૫ લાખ વિદ્યાર્થીઓ ખાનગી શાળા છોડી સરકારીમાં ગયા
અમદાવાદ, ઘરકામ કરીને ગુજરાન ચલાવતા ગોમતીપુરના રહેવાસી લલિતાબેન સોલંકીએ હાલમાં જ તેમની બે દીકરીઓ પ્રિયંકા અને વંદનાને ખાનગી સ્કૂલમાંથી ઉઠાડીને સરકારી સ્કૂલમાં દાખલો અપાવ્યો છે. ધોરણ ૬ની વિદ્યાર્થિની પ્રિયંકા અને ધોરણ ૫માં અભ્યાસ કરતી વંદના અગાઉ ખાનગી સ્કૂલ નાલંદા પ્રાથમિક શાળામાં હતી પરંતુ ત્યાંથી ઉઠાડીને સરકાર સંચાલિત શાહીબાગ શાળા નંબર ૬માં તેમનું એડમિશન લેવામાં આવ્યું છે. કોરોનાના જાેખમને જાેતાં બંગલા માલિકો ઘરકામ માટે નોકર રાખતાં ડરે છે જેના કારણે કામ ઘટી ગયું છે.
આ પરિસ્થિતિમાં દર મહિને મારી બંને દીકરીઓની ૧૮૦૦ રૂપિયા સ્કૂલ ફી પોસાય તેમ નથી. મેં તેમને સરકારી સ્કૂલમાં બેસાડી દીધા છે અને હાલ તો અભ્યાસ ઓનલાઈન જ ચાલી રહ્યો છે, તેમ લલિતાબેને ઉમેર્યું. માર્ચ ૨૦૨૦માં કોરોનાએ ગુજરાતમાં પગપેસારો કર્યો હતો.
ત્યારબાદ ગુજરાતમાં ૫ લાખ જેટલા વિદ્યાર્થીઓને પ્રાઈવેટ સ્કૂલમાંથી ઉઠાડીને સરકારી સ્કૂલ અથવા અર્ધ-સરકારી સ્કૂલમાં એડમિશન અપાવાયું હતું. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા સચવાયેલા ડેટા પ્રમાણે, ૨૦૨૦-૨૧માં ૨.૮૨ લાખ વિદ્યાર્થીઓએ ખાનગી શાળા છોડીને સરકારી કે અર્ધ-સરકારી શાળાઓમાં એડમિશન લીધું છે.
કોરોનાની ઘાતક બીજી લહેર બાદમાં ૨૦૨૧-૨૨ના વર્ષમાં ઓગસ્ટ મહિના સુધીમાં વધુ ૨.૨૭ લાખ વિદ્યાર્થીઓએ સરકારી શાળાઓમાં એડમિશન લીધું છે. નિષ્ણાતોના મતે, ખાનગીમાંથી સરકારી શાળામાં એડમિશન લેવાનું કારણ મહામારીના કારણે સર્જાયેલી આર્થિક તંગી છે. મહામારીના લીધે ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં ઘણાં લોકો જીવ અને રોજગાર ગુમાવ્યો છે. આ સમયમાં વાલીઓના મોટા વર્ગને ખાનગી સ્કૂલોમાં પોતાના સંતાનને ભણાવવા માટે આપવી પડતી ૧૫,૦૦૦થી ૩૦,૦૦૦ રૂપિયાની વાર્ષિક ફી બોજરૂપ લાગવા માંડી. વળી, છેલ્લા દોઢ વર્ષથી સ્કૂલોમાં પ્રત્યક્ષ શિક્ષણ પણ બંધ છે.
અર્ધ-સરકારી સ્કૂલોમાં વાર્ષિક ફી ઘટીને ૬૦૦-૯૦૦ રૂપિયા થઈ જાય છે જ્યારે સરકારી સ્કૂલમાં ભણવા માટે કોઈ ફી ચૂકવવી પડતી નથી. ગુજરાત સેલ્ફ ફાઈનાન્સ સ્કૂલ મેનેજમેન્ટ અસોસિએશનના પ્રમુખ ભરત ગાજીપરાએ કહ્યું, ગામડાં અને નાના શહેરોમાં આવેલી ખાનગી સ્કૂલોને સૌથી વધુ ફટકો પડ્યો છે. શહેરો, ગામડાં અને ટાઉનમાં રહેતા પરિવારોની આવક ઘટી છે. પોતાના સંતાનનું એડમિશન રદ્દ કરાવતી વખતે વાલીઓ આર્થિક તંગીનું જ કારણ આપે છે.
ગુજરાત સ્ટેટ ગ્રાન્ડ-ઈન-એડ સ્કૂલ મેનેજમેન્ટ અસોસિએશનના પ્રમુખ ભાસ્કર પટેલે કહ્યું, ઘણાં પરિવારોમાંથી ગુજરાન ચલાવતા વ્યક્તિનું જ મોત થયું છે. ઘણાં વિધવા બહેનો બાળકોના એડમિશન માટે આવે છે ત્યારે કહે છે કે તેમની પાસે ખાનગી સ્કૂલની ફી ભરવાના પૈસા નથી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સ્કૂલ બોર્ડના એડમિનિસ્ટ્રેટર લગ્ધિર દેસાઈએ જણાવ્યું, “શહેરના ૮૫૦૦ જેટલા વિદ્યાર્થીઓએ પ્રાઈવેટ સ્કૂલ છોડીને એએમસીની સ્કૂલોમાં એડમિશન લીધું છે. વિના મૂલ્યે શિક્ષણ, સુધરતું ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઈંગ્લિશ મીડિયમ સ્કૂલોની શરૂઆત આ પરિવર્તનનું કારણ છે.SSS