૭૦ ગાડીઓના કાફલા અને ૨૦૦ સમર્થકો સાથે નેતા ભાજપમાં જાેડાયા

નવીદિલ્હી: તેલંગાણા સરકારમાં ભૂતપૂર્વ આરોગ્ય મંત્રી ઈ. રાજેન્દ્ર અંતે ભાજપમાં જાેડાઈ ગયા. જાે કે રાજકીય વર્તુળોમાં ચર્ચા રાજેન્દ્ર ભાજપમાં જાેડાયા તેના કરતાં વધારે એ જે સ્ટાઈલમાં ભાજપમાં જાેડાયા તેની છે.
રાજેન્દ્ર હૈદરાબાદથી ચાર્ટર્ડ પ્લેનમાં ૨૦૦ સમર્થકો સાથે દિલ્હી આવ્યા. સાઉથની ફિલ્મોની સ્ટાઈલમાં એરપોર્ટથી ૭૦ કારનો કાફલો લઈને એ ભાજપ મુખ્યાલયે પહોંચ્યા ત્યારે આ બધી તામઝામ જાેઈને ભાજપના હાજર નેતા પણ દંગ થઈ ગયા હતા. ભાજપ કાર્યાલયમાં કેન્દ્રીય પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાને ભાજપનો ખેસ પહેરાવીને અને સભ્યપદની રસીદ આપીને રાજેન્દ્રને વિધિવત ભાજપમાં પ્રવેશ અપાવ્યો પછી આખો કાફલો ફાઈવ સ્ટાર હોટલ ગયો.
રાજેન્દ્રની ગણના તેલંગણા રાષ્ટ્ર સમિતી (ટીઆરએસ)ના મજબૂત નેતા તરીકે થતી હતી. મુખ્યમંત્રી ચંદ્રશેખર રાવનો જમણો હાથ ગણાતા રાજેન્દ્રના આવવાથી ભાજપ મજબૂત થશે એવા દાવા કરાય છે.જાે કે વિશ્લેષકોના મતે, રાજેન્દ્રના પરિવારે સરકારી જમીનો પચાવી પાડવાની ફરિયાદો થતાં રાવે પ્રધાનમંડળમાંથી દૂર કર્યા હતા. આ સંજાેગોમાં ભાજપને ફાયદો નહીં થાય પણ રાજેન્દ્રના ભ્રષ્ટાચારનો જવાબ આપવો પડશે.