Western Times News

Gujarati News

૬૦ વર્ષથી વધુ ઉંમરના લોકોને ટિકિટ ન આપવાનો નિયમ ધારાસભ્યો માટે નથી: સી આર પાટીલ

અમરેલી, ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ આજે અમરેલી જિલ્લાની મુલાકાતે પહોંચ્યા હતા. અમરેલીમાં પાટીલે કેસરી સેવા યજ્ઞ કાર્યાલયનું ઉદ્‌ઘાટન કર્યુ હતું. લોકોને સરકારી યોજનાનો લાભ મળી શકે તે માટે ભાજપ દ્વારા કેસરી સેવા યજ્ઞ કાર્યાલય ખુલ્લુ મુકવામાં આવ્યું છે. તો કોરોના કાળમાં મૃત્યુ પામેલા કાર્યકરોને આર્થિક મદદ માટે ફંડ એકત્રિત કરવાની શરૂઆત અમરેલીથી કરવામાં આવી છે.

અમરેલીમાં આજથી કોરોના કાળમાં મૃત્યુ પામેલા કાર્યકરોના પરિવારની આર્થિક મદદ કરવાના અભિયાનની પણ શરૂઆત કરવામાં આવી છે. આ ફંડ માટે કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાએ ૧૦ લાખ, ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે ૫ લાખ અને સાંસદ નારણ કાછડિયાએ કાર્યકરોના ફંડમાં ૨.૫૧ લાખ રૂપિયા જમા કરાવ્યા છે. તો જરૂરીયાત મંદ બાળકોને નોટબુકનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ આજે વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપવા માટે આજે અમરેલી પહોંચ્યા હતા. અહીં કેન્દ્રીય મંત્રી પરષોત્તમ રૂપાલાનો સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો. આ સન્માન સમારોહમાં સંબોધન કરતા પાટીલે નામ લીધા વગર આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. પાટીલે કહ્યુ કે, સંગઠનની તાકાત અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં સફળતાને કારણે ઝાડુએ બિસ્તરા પોટલા બાંધી લીધા છે. તો તેમણે રાજુલામાં રેલવેની જમીન પડાવી લેવા માટે કોંગ્રેસ પર આડકતરી રીતે પ્રહાર કર્યા હતા.

કેન્દ્રીય મંત્રી રૂપાલાના સન્માન સમારોહમાં અમરેલી પહોંચેલા ભાજપના પ્રદેશ પ્રમુખે એક મહત્વનું નિવેદન આપ્યું છે. પાટીલે કહ્યુ કે, ૬૦ વર્ષથી વધુ ઉંમરના લોકોને ટિકિટ ન આપવાનો ર્નિણય માત્ર નગર પાલિકા અને મહાનગર પાલિકા માટે છે. ધારાસભ્યોની ચૂંટણીમાં આ નિયમ લાગૂ નથી. મહત્વનું છે કે છ મહિના પહેલા ગુજરાતમાં યોજાયેલી છ મહાનગર પાલિકા અને અન્ય પાલિકાની ચૂંટણીમાં ભાજપે ૬૦ વર્ષથી વધુ ઉંમરના કોર્પોરેટરો અને નેતાઓને ટિકિટ આપવાની ના પાડી દીધી હતી. ભાજપે આ માટે ૬૦ વર્ષની વયમર્યાદા નક્કી કરી હતી. પરંતુ હવે પાટીલે સ્પષ્ટતા કરી છે કે ધારાસભ્યની ચૂંટણીમાં આ નિયમ લાગૂ નથી.HS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.