Western Times News

Gujarati News

૬ મહાનગરપાલિકાની ચૂંટણી લડવા ૨૨૯૯ ઉમેદવારો મેદાનમાં

અમદાવાદ: ગઈકાલે ચૂંટણીમાં ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ હતો. જેના બાદ મોડી સાંજે ફાઈનલ ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થયું છે. ગુજરાતની ૬ મહાનગર પાલિકાઓમાં ચૂંટણી લડવા ૨૨૯૯ ઉમેદવારો મેદાનમાં છે. જેમાં અમદાવાદમાં ૭૭૧, વડોદરામાં ૨૮૭, સુરતમાં ૪૮૪, જામનગરમાં ૨૩૬, રાજકોટમાં ૩૧૦ અને ભાવનગરમાં ૨૧૧ ઉમેદવારો મેદાનમાં છે.

ત્યારે હવે ગુજરાતમાં મનપાની ચૂંટણી માટે પ્રચારનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. ગુજરાતની ૬ મહાનગર પાલિકાઓમાં ભાજપ-કોંગ્રેસના ઉમેદવારોએ પ્રચારમાં જાેર લગાવ્યું છે. ૨૧ ફેબ્રુઆરીએ મતદાન યોજાશે અને ૨૩ ફેબ્રુઆરીએ પરિણામ જાહેર થશે. અમદાવાદ મહાનગરપાલિકા માટે ઉમેદવારોનું આખરી ચિત્ર સ્પષ્ટ થયું છે.

૪૮ વોર્ડની ૧૯૨ બેઠકો માટે કુલ ૭૭૧ ઉમેદવારો મેદાનમાં છે. જેમાં ભાજપનો ૧ ઉમેદવાર બિનહરીફ વિજેતા જાહેર થયો છે. મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપના ૧૯૧ ઉમેદવારો અને કોંગ્રેસના ૧૮૮ ઉમેદવાર મેદાનમાં છે. તો બહુજન સમાજ પાર્ટીના ૫૪ અને

આમ આદમી પાર્ટીના ૧૫૫ ઉમેદવારો મેદાનમાં છે. તેમજ અપક્ષમાં ૮૬ અને અન્ય પક્ષોના ૫૬ ઉમેદવારો મેદાનમાં છે. રાજ્યની મહાનગરપાલિકાની ચૂંટણીમાં તમામ પક્ષો જીત માટે પ્રયાસ કરી રહ્યા છે. રાજકોટમાં પણ ફોર્મ પરત ખેંચવાના છેલ્લા દિવસે પણ ખેંચતાણ યથાવત રહી હતી.

આ દિવસે વિરોધી પક્ષની પેનલને તોડવા માટે ભાજપ કોંગ્રેસ બંને પક્ષોએ પ્રયાસ કર્યા હતા. કોંગ્રેસના ઉમેદવારો તૂટવાની શરૂઆત થતા પક્ષે પોતાના નબળા ઉમેદવારોને ફાર્મહાઉસમાં નજરકેદ કરીને રાખ્યા હતા. તો બીજી તરફ કોંગ્રેસે એનસીપીના ઉમેદવારોના ફોર્મ પરત ખેંચાવવાનો પ્રયાસ કર્યો હતો.

આ પ્રયાસોમાં કોંગ્રેસને સફળતા મળી હતી અને એનસીપીના ચાર ઉમેદવારે છેલ્લી ઘડીએ ફોર્મ પાછા ખેંચી લીધા હતા. રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણી જીતવા માટે ભાજપે પ્રચાર શરૂ થાય તે પહેલાં જ કોંગ્રેસના બે ઉમેદવારોને ફોર્મ પરત કરવા રાજી કરી લીધા હતા.

ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસે ભાજપ, કોંગ્રેસ અને એનસીપીના આગેવાનો સતત દોડતા રહ્યા હતા. ભાજપના આગેવાનો કોંગ્રેસના વધુ એક ઉમેદવારે ફોર્મ પાછું ખેંચે તે માટે છેલ્લી ઘડી સુધી પ્રયાસો કર્યા હતા. કોંગ્રેસના આગેવાનો એનસીપીના ચાર ઉમેદવારના ફોર્મ ખેંચવામાં સફળ રહ્યા હતા.

જેમાં વોર્ડ નં.૩ માં ધવલ રાવલ, વોર્ડ નં.૫માં મચ્છાભાઇ જાદવ, વોર્ડ નં.૧૮ માં નિલેશ વીરડિયા અને વોર્ડ નં.૬ માંથી દેવશીભાઇ પરમારે ફોર્મ પરત ખેંચ્યું હતું. તો હવે રાજકોટ મહાનગરપાલિકાની ૭૨ બેઠકો માટે ૨૯૩ ઉમેદવારો વચ્ચે ચૂંટણીનો જંગ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.