૬૨ વર્ષના તબીબને હોસ્પિટલમાં જઈ ફટકારનાર સામે ફરિયાદ
અમદાવાદ, મણિનગર પૂર્વ વિસ્તારમાં રહેતા ૬૨ વર્ષીય તબીબે તેમની જ સોસાયટીમાં રહેતા યુવક સામે ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ કોર્ટમાં સમાધાન કરી લીધું હતું. તેની અદાવત રાખી યુવક તબીબને હેરાન કરતો હતો. આ દરમિયાન શનિવારે મોડી રાત્રે યુવક તબીબના દવાખાને ગયો હતો અને તેમને ફટકાર્યા હતા. જેથી આ મામલે તબીબે યુવક સામે ખોખરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
મણિનગર પૂર્વમાં ૬૨ વર્ષીય ડો.કેતનભાઈ છોટાલાલ દવે ખોખરા સર્કલ નજીક દવે ક્લિનિક ધરાવે છે. છ મહિના પહેલાં કેતનભાઈની સોસાયટીમાં રહેતા ધ્રુવિલ હર્ષભાઈ રાણા સામે ચોરીની ફરિયાદ કરી હતી. ત્યારબાદ કોર્ટમાં સમાધાન કરી કેસ પૂર્ણ કરી દીધો હતો.
આ કેસની અદાવત રાખી અવાર નવાર ધાકધમકી આપતો હતો અને હેરાન પરેશાન કરતો હતો. પરંતુ આ અંગે કોઈ જ ફરિયાદ ડો.કેતનભાઈએ કરી ન હતી. ૬ નવેમ્બરે ડો.કેતનભાઈ તેમના દવાખાને હાજર હતા તે વખતે રાત્રે ૧૧ વાગ્યે ધ્રુવિલ તેમના દવાખાને આવ્યો હતો.
તેણે જણાવ્યું હતું કે, તે કેમ અગાઉ મારી વિરૂદ્ધ ફરિયાદ કરી હતી. ડો.કેતનભાઈએ તેને ગાળો ન બોલવા અને શાંતિ રાખવા જણાવ્યું હતું. ઉશ્કેરાયેલા ધ્રુવિલે તબીબને ફટકાર્યા હતા. જેથી તબીબના મોઢામાંથી લાહી નીકળવા લાગ્યું હતું.
બૂમાબૂમ કરતાં લોકો દોડી આવ્યા હતા ત્યારે ધ્રુવિલ ત્યાંથી ભાગ્યો હતો. જતા જતા તેણે ધમકી આપી હતી કે, હવે મારી સામે ફરિયાદ કરીશ તો તારા હાથ પગ તોડી નાંખીશ અને જાનથી મારી નાંખીશ. ત્યારબાદ તબીબે કંટ્રોલરૂમમાં ફોન કરતા પોલીસ ત્યાં આવી ગઈ હતી. ડો.કેતનભાઈએ ધ્રુવિલ સામે ફરિયાદ નોંધાવી છે.