૭૫ વર્ષથી વધુ વયના વૃદ્ધોને ૭૫૦ બદલે ૧૦૦૦ પેન્શન
અમદાવાદ: રાજયના નાણાંમંત્રી નીતિન પટેલ દ્વારા બજેટમાં સમાજ સુરક્ષા વિભાગ માટે પણ કેટલીક મહત્વની જાહેરાત કરવામાં આવી હતી, જે મુજબ, હવે ૭૫ વર્ષથી વધુ વયના વૃધ્ધોને હવે ૭૫૦ના બદલે ૧૦૦૦નું પેન્શન મળશે. તો, રાજયના વૃદ્ધાશ્રમોની નિભાવ ગ્રાન્ટ માસિક રૂ.૧૫૦૦થી વધારી રૂ.૨૧૬૦ કરવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું કે, રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન યોજના હેઠળ આઠ લાખ લાભાર્થીઓ માટે કુલ રૂ.૭૫૩ કરોડની જોગવાઇ કરાઇ છે.
ખાસ કરીને વૃદ્ધાશ્રમોની નિભાવ ગ્રાન્ટ માસિક ૧૫૦૦થી વધારી ૨૧૬૦ કરવામાં આવશે. નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના અંતર્ગત અત્યારે માસિક રૂ.૭૫૦ની સહાય આપવામાં આવે છે. જેમાં હવે ૭૫ વર્ષ કે તેથી વધુ વયના નિરાધાર વૃદ્ધોને માસિક રૂ.૧૦૦૦ પેન્શન આપવામાં આવશે. જે માટે કુલ રૂ.૧૧૭ કરોડની જોગવાઇ કરાઇ છે, હાલમાં ૮૦ ટકા કે તેથી વધુ માનસિક દિવ્યાંગતા ધરાવતા વ્યકિતઓને માસિક રૂ.૬૦૦ સહાય આપવામાં આવે છે . જેમાં વધારો કરી રૂ.૧૦૦૦ની સહાય આપવામાં આવશે. આ જ પ્રકારે પાલક માતા – પિતા યોજના અંતર્ગત ૧૮૨૦૦ લાભાર્થીઓ માટે રૂ.૫૦ કરોડની જોગવાઇ કરાઇ છે.
રાષ્ટ્રીય કુટુંબ સહાય યોજના અંતર્ગત પરિવારના મુખ્ય વ્યકિતનું કુદરતી કે આકસ્મિક અવસાન થાય તેવા સંજોગોમાં ૨૦, ૦૦૦ સહાય આપવામાં આવે છે, જેના માટે રૂ.૨૦ કરોડની જોગવાઇ કરાઇ છે. દિવ્યાંગ સાધન સહાય યોજના હેઠળ દિવ્યાંગ વ્યક્તિને સ્વરોજગારી માટેના સાધનો માટે રૂ.૨૦, ૦૦૦ની મર્યાદામાં સહાય આપવા રૂ.૧૪ કરોડની જોગવાઇ કરાઇ છે.
જૂનાગઢ ખાતે છોકરાઓ માટે અને રાજકોટ ખાતે છોકરાઓ તથા છોકરીઓ માટે ચિલ્ડ્રન હોમ્સના નવા મકાન બાંધકામ માટે રૂ.૬ કરોડની જોગવાઈ કરાઇ છે. ગુજરાત બિનઅનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમ દ્વારા અમલમાં મૂકાયેલા શૈક્ષણિક અને રોજગારલક્ષી યોજનાઓ માટે રૂ.૫૦૦ કરોડની જોગવાઇ કરવામાં આવી છે. આ નિગમ દ્વારા હાલમાં છાત્રાલયમાં રહેતા જે વિધાર્થીઓને ભોજન બિલ પેટે માસિક ૧૨૦૦ સહાય આપવામાં આવે છે તે વધારી હવે રૂ.૧પ૦૦ આપવામાં આવશે.