૭૦% ફેફસા ક્ષતિગ્રસ્ત હોવા છતાં પિતા-પુત્ર જંગ જીત્યા
![](https://westerntimesnews.in/wp-content/uploads/2021/04/Corona1-1024x576.jpg)
અમદાવાદ: સિવિલ હોસ્પિટલની કોરોના ડેડીકેટેડ ૧૨૦૦ બેડ હોસ્પિટલની ઉમદા સારવાર અને તબીબોના અથાગ મહેનતના કારણે પિતા-પુત્રની બેલડીએ કોરોનાને મ્હાત આપી છે. કોરોનાની બીજી લહેરમાં કોરોનાનું સંક્રમણ તીવ્ર બન્યું છે. સંક્રમિત થયા બાદ ખૂબ જ ટૂંકા ગાળામાં વાયરસનો ફેલાવો ફેફસા સુધી પહોંચીને નુકસાન પહોંચાડવાનું શરૂ કરે છે. અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં રહેતા ૬૦ વર્ષીય માણેકલાલ પટેલ અને ૩૫ વર્ષીય તેમના પુત્ર રાહુલભાઇ પટેલ સાથે પણ કંઇક આવું જ બન્યુ હતું.
સૌપ્રથમ ૧૧મી એપ્રિલના રોજ રાહુલભાઇ પટેલ કોરોનાથી સંક્રમિત થયા. પરંતુ કોરોનાના સામાન્ય લક્ષણો જણાઇ આવતા દવા લઇ હોમ-આઇસોલેશનમાં સારવાર શરૂ કરી. તેમના બીજા જ દિવસે રાહુલભાઇના પિતા માણેકભાઇ પણ સંક્રમિત બન્યા. પિતા-પુત્રનો એચ.આર.સી.ટી. સ્કેન કરાવવામાં આવતા બંનેમાં ૭૦ ટકાથી વધારે ફેફસા ક્ષતિગ્રસ્ત હોવાનું માલૂમ પડ્યું હતું.
તેમનું ઓક્સિજન સ્તર પણ એકા-એક ઘટવા લાગ્યું હતું. આ પરિસ્થિતિ વચ્ચે તેઓને હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરવાની તાકીદે જરૂરિયાત ઉભી થઇ હતી. રાહુલભાઇ પટેલે કહ્યું હતું કે કોરોનાથી સંક્રમિત થયા બાદ જ્યારે હોસ્પિટલમાં દાખલ થવાની જરૂરિયાત ઉભી થઇ ત્યારે મેં અને મારા પિતાએ સિવિલ હોસ્પિટલને જ પ્રાધાન્ય આપ્યું. કારણકે સિવિલ હોસ્પિટલની સારવાર પદ્ધતિ પર અમને શ્રધ્ધા હતી. સિવિલ હોસ્પિટલમાં દાખલ થયા બાદ અમેં જે અનુભવ્યુ તે અકલ્પનીય હતુ.
અહીં સમયસર દિવસમાં ૨ થી ૩ વખત તબીબો સ્વાસ્થ્ય પૃચ્છા કરવા માટે આવતા હતા. ૧૨૦૦ બેડ હોસ્પિટલના નર્સિંગથી લઇ પેરામેડિકલ સ્ટાફે પણ ઘણો સહકાર આપ્યો. સમયસર જમવાનું મળી રહેતું. વોર્ડમાં એક સાનૂકુળ વાતાવરણ રહેતું. ક્યારેય એવું લાગ્યું જ નહીં કે હોસ્પિટલમાં છીએ. પિતા-પુત્ર એક શૂરે શૂર પૂરતા જાહેર જનતાને કહે છે કે સિવિલ હોસ્પિટલની સારવાર પદ્ધતિ પર ક્યારેય શંકા રાખવાની કે ભયભીત થવાની જરૂર નથી. સિવિલ હોસ્પિટલના તબીબો અને સમગ્ર તંત્રના અથાગ પ્રયાસોના પરિણામે જ ફક્ત ૧૦ દિવસના ટૂંકા ગાળામાં અતિગંભીર અવસ્થામાંથી પણ કોરોનાને મ્હાત આપીને આજે અમે સંપૂર્ણ સાજા થઇને સ્વગૃહે પરત ફરી રહ્યા છીએ.