૃષિ વિદ્યા કેન્દ્રનો પ્રારંભ કરવાની ઘોષણા કરી હતી. કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્ય વડે કરવામાં આવ્યો હતો. તેમજ મહેમાનોનું શાલ અને મોમેન્ટો આપી સ્વાગત કરવામાં આવ્યું હતું.
સાથોસાથ યોજાયેલા સંસ્કૃતીની સરવાણી કાર્યક્રમમાં લોકગાયકશ્રી અભેસિંહભાઈ રાઠોડ, અરવિંદભાઈ બારોટ, રાધાબેન વ્યાસે શ્રોતાઓને સોરઠી ગીત સંગીતની ધૂનો રજુ કરી શ્રોતાઓને ડોલાવ્યા હતાં.
આજના કાર્યક્રમમાં પૂર્વ કુલપતિશ્રીઓ સર્વે શ્રી, ડો. કનુભાઈ માવાણી , ડો.કમલેશ જોશીપુરા, ડો. પ્રતાપસિંહ ચૌહાણ, સ્વ. ડો. ડોલરરાય માંકડ તેમજ સ્વ. એસ.આર. દવેના પરિવારજનો, યુનિવર્સીટીના હોદેદારો, શિક્ષકગણ તેમજ વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં.