૫.૮૦ લાખની લોન લેવા દોઢ લાખથી વધુ ગુમાવ્યા
અમદાવાદ: ગુજરાતીમાં એક કહેવત છે કે, ગરજવાનમાં અક્કલના હોય. એટલે કે, જ્યારે કોઈ વ્યક્તિને ગરજ હોય ત્યારે તે ભાન ભૂલી જાય છે. આવો એક બનાવ અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં નોંધાયો છે. જેમાં ફરિયાદીએ રૂપિયા ૫ લાખ ૮૦ હજારની લોન લેવામાં ૧ લાખ ૩૬ હજાર ગુમાવ્યા છે.
ચાંદખેડામાં રહેતા કુમાર વોરા કાર એસેસરીઝનો વેપાર કરે છે. ૨૨મી નવેમ્બરના દિવસે તેમના વોટસએપ નંબર પર કોઈ અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો હતો. જેમાં લખ્યું હતું કે, શ્રી રામ ફાઇનાન્સમાંથી વાત કરે છે.
તમારે લોનની જરૂર હોય તો અમે પર્સનલ લોન આપીશું. ફરિયાદીને લોનની જરૂર હોવાથી તેમણે સામેવાળી વ્યક્તિ સાથે વોટસએપ ચેટિંગ શરૂ કર્યું હતું. જેમાં તેણે પોતાનું નામ અંજલિ શર્મા જણાવ્યું હતું. જેણે ફરિયાદીને રૂપિયા ૫ લાખ ૮૦ હજારની લોન વાર્ષિક ૧.૨ ટકાના વ્યાજદરે આપવાનુ કહેતા ફરિયાદી લોન લેવા માટે તૈયાર થયા હતા. જેથી આ ગઠિયાએ ફરિયાદીને પ્રથમ તો ઇએમઆઇના ચાર્જ પેટે રૂપિયા ૧૫૦૦ ભરવા માટે કહ્યું હતું.
જે રૂપિયા ફરિયાદીએ ગઠીયાએ આપેલા નંબર પર પેટીએમ કરી આપ્યા હતા. ત્યારબાદ ગઠીયાએ લોનના અલગ અલગ ચાર્જ પેટા ફરિયાદી પાસેથી અલગ અલગ તારીખે કુલ રૂપિયા ૧ લાખ ૩૬ હજાર જેટલી રકમ ટ્રાન્સફર કરાવી હતી. જે બાદ પણ લોન ના આપતા અંતે ફરિયાદીને તેની સાથે છેતરપિંડી થઈ હોવાની જાણ થતાં તેણે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી હતી. પોલીસે હાલમાં આ સમગ્ર મામલે ફરિયાદ નોંધીને વધુ તપાસ શરૂ કરી છે.