માકંડ બંધુઓ GCRI સ્થિત કોવિડ હોસ્પિટલની સારવારને આશીર્વાદરુપ ગણે છે
હાઈકોર્ટ એડવોકેટ તરીકે પ્રેક્ટિસ કરતા રાજેશ માંકડના ફેમીલી ડોક્ટરે કહ્યુ કે કોરોના સારવાર માટે સિવિલમાં જ જવાય
હાઈકોર્ટ એડવોકેડ તરીકે પ્રેક્ટિસ કરતા રાજેશ માકંડ અને તેમના ભાઈ ભુવનેશ માકંડ તાજેતરમાં કોરોના પોઝિટિવ થયા હતા. ફેમીલી કાર્ડીયોલોજીસ્ટ મુકુંદ ઓઝાએ કહ્યુ કે કોરોનાની સારવાર માટે સિવિલ સિવાય કોઈ જ શ્રેષ્ઠ વિકલ્પ નહીં. રાજેશ માંકડ તરત જ પોતાના ભાઈ સાથે સિવિલ કેમ્પસમાં સારવાર માટે આવી પહોંચ્યા. બંને ભાઈઓને સિવિલ કેમ્પસની ગુજરાત કેન્સર રિસર્ચ ઈન્સ્ટીટ્યુટ (જી.સી.આર.આઈ)ની કોરોના હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા.
૬૨ વર્ષીય રાજેશભાઈને કોરોના સંક્રમણની ગંભીરતા ઓછી હતી પરંતુ તેમના ૬૪ વર્ષીય ભુવનેશભાઈની સ્થિતિ ગંભીર બનતા વેન્ટીલેટર પર ખસેડવામાં આવ્યા. ત્રણ દિવસ વેન્ટીલેટર પર સારવાર મળ્યા બાદ સ્થિતિ સામાન્ય થઈ. કુલ ૧૧ દિવસની સારવાર બાદ સંપૂર્ણપણે સાજા થઈ કોરોનાને મ્હાત આપી ઘરે પરત ફર્યા.
આજે રાજેશ માકંડ સરકારી હોસ્પિટલમાં મળેલી સારવાર વિશે કહે છે કે “સામાન્ય રીતે સમાજના ઘણા વર્ગમાં સરકારી હોસ્પિટલોની સારવાર વિશે નકારાત્મક વિચારધારા બંધાયેલી હોય છે જે તદ્દન ખોટી છે તે અહીં સારવાર લીધા બાદ અનુભવ્યુ છે”. તેઓ ઉમેરે છે કે અહીં અમને સમયસર પૌષ્ટિક નાસ્તો, આહાર આપવામાં આવતો. પ્રવાહી ડાયટ માં ઉકાળો, જ્યુસ, સૂપ નિયમિત આપવામાં આવતું. ફ્રુટ ડિસ પણ આપતા. એલોપેથીની સાથે સાથે આયુર્વેદિક ઉપચાર પધ્ધતિ પણ ચાલતી. હોસ્પિટલમાં હેલ્થની સાથે સાથે હાયજીનનું પણ પૂરતુ ધ્યાન રાખીને સાફ-સફાઈ દ્વારા સ્વચ્છતા જાળવવામાં આવતી.
જી. સી. આર. ઈ.ની કોરોના હોસ્પિટલના ડાયરેક્ટર, તબીબો ની સાથે અન્ય સ્ટાફ મિત્રોના સંવેદનશીલ, હકારાત્મક વલણના કારણે અમે સારવાર દરમિયાન માનસિક રીતે પણ હાશકારો અનુભવતા.હોસ્પિટલમાં કોઈપણ ફરીયાદ હોય કે સૂચન હોય તે મોકળા મને અમે તબીબોને કહી શકતા જેના પર અમલ પણ થતો. કોરોના ની વિકટ પરિસ્થિતિઓમા, ખાનગી હોસ્પિટલમાં સારવાર ન લઈને સિવિલ હોસ્પિટલ કેમ્પસની જી. સી. આર. આઈ. માં સારવારને અમે આશીર્વાદરૂપ માનીએ છીએ.