૭૦ ટકા ગ્રાહકો રૂ. ૫૦ લાખ સુધીની મિલકતો ખરીદવાનું પસંદ કરે છે

Files photo
સરકારના એફોર્ડેબલ હાઉસિંગ (વાજબી કિંમત ધરાવતા મકાનો) માટેની મહેનત રંગ લાવી છે. ઘર ખરીદવા ઇચ્છતાં વધુને વધુ ગ્રાહકો રૂ. ૫૦ લાખ સુધીની મિલકત ખરીદવાનું પસંદ કરી રહ્યાં છે. તાજેતરમાં ભારતની નંબર ૧ પ્રોપર્ટી સાઇટ મેજિકબ્રિક્સ દ્વારા હાથ ધરવામાં આવેલા કન્ઝ્યુમર પોલમાં ખુલાસો થયો છે કે, અત્યારે ભારતની પ્રોપર્ટીનાં ગ્રાહકો આશરે ૭૦ ટકા ગ્રાહકો રૂ. ૫૦ લાખના બજેટની અંદર પ્રોપર્ટી ખરીદવાનું પસંદ કરી રહ્યાં છે.
આ પોલમાં જણાવ્યા મુજબ, ૨૮ ટકા ઉત્તરદાતાઓએ સૌથી વધુ પસંદગીનું બજેટ રૂ. ૧૫ લાખથી રૂ. ૨૦ લાખ જણાવ્યું હતું, ત્યારે ૨૫ ટકા ઉત્તરદાતાઓએ રૂ. ૩૦ લાખથી રૂ. ૫૦ લાખની પસંદગી કરી હતી. આ પોલમાં ૨૩-૨૩ ટકા ઉત્તરદાતાઓએ રૂ. ૨૦ લાખથી
રૂ. ૩૦ લાખ અને રૂ. ૫૦ લાખથી રૂ. ૧ કરોડના બજેટ સેગમેન્ટને પસંદ કર્યું હતું.
પોલમાં મેજિકબ્રિક્સ પર ગ્રાહકોની વર્તણૂંક પ્રતિબિંબિત થઈ હતી, કારણ કે વર્ષ ૨૦૧૯નાં ચોથા ત્રિમાસિક ગાળા દરમિયાન આખા ભારતમાં ૧૦-૧૦ ટકા સર્ચ રૂ. ૨૦ લાખથી રૂ. ૩૦ લાખ, રૂ. ૩૦ લાખથી રૂ. ૪૦ લાખ અને રૂ. ૪૦ લાખથી રૂ. ૫૦ લાખના બજેટ સેગમેન્ટમાં થયું હતું. પીએમએવાય અંતર્ગત ક્રેડિટ લિન્ક્ડ સબસિડી સ્કીમ (સીએલએસએસ)થી ગ્રાહકોને એફોર્ડેબલ અને લોઅર-મિડ સેગમેન્ટમાં રસ વધ્યો છે. મેજિકબ્રિક્સ પર ચોરસફૂટદીઠ રૂ. ૪૦૦૦ અને ચોરસફૂટદીઠ રૂ. ૫૦૦૦ની કિંમત ધરાવતા વિકસતાં વિસ્તારોમાં ગ્રાહકોને સૌથી વધુ રસ જોવા મળ્યો હતો.
આ પોલ પર મેજિકબ્રિક્સનાં કન્ટેન્ટ અને એડવાઇઝરી હેડ શ્રીમતી ઇ જયશ્રી કુરુપે કહ્યું હતું કે, “તાજેતરમાં ક્રેડિટ-લિન્ક્ડ સબસિડી સર્વિસીસ આવાસ પોર્ટલ (સીએલએપી) લોંચ થઈ છે, જે ગ્રાહકોને તેમની એપ્લિકેશન પર નજર રાખવાનું સરળ બનાવે છે. આ પારદર્શક અને વેબ-આધારિત મોનિટરિંગ સિસ્ટમ છે, જે લાભાર્થીઓ દ્વારા સીએલએસએસ પર નજર રાખે છે. આ સિસ્ટમ વાજબી કિંમત ધરાવતા મકાનો ખરીદવાની ક્ષમતા પર ગ્રાહકોની સુવિધામાં વધારો કરશે એવી શક્યતા છે.”
અગાઉ ઘણા ગ્રાહકોએ જણાવ્યું હતું કે, તેમણે સીએલએસએસનો લાભ લેવા માટે લાંબી રાહ જોવી પડતી હતી. સીએલએપી વધુ વિસ્તૃત અને સંગઠિત રીતે લાભાર્થીઓની ફરિયાદોનું સમાધાન કરવામાં મદદરૂપ પણ થશે. ભારત સરકાર પ્રધાનમંત્રી આવાસ યોજના (પીએમએવાય) દ્વારા વાજબી કિંમત ધરાવતા મકાનો પર ભાર મૂકી રહી છે, જેથી ‘વર્ષ ૨૦૨૨ સુધી તમામને મકાન’ પ્રદાન કરવા ઇચ્છે છે. રૂ. ૪૫ લાખ સુધીનાં એફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટ પર ફક્ત ૧ ટકા જીએસટી લાગે છે.
સરકારનો વર્ષ ૨૦૨૨ સુધી તમામ માટે હાઉસિંગનું વિઝન ગ્રાહકો અને ડેવલપર્સ એમ બંને માટે એફોર્ડેબલ હાઉસિંગ સેગમેન્ટને વધારે આકર્ષક બનાવવાનું છે. સરકારની નીતિને ધ્યાનમાં રાખીને ઘણા ડેવલપર્સે એફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટ શરૂ કર્યા છે. પોલનાં પરિણામો દર્શાવે છે કે, મોટી સંખ્યામાં ગ્રાહકો રૂ. ૫૦ લાખથી ઓછી કિંમતની મિલકતો ખરીદવા આતુર છે. જીએસટીનો ઓછો દર અને સીએલએસએસને કારણે ગ્રાહકો આ પ્રકારનાં એફોર્ડેબલ હાઉસિંગ પ્રોજેક્ટમાં મકાન ખરીદવાનું વધારે પસંદ કરે છે.