૭ દિવસમાં ડેન્ગ્યુનો રોજ એક કેસઃ ઝાડા ઊલટીના કેસ વધ્યા
અમદાવાદ: મ્યુનિ. દ્વારા છેલ્લા એક સપ્તાહમાં ડેન્ગ્યુના ફકત સાત કેસ નોંધાયા હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. બીજી બાજુ ઠંડી હોવા છતાં પ્રદૂષિત પાણી, ભેળસેળયુક્ત તથા વાસી ખાદ્યપદાર્થોના કારણે ઝાડાઉલટીના કેસોમાં ઉછાળો આવ્યો છે.
મ્યુનિ.નાં હેલ્થ- મેલેરિયા ખાતા દ્વારા મચ્છરના લારવા શોધી નાશ કરવાની કામગીરીમાં ઢીલાશ દાખવવામાં આવતા ઠંડીની મોસમમાં મચ્છરનો પણ ગણગણાટ સંભળાઈ રહ્યો છે. મચ્છરનો ઉપદ્રવ ઘટયો છે,
પરંતુ સાવ અંકુશમાં આવ્યો નથી તેના કારણે તાવના કેસ નોંધાઈ રહ્યાં છે તેમાં ડેન્ગ્યુ અને ચીકનગુનિયાના કેસો નોંધપાત્ર છે. ઠંડીની મોસમમાં મચ્છરજન્ય ઉપરાંત પાણીજન્ય રોગચાળાના કેસો યથાવત્ છે. તેના માટે શહેરના જુદા જુદા વિસ્તારોમાં ઉભરાતી ગટરો તથા પ્રદૂષિત પાણી અને બિનઆરોગ્યપ્રદ ખાદ્યપદાર્થોના વેચાણને કારણભૂત માનવામાં આવે છે. છેલ્લા સપ્તાહમાં જ ઝાડાઉલટી, કમળો, તથા ટાઈફોઈડના કેસોમાં પણ ભારે ઉછાળો આવ્યો છે.
પીવાનાં પાણીમાં બેકટેરિયાનો નાશ કરવા કલોરીન ગેસ મિક્સ કરવામાં આવે છે, પરંતુ ક્યાંક ક્યાંક ગટરના પાણી કે અન્ય અશુદ્ધિનું પ્રમાણ વધી જાય તો ક્લોરીન ગેસનુ પ્રમાણ સાવ નીલ થઈ જતુ હોય છે. કલોરીન નીલ જણાયુ હોય તેવા ૪ર જગ્યાના રિપોર્ટ છે. અનફીટ સેમ્પલની સંખ્યા ૩ છે.