Western Times News

Gujarati News

૬૪૦ ગ્રામના દીકરાની સારવાર માટે માતા-પિતા પાસે નહોતા રૂપિયા

અમદાવાદ: ૨ માર્ચ, જ્યારે કોરોના મહામારીની હજી શરૂઆત જ હતી ત્યારે એક માળીની પત્નીએ ૬૪૦ ગ્રામના બાળકને જન્મ આપ્યો. ત્રણ મિસકેરેજ પછી આ બાળક જન્મતાં પતિ-પત્નીની તીવ્ર ઈચ્છા હતી કે આ સંતાન જીવતું રહે. પરંતુ પ્રીમેચ્યોર બાળકને જીવતું રાખવા એડવાન્સ સારવાર જરૂરી હતી જેના રૂપિયા તેમની પાસે ન હોવાનું કહેતાં દંપતી ભાંગી પડ્યું હતું. ત્યારે આ દંપતીની મદદ આવ્યું ક્રાઉડ (લોકોનું ટોળું).

માળી ભોલુ કોળી અને તેમની પત્ની દુર્ગાના એકમાત્ર બાળકને બચાવવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ક્રાઉડફંડિગની માગણી કરવામાં આવી હતી. જેમાં ૩૩ સીધા દાતા અને ૧૫૮ લોકોએ રૂપિયા ઓનલાઈન દાન કર્યા હતા. ચારથી વધુ મહિના બાદ ૧૪ જુલાઈએ ૧.૮૭૫ કિલોગ્રામના સ્વસ્થ અર્જુનને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાયો. હજી અર્જુન નાજુક તો છે જ પરંતુ પોતાની જાતે જીવી શકે તેટલો સક્ષમ છે. કોરોના મહામારીના કારણે ઘણા લોકો આર્થિક ભીંસમાં મૂકાયા છે છતાં આ નાનકડા બાળકનો જીવ બચાવવા માટે અજાણ્યા લોકોએ ૧૪ લાખ રૂપિયા ભેગા કર્યા હતા અને તેનું હોસ્પિટલનું બિલ ચૂકવ્યું હતું.

શહેરની એક હોસ્પિટલના ડાૅ. ભાવિક શાહે જણાવ્યું, “દુર્ગાની પ્રી-મેચ્યોર ડિલીવરી થઈ હતી અને અર્જુન જન્મ્યો ત્યારે તેનું વજન ૬૪૦ ગ્રામ હતું. અન્ય તકલીફની સાથે તેને શ્વાસ લેવામાં તકલીફ હતી, ઈન્ફેક્શન, જન્મજાત હૃદયની બીમારી હતી. પરંતુ પોતાના બાળકને જીવાડવાનો માતા-પિતાનો પ્રયાસ જાેઈને અમે ક્રાઉડફંડિગ કરવાનો નિર્ણય લીધો. જેમાં અમે પણ યથાશક્તિ દાન કર્યું હતું.”

મંગળવારે સાંજે અર્જુન હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયો ત્યારે ભાવુક દ્રશ્યો સર્જાયા હતા. હર્ષભેર દીકરાને ઘરે લઈ જતાં માતા-પિતાને હોસ્પિટલના સ્ટાફે યાદગાર વિદાય આપી હતી. કન્સલ્ટિંગ નિયોનેટોલોજિસ્ટ ડાૅ. રાકેશ શર્માએ કહ્યું, કુલ ૧૪ લાખ રૂપિયામાંથી ૮.૭૫ લાખ ફેસબુક પેજ ‘અર્જુન મેડિકલ ફંડરેસિંગ’ દ્વારા એકઠા થયા હતા. બાકીના રૂપિયા ડાૅક્ટરો અને તેમના પરિચિતો પાસેથી મળ્યા હતા. બાળકના માતા-પિતા પાસેથી એક રૂપિયો પણ લેવામાં આવ્યો નહોતો.”

પાંચ વાર વેન્ટિલેટર પર રાખવા સહિત અનેક પડકારો પાર કરીને અર્જુન સ્વસ્થ થયો છે. લોકડાઉનની પડકારજનક સ્થિતિમાં પણ અમે કોઈપણ ભોગે બાળકનો જીવ બચાવવા માટે તૈયાર થઈ ગયા હતા. જ્યારે બાળક ડિસ્ચાર્જ થયો તે ક્ષણ ખરેખર ભાવુક કરી નાખનારી હતી, તેમ ડાૅક્ટર રાકેશ શર્માએ જણાવ્યું.

અર્જુનના પિતા ભોલુ કોળીએ કહ્યું, “આ ડાૅક્ટરો અમારા માટે ભગવાન સમાન છે. તેમણે ચારથી વધુ મહિના સુધી અમારા બાળકની ખૂબ કાળજી રાખી અને અમારી પાસેથી એક રૂપિયો પણ ના લીધો.”


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.