૭૦ વર્ષના વૃદ્ધ મહિલાની હથિયારના ઘા મારી હત્યા
(એજન્સી)વડોદરા, વડોદરાની વહેલી સવારમાં લુંટ વિથ હત્યાના બનાવથી ચકચાર મચી ગયો છે. તરસાલી રોડ વિસ્તારની ભાઈલાલ પાર્ક સોસાયટીમાં એક મહિલાની નિર્દયી રીતે હત્યા કરીને લૂંટ ચલાવવામાં આવી છે. લૂંટના ઇરાદે ૭૦ વર્ષના વૃદ્ધા સુખજીત કૌરની ગળાના ભાગે તીક્ષ્ણ હથિયારના ઘા મારી હત્યા કરાઈ છે.
હત્યા બાદ ચેન અને કાનની બુટી લૂંટી હત્યારા ફરાર થયા હતા. ત્યારે આ ઘટનાથી પોલીસ કમિશનર સહિતના અધિકારીઓએ દોડતા થયા હતા અને તપાસ હાથ ધરી છે.
મહત્વનું છે રાતના અંધારામાં લૂંટારા સોસાયટીમાં પ્રવેશ્યા હતા. વહેલી પરોઢે આ ઘટના બની હતી. તરસાલી સુસેઈન મેઈન રોડ પર ૭૦ થી ૭૫ વર્ષનું વયોવૃદ્ધ દંપતી એકલું રહે છે. તેમના પરિવારના સદસ્યો બહાર રહે છે.
વહેલી સવારે ઉઠીને આ દંપતીને બહાર બેસવાની આદત હતી. તેના બાદ તેઓ ગુરુદ્વારા જતા હોય છે. પરંતુ ૧૯ મી ના રોજ સવારે ઘરમાં અચાનક લાઈટ જતી રહી હતી. તેથી વૃદ્ધા બહાર નીકળ્યા હતા. સવારે ચાર વાગ્યાની આસપાસ લૂંટારાઓએ ઘરની બહાર લગાવેલા મીટરમાંથી લાઈટ બંધ કરી દીધી હતી. જેથી ગરમીના કારણે વૃદ્ધા ઘરની બહાર નીકળ્યા હતા.
જેવા વૃદ્ધા બહાર આવ્યા કે તુરંત જ લૂંટારાઓએ વૃદ્ધા પર હુમલો કર્યો અને હત્યા કર્યા બાદ લૂંટ ચલાવીને ફરાર થયા હતા. આ બનાવ અંગે મકરપુરા પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓનો સ્ટાફ અને ક્રાઈમ બ્રાન્ચ ટીમ પણ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. પોલીસે ગુનો ઉકેલવા ડોગ સ્ક્વોર્ડ સહિતની ટીમોને કામે લગાવી હતી. ઉચ્ચ પોલીસ અધિકારીઓની સાથે સાથે હ્લજીન્ની ટીમે પણ તપાસ શરૂ કરી હતી.
મહિલાના પતિ હરવિંદરસિંહે કહ્યું કે, મને કાને થોડું ઓછું સંભળાય છે. આ ઘટના કયા સમયે બની તેની મને ધ્યાન નથી. હું સવારે ૪.૩૦ થી ૫.૦૦ ની વચ્ચે ઘરની બહાર આવ્યો ત્યારે મેં જોયું તો મારી પત્ની નીચે લોહીથી લથબથ હતી. હું તેને લઈને હોસ્પિટલ ગયો અને પોલીસને જાણ કરી હતી.
વડોદરામાં વૃદ્ધાની લૂંટ વીથ હત્યાનો મામલામાં વડોદરા ક્રાઈમ બ્રાન્ચે બે શખ્સોની અટકાયત કરી છે. બંને શખ્સોની ક્રાઇમ બ્રાન્ચ સઘન પૂછપરછ કરી રહી છે. પોલીસને વૃદ્ધાની હત્યામાં વપરાયેલ ચાકુ પણ મળી આવ્યું છે. વૃદ્ધાના ઘરેથી જ ચાકુ મળી આવ્યું છે.