૬૦થી વધુ વયના કોચ હવે કોચિંગ આપી શકશે નહીં

File
નવી દિલ્હી: ભારતીય ક્રિકેટ બોર્ડે તેના તમામ સ્ટેટ એસોસિયેશનને રવિવારે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર (એસઓપી) અંગે એક માર્ગદર્શિકા જારી કરી છે જે મુજબ દરેક ખેલાડીએ ફરીથી ક્રિકેટ ટ્રેનિંગ શરૂ કરવા અંગે એક મંજૂરી પત્ર પર હસ્તાક્ષર કરવાના રહેશે. આ એસઓપી મુજબ ૬૦ વર્ષથી વધુ વયની કોઈ પણ વ્યક્તિ અથવા તો જેમની મેડિકલ સ્થિતિ ચિંતાજનક છે તેવી કોઈ પણ વ્યક્તિને ક્રિકેટથી દૂર રખાશે. આમ ગઈ સિઝનમાં પોતામી ટીમને રણજી ટ્રોફીની ફાઇનલ સુધી પહોંચાડનારા બંગાળના કોચ અરુણલાલ અને બરોડાની ટીમના કોચ ડેવ વોટમોરને ફટકો પડશે. આ બંને કોચ આ વખતે સેવા આપી શકશે નહીં.
૬૬ વર્ષીય ડેવ વોટમોરને એપ્રિલમાં જ બરોડાની ટીમના કોચ બનાવાયા હતા તો અરુણ લાલ બંગાળની ટીમના કોચ હતા. બોર્ડની ૨૦૧૯-૨૦ની સિઝન માર્ચ મહિનામાં પૂરી થઈ ગઈ હતી પરંતુ કોરોનાને કારણે તેની આગામી સિઝનમાં ઘણી મેચો અને ટુર્નામેન્ટ ઘટાડી દેવામાં આવી છે. આરોગ્યની બાબતોને ધ્યાનમાં રાખીને આ ર્નિણય લેવાયો છે. એસોપી મુજબ ક્રિકેટ ફરીથી શરૂ થાય ત્યારે ખેલાડીઓ, સ્ટાફ અને મેચના અધિકારીઓના આરોગ્ય અને સલામતીની સંપૂર્ણ જવાબદારી સ્ટેટ ક્રિકેટ એસોસિયેશનની રહેશે. આ ઉપરાંત ટ્રાવેલિંગથી માંડીને સ્ટેડિયમ સુધી જવાની તથા ટ્રેનિંગ માટે જવા સુધીની તમામ બાબતોમાં ખેલાડીઓએ આ એસઓપીનું પાલન કરવાનું રહેશે.