Western Times News

Gujarati News

૭૦ વર્ષીય વૃદ્ધા પર પુત્રવધૂએ સળગતો પ્રાયમસ ફેંક્યો

રાજકોટ: રાજકોટ શહેરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. જે કિસ્સામાં વિધવા પુત્રવધૂએ પોતાની વૃદ્ધ સાસુ પર ચાલુ પ્રાયમસ ફેંકતા ગંભીર ઇજા પહોંચાડી છે. સમગ્ર મામલે શહેરના યુનિવર્સિટી પોલીસ સ્ટેશનમાં વૃદ્ધ સાસુએ ફરિયાદ નોંધાવતા આરોપી વિધવા પુત્રવધૂ વિરૂદ્ધ આઇપીસીની કલમ ૩૦૭ એટલે કે હત્યાના પ્રયાસની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. સામાન્યતઃ આપણે ત્યાં પુત્રવધૂ સાસરીયાઓના માનસિક અને શારીરિક ત્રાસ અંગે પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતી હોઈ છે. પરંતુ રાજકોટ શહેરમાં ઉલ્ટી ગંગા સમાન કિસ્સો સામે આવ્યો છે.

રાજકોટ શહેરમાં રહેતા દેવુંબેન નાનજીભાઈ મકવાણા નામના ૭૦ વર્ષીય વૃદ્ધાએ પોતાની વિધવા પુત્રવધૂ વિરૂદ્ધ યુનિવર્સિટી પોલીસમાં ફરિયાદ કરી છે. દેવુબેને ફરિયાદમાં કહ્યું છે કે, મારો નાનો દીકરો વસંત ત્રણ વર્ષ પૂર્વે મૃત્યુ પામ્યો છે. હું મારા નાના પુત્રની વિધવા અમૃતાબેન તેમજ તેના ત્રણ સંતાનો સાથે નાના પુત્રના ઘરમાં માધાપર ખાતે રહું છું. પરંતુ મારી નાની વિધવા પુત્રવધુ સાથે મારે બનતું ન હોય

તે અવારનવાર નાની બાબતોમાં મારી સાથે ઝઘડો કરતી હતી. સોમવારે પણ અમારા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. જે બાદ હું મારા મોટા પુત્ર શંકરને ત્યાં મનહરપુર ખાતે જતી રહી હતી. ફરિયાદમાં આગળ લખાયું છે કે, મંગળવારના રોજ બપોરના સમયે મારા મોટા પુત્ર શંકરની પત્ની કુંદન પ્રાયમસ ઉપર રોટલી બનાવી રહી હતી. આ સમયે અમૃતા પણ ત્યાં આવી પહોંચી હતી. ત્યારે અમૃતાએ કુંદનને આવીને કહ્યું હતું કે આ ડોશીને તમે અહીં શું કામ રાખો છો? આ સમયે કુંદને અમૃતાને કહ્યું હતું કે તમે ન રાખો તો અમારે તો રાખવા જ પડે ને.

કુંદને આવું કહેતા જ અમૃતા ઉશ્કેરાઇ ગઈ હતી અને સળગતો પ્રાયમસ ઉપાડીને મારા ઉપર નાંખતા મારા બંને હાથ દાઝી ગયા છે. ઘટનાની જાણ થતા મારો પુત્ર પણ દોડી આવ્યો હતો તેણે આગ વધુ પ્રસરતી રોકી હતી. આ બનાવમાં મારો પુત્ર પણ દાઝી ગયો છે. આ બનાવ બાદ વૃદ્ધાને સારવાર માટે રાજકોટ સિવિલ હૉસ્પિટલમાં આવેલા બર્ન્સ વિભાગમાં ખસેડવામાં આવ્યા છે. અહીં તેમની હાલત સ્થિત હોવાનું જાણવા મળ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.