૫ લાખના ખર્ચે નંખાયેલી ગટર લાઈન શોભાના ગાંઠિયા સમાન બનતા સ્થાનિકોને હાલાકી
જંબુસર પાલિકાના ઉપપ્રમુખ અને વિરોધ પક્ષના નેતાના વોર્ડમાં : પાણીના નિકાલ માટે લેવલ નહિ કરવામાં આવે તો આંદોલન કરી હડતાળ ઉપર બેસવાની ઉપપ્રમુખે ચીમકી ઉચ્ચારી
(વિરલ રાણા દ્વારા) ભરૂચ: જંબુસર નગર પાલિકા વોર્ડ નંબર ૭ ના ખાનપુર ભાગોળ પાસે આવેલ ઈમ્તિયાઝ નગરમાં છેલ્લા વીસ વર્ષથી ગટર લાઈન ન હતી.જે હાલમાં ૧૪ માં નાણાં પંચ માંથી ગટર લાઈન માટે ૫ લાખ રૂપિયા ફાળવાતા ઈમ્તિયાઝ નગરમાં ગટર લાઈન નાંખવામાં આવી હતી.પરંતુ તે આજે શોભાના ગાંઠિયા સમાન હોય તેમ ગટર લાઈને લઈને ઈમ્તિયાઝ નગરના ઘરોમાં લાઈન આપવામાં આવી નથી અને જે ગટર લાઈન બનાવવામાં આવી છે.
તે લાઈન લેવલ વગર માથા ઉતરતી વેઠ કરવામાં આવી છે.જેને લઈ બહારનું ગટરનું ગંદુ પાણી સોસાયટીમાં પરત આવતા કુંડીઓ છલકાય છે.
જેને લઈ રહીશોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને તીવ્ર દુર્ગંધના કારણે અસહ્ય ગંદકી વેઠવાનો વાળો આવ્યો છે તથા ખાનપુર ભાગોલ વાઘેલા વાસ પાસે ગટર લાઈનની પાઈપ તૂટેલી છે જેને લઈ ગટર માંથી ગંદકી બહાર આવે છે અને વાઘેલા વાસના રહીશો પણ તીવ્ર ગંધને કારણે ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે.
હાલ ચોમાસાની ઋતુ હોય ગંદકીને કારણે મચ્છરોનો ઉપદ્રવ ખૂબ જ મોટા પ્રમાણમાં થતો હોય રહીશોમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત વર્તાઈ રહી છે.જેથી વહેલી તકે ગટરનું કામકાજ પૂર્ણ થાય તેમ રહીશો ઈચ્છી રહ્યા છે.
આ બાબતે જંબુસર નગર પાલિકા વિરોધ પક્ષ નેતા કાદર બેગ મિર્ઝાને પોતાના વોર્ડની ગટર સમસ્યા અંગે પૂછતાં તેમણે જણાવ્યું હતું કે ઈમ્તિયાઝ નગરમાં ગટર લાઈન માટે પાંચ લાખ રૂપિયા ખર્ચે ૧૪ માં નાણાં પંચ માંથી કરવામાં આવ્યો છે અને ખર્ચો પણ પડી ગયો છે.ગટરલાઈનનું કનેક્શન એક પણ ઘરમાં આપવામાં આવેલ નથી.ગટર લાઈનની પાઈપો વચ્ચે થી તોડી પાણી કાંસમાં જાય છે.
આ ગટર લાઈનનું ફરીથી લાઈન લેવલ કરવામાં નહીં આવે તો આંદોલન કરી હડતાળ પર બેસવાની ચીમકી ઉચ્ચારી હતી. અત્રે ઉલ્લેખનીય બાબત એ છે ક જંબુસર નગર પાલિકા ના ઉપપ્રખ રૂક્ષાના સૈયદ અને વિરોધ પક્ષના નેતા કાદર બેગ મિર્ઝા હોવા છતાં પાલિકા દ્વારા કામગીરી માં વેઠ ઉતારવામાં આવતા આજે આ સમ્યાસ સર્જાઈ છે.ત્યારે ભ્રષ્ટાચાર કેટલો કરવામાં આવતો હશે તે આ વિસ્તાર ઉપર થી ખબર પડી જાય છે.