૬ વર્ષથી નાના બાળકો માટે અમદાવાદની હવા હાનિકારક

પ્રતિકાત્મક
સ્ટડીમાં બહાર આવ્યું કે, ૨,૬૮૨ બાળકોમાંથી ૩૦.૬ ટકાની આસપાસના બાળકોને તમાકુના ધૂમાડાની અસર થઈ છે
અમદાવાદ, શહેરની પ્રદૂષિત હવા બાળકોના સ્વાસ્થ્ય માટે મોટું જાેખમ સાબિત થઈ રહી છે. છ વર્ષથી ઓછી ઉંમરના બાળકો પરનો એક સ્ટડી હાથ ધરવામાં આવ્યો હતો. જ્યારે બાળકો PM ૨.૫ (પાર્ટિક્યુલેટ મેટર પોલ્યુશન)ના સંપર્કમાં આવે છે
ત્યારે પુખ્ત વયના લોકો કરતાં નવજાત અને નાના બાળકો પર વધુ અસર થાય છે તે દર્શાવવા માટે સંશોધનકર્તાઓએ એક જાહેર હોસ્પિટલમાંથી ડેટા એકત્ર કર્યો હતો. ૧૮ મહિના સુધી ચાલેલા આ પહેલવહેલા સ્ટડીમાં જાણવા મળ્યું કે, બાળરોગોના નિષ્ણાત પાસે દાખલ થયેલા ૧૨,૬૩૫ બાળ દર્દીઓમાંથી ૨,૬૮૨ બાળકોની ઉંમર ૬ વર્ષથી ઓછી હતી.
આ ૨૧ ટકા બાળકોને પ્રદૂષિત હવાના કારણે શ્વસન સંબંધિત બીમારીઓ અને ઈન્ફેક્શન થયા હતા. આ સ્ટડી AMC મેડિકલ એજ્યુકેશન ટ્રસ્ટ મેડિકલ કોલેજના ડૉ. ખ્યાતિ કક્કડના વડપણ હેઠળ એલજી હોસ્પિટલ અને ચિરંતાપ ઓઝાએ સાથે મળીને કર્યો હતો.
આ ટીમમાં IIPH-ગાંધીનગરના પ્રિયા દત્તા, દિલ્હી યુનિવર્સિટીના સ્કૂલ ઓફ ફિઝિયોથેરાપીના વર્ષા ચોરસિયા અને ગુરુગ્રામ સ્થિત પબ્લિક હેલ્થ ફાઉન્ડેશન ઓફ ઈન્ડિયાના પ્રશાંત રાજપૂત પણ જાેડાયા હતા. સ્ટડીમાં બહાર આવ્યું કે, ૨,૬૮૨ બાળકોમાંથી ૩૦.૬ ટકાની આસપાસના બાળકોને તમાકુના ધૂમાડાની અસર થઈ છે. જ્યારે બાકીના ૭૪.૮૩ ટકા બાળકો મુખ્ય રોડથી ૫૦૦થી ઓછા મીટરના અંતરે રહે છે જેના કારણે વાહનોના ધૂમાડા શ્વાસમાં જાય છે. આશરે ૧૧.૫૯ ટકા બાળકો ઘરની પ્રદૂષિત હવાના કારણે બીમાર પડ્યા હતા.
૨૫ ટકા જેટલા બાળકો આર્થિક રીતે પછાત પરિવારોના છે અને કાચા મકાનોમાં રહે છે. તેમાંથી ૨૦ ટકાના ઘરે માત્ર એક જ બારી છે. શ્વાસની તકલીફ સાથે આવેલા ૨,૬૮૨ દર્દીઓમાંથી ૧,૬૧૨ (૬૦.૧ ટકા)ને વીઝિંગ ડિસઓર્ડર (શ્વાસ લેતી વખતે સિસોટી જેવો અવાજ થવો) હતા જ્યારે ૧,૦૭૦ (૩૯.૯ ટકા) બાળકોને નોન-વીઝિંગ ડિસઓર્ડર હતા. સ્ટડીમાં નોંધવામાં આવ્યું કે, નવજાત શિશુઓ અને નાના બાળકોના ફેફસા નબળા હોય છે,
મોટાભાગના શ્વાસ છિદ્રો નાના હોય છે, છાતીની દિવાલ નબળી હોય છે અને રોગપ્રતિકારક શક્તિ પણ ઓછી હોય છે. જેના કારણે તેમને શ્વસનને લગતી તકલીફો વધારે થાય છે. WHO ની ભલામણને આધારે વધુ એક રસપ્રદ વાત જાણવા મળી કે, નાના બાળકો અને નવજાત શિશુઓ PM૨.૫ પાર્ટિક્યુલેટ પોલ્યુશન લેવલથી ૧૫ માઈક્રોગ્રામ પ્રતિઘન મીટરથી વધુના સંપર્કમાં ના આવવા જાેઈએ. જાેકે, અમદાવાદમાં સરેરાશ વાર્ષિક PM૨.૫ સેંદ્રતા પ્રતિ ક્યૂબીક મીટર ૮૦.૨૭ માઈક્રોગ્રામ હતી.