૭૦૦ બેડ ધરાવતી નવી મલ્ટિસ્ટોરીડ શારદાબહેન હોસ્પિટલ આકાર પામશે
અશોક મિલ કંપાઉન્ડમાં અત્યાધુનિક સુવિધાઓ સાથેની ભવ્ય હોસ્પિટલ ઊભી કરાશે
અમદાવાદ, ભાજપ શાસિત મ્યુનિ. કોર્પોરેશનમાં વિકાસલક્ષી પ્રોજેક્ટ કહો કે પછી સામાન્ય પ્રજાકીય સુખાકારીના કામ ગણો પણ જાણ્યે-અજાણ્યે પશ્ચિમ અદાવાદને સૌથી વધુ પ્રાધાન્ય અપાય છે. સાબરમતી નદીના શહેરની વચ્ચોવચ થઇને વહેતાં વહેણથી શહેર પૂર્વ અમદાવાદ અને પશ્ચિમ અમદાવાદ-એમ બે ભાગમાં વહેચાયું છે
અને શાસકો પણ ભેદભાવભરી નીતિ અખત્યાર કરે છે તેવા ગંભીર આક્ષેપો ઊઠતા રહ્યા છે. ખાસ કરીને પૂર્વ અમદાવાદની સાથે અન્યાય થતો હોવાનું મહેણું ભાંગવા હવે શાસક પક્ષે વિશેષ ધ્યાન કેન્દ્રિત કર્યું છે. સરસપુર વિસ્તારમાં નવી મલ્ટિસ્ટોરીડ શારદાબહેન હોસ્પિટલનો છેલ્લા બે-ત્રણ વર્ષથી ગાજતો પ્રોજેક્ટ હવે ધીમે ધીમે આકાર આપવાની દિશામાં જઇ રહ્યો છે.
આ ભવ્ય હોસ્પિટલથી પૂર્વ વિસ્તારના લાખો લોકને ઘરઆંગણે મફતના ભાવે અનેક પ્રકારની મેડિકલ સેવાનો લાભ મળશે. પશ્ચિમ વિસ્તારમાં વીએસ હોસ્પિટલના પરિસરમાં કરોડો રૂપિયાના ખર્ચે સરદાર વલ્લભભાઇ પટેલ (એસવીપી) હોસ્પિટલ શરૂ કરીને મ્યુનિ. સત્તાવાળાઓએ પશ્ચિમ અમદાવાદના લાખો લોકોને સસ્તા ભાવે સરસ મજાની મેડિકલ સુવિધા પૂરી પાડી છે. એસવીપી હોસ્પિટલે તો કોરોના મહામારીના કાળમાં પણ કોરોના દર્દીઓની નિષ્ઠાપૂર્વક સારવાર કરીને લોકોના હૃદય જીતી લીધા હતા.
જ્યારે પૂર્વ વિસ્તારની શારદાબહેન હોસ્પિટલમાં લોકડાઉન અને જનતા કરફ્યુ જેવી પરિસ્થિતિમાં પણ ૧૦૩ નોર્મલ અને ૬૭ સિઝેરિયન મળીને કુલ ૧૭૦ કોવિડ પોઝિટિવ દર્દીની ડિલિવરી કરાઇ હતી. કોરોનાકાળમાં જૂની શારદાબહેન હોસ્પિટલના રેસિડેન્ટ ડોક્ટરોએ સેમ્પલ ટેસ્ટિંગ, ૧૦૪ ડ્યૂટી, સંજીવની રથ, સાંજની ઓપીડી, ધન્વંતરિ રથની ડ્યૂટી જેવી સેવા તેમજ તાવ, કફ, શ્વાસ લેવામાં તકલીફ સાથે હોસ્પિટલ આવતા દર્દીઓ પૈકી
જાે દર્દીનો રિપોર્ટ પોઝિટિવ આવે તો વિભિન્ન કોવિડ ડેઝિગ્નેટેડ હોસ્પિટલમાં મોકલવા અને છેલ્લે તો કોરોના દર્દીની સારવાર પણ અપાઇ છે. જાેકે હવે તંત્રે તેનો બે-ત્રણ વર્ષ જૂનો નવી મલ્ટિસ્ટોરીડ હોસ્પિટલનો પ્રોજેક્ટ હાથ પર લીધો છે. અશોક મિલના કંપાઉન્ડમાં મિલની જમીનમાં ૨૦ ટકા કપાત હેઠળ મળેલી જમીનમાં સાત માળ કે દસ માળનું મલ્ટિસ્ટોરીડ બિલ્ડિંગ બંધાશે.
મ્યુનિ. તંત્રને મળેલી આશરે ૩૧,૦૩૩.૭૯ ચો.મી. જમીનમાં આ વિશાળ હોસ્પિટલ બનવા જઇ રહી છે. નવી મલ્ટિસ્ટોરીડ શારદાબહેન હોસ્પિટલમાં ગાયનેક વોર્ડ બાળકોનો વોર્ડ, રેડિયોલોજી, આઇસીયુ, માઇક્રોબાયોલોજી, લેબોરેટરી, સર્જિકલ વોર્ડ, મેડિકલ વોર્ડ, ઓર્થોપેડિક વોર્ડ, બર્ન્સ વોર્ડ તેમજ અત્યાધુનિક ઓપરેશન થિયેટરનો સમાવેશ કરાશે.
આ મલ્ટિસ્ટોરીડ હોસ્પિટલમાં અન્ય આધુનિક મલ્ટિસ્પેશિયાલિટી સારવારનો લાભ પણ દર્દીઓને મળશે તેમજ અદ્યતન ઇન્ટિરિયરની સુવિધાથી પણ આ હોસ્પિટલને સજ્જ કરાશે. સ્ત્રી-પુરુષના જુદા જુદા વોર્ડ તેમજ આવશ્યકતા મુજબની પાર્કિંગ સુવિધા ધરાવતી આ મલ્ટિસ્ટોરીડ હોસ્પિટલની સાથે ડોક્ટરોના નિવાસ ધરાવતું ભવ્ય ડોક્ટર હાઉસ પણ બનાવાશે.
હોસ્પિટલના નિર્માણ પાછળ આશરે રૂ.૧૦૦ કરોડ ખર્ચાશે. અત્યારે તો મ્યુનિ. સત્તાવાળાઓએ કન્સલ્ટન્ટની નિમણૂક માટેના ચક્રો ગતિમાન કર્યા છે. આ માટે ઇચ્છુક પાર્ટી પાસેથી તા.૧૨ ઓગસ્ટ, ૨૦૨૧ સુધીમાં એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ મંગાવાય છે. તંત્ર દ્વારા મલ્ટિસ્ટોરીડ શારદાબેન હોસ્પિટલની આર્કિટેકચરલ પ્લાનિંગ અને ડિઝાઇન મેળવ્યા બાદ તેના આધારે નિષ્ણાતો સામે ચર્ચા-વિમર્શ કરીને તેમાં બિલ્ડિંગની જરૂરિયાત મુજબ તેની ઊંચાઇ સાત માળ કે દસ માળની કરવી તેનો નિર્ણય લેવાશે અને તેના આધારે નિર્માણનો અંદાજ તૈયાર કરીને ટેન્ડર બહાર પડાશે,
જેમાં સૌથી ઓછા ભાવ ભરનાર પાર્ટીને વર્કઓર્ડર અપાશે એટલે મલ્ટિસ્ટોરીડ હોસ્પિટલના નિર્માણની પહેલી ઇંટ મુકાય તેને હજુ છથી આઠ મહિના લાગશે અને ત્યારબાદ તેને તૈયાર થતાં બીજા અઢીથી ત્રણ વર્ષ થઇ જશે. તેમ છતાં પૂર્વ વિસ્તારના લોકોને મોડામાં મોડા ઓગસ્ટ-૨૦૨૫ સુધીમાં નવી મલ્ટિસ્ટોરીડ હોસ્પિટલનો લાભ મળતો થઇ જશે.