૭૦ વર્ષના વૃદ્ધને અર્ધનગ્ન કરી ગલીઓમાં ફેરવ્યા
ચંદીગઢ: પંજાબના લુધિયાણા જિલ્લામાં એક ૧૦૦ વર્ષીય વૃદ્ધ મહિલાની ૭૦ વર્ષના એક વૃદ્ધ દ્વારા છેડતી કરવાનો કેસ સામે આવ્યો છે. જે વૃદ્ધ સામે છેડતીનો આરોપ લાગ્યો છે, તે મહિલાના સંબંધી જ છે. આ ઘટના બાદ વૃદ્ધ મહિલાના પરિજનોએ આરોપીનો ચહેરો કાળો કરી દીધો હતો, ચપ્પલોનો હાર પહેરાવ્યો હતો અને તેમને અર્ધનગ્ન કરી ગામની ગલીઓમાં ફેરવ્યા હતા.
આ ઘટના ચાર દિવસ પહેલા બની હતી, પરંતુ તેનો વીડિયો વાયરલ થતાં સોમવારે આ વીડિયો સામે આવ્યો હતો. વીડિયો વાયરલ થયા પછી પોલીસે મહિલા અને તેના પરિવાર વિરુદ્ધ કેસ નોંધીને તપાસ શરૂ કરી હતી. મળતી માહિતી મુજબ આ ઘટના ગોપાલ નગરની છે, જે લુધિયાનાના હબોવાલ અંતર્ગત આવે છે. પોલીસે વૃદ્ધ પુરૂષના પુત્રની ફરિયાદના આધારે ગુનો નોંધ્યો છે. ફરિયાદમાં જણાવાયું છે કે, એક ૭૦ વર્ષનો વૃદ્ધ વ્યક્તિ પાડોશમાં યોજાયેલા સમારોહમાંથી નશાની હાલતમાં ઘરે પરત ફરી રહ્યો હતો. રસ્તામાં તેના સાળાનું ઘર હતું, જેનું મોત થઈ ચુક્યું છે.
તેની ૧૦૦ વર્ષીય વૃધ્ધ પત્ની ઘરના આંગણામાં પલંગ પર આરામ કરી રહ્યા હતા. નશામાં હોવાથી તે વૃદ્ધ મહિલાની ઉપર પડી ગયો. આ જાેઈને વૃધ્ધ મહિલાની ભત્રીજીએ વૃદ્ધ પુરૂષ પર છેડતીનો આરોપ લગાવી બુમો પાડવાનું શરૂ કરી દીધુ. આ ઘટનાને પગલે વૃદ્ધ મહિલાના પરિવારના લોકો એકઠા થઈ ગયા અને તેઓએ વૃદ્ધ પુરૂષને માર મારવાનું શરૂ કર્યું હતું. તેના કપડા ફાડી નાખી તેમને અર્ધનગ્ન કરી દીધા.
ત્યારબાદ મોંઢુ કાળુ કરી, ગળામાં જૂતા અને ચપ્પલનો હાર પહેરાવી શેરીઓમાં ફેરવ્યા. આ મામલો પારિવારિક હોવાને કારણે, વિસ્તારના લોકોએ વધારે વાંધો વ્યક્ત કર્યો ન હતો. મહિલાના પરિવારજનોએ વૃદ્ધ પુરૂષ પર પોલીસમાં ફરિયાદ કરવાની ધમકી આપી હતી અને કહ્યું હતું કે, જાે પોલીસને કહેવામાં આવશે તો આનાથી પણ વધારે ખરાબ હાલત કરવામાં આવશે. વૃદ્ધ મહિલાના પરિવારે બળજબરીથી માફી પણ મંગાવી હતી. લોકોએ આ ઘટનાનો વીડિયો બનાવ્યો છે, જેના આધારે મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે. સ્ટેશન ઇન્ચાર્જ સબ ઇન્સ્પેક્ટર નીરજ ચૌધરીનું કહેવું છે કે, બંને પક્ષ પારિવારીક સબંધીઓ છે, બંને એકબીજા પર આરોપ લગાવી રહ્યા છે અને આ મામલાની તપાસ ચાલી રહી છે.