Western Times News

Gujarati News

૭ વર્ષથી બંધ પાણીની ઓવરહેડ ટાંકી જર્જરિત ગ્રામજનોના માથે ભમતું મોત: ટાંકી ઉતારી લેવા ગ્રામજનોની માંગ 

અરવલ્લી : અરવલ્લી જીલ્લામાં પાણી પુરવઠા વિભાગ અને ગ્રામ પંચાયત હસ્તકના અનેક વર્ષો જુના પાણીના ટાંકા જર્જરિત હાલતમાં પડવાના વાંકે ઉભા છે તેમ છતાં તંત્ર દ્વારા દરકાર લેવામાં ના આવતા જીલ્લામાં જર્જરિત ટાંકાને લઈ બોપલવાળી થવાની દહેશત વર્તાઈ રહી છે મોડાસા તાલુકાના ટીંટોઈ ગ્રામ પંચાયત હસ્તકની ૫૦ વર્ષ જૂની જર્જરિત પાણીની ટાંકી થી આસપાસના રહીશો ભયના ઓથાર તળે નીચે જીવવા મજબુર બન્યા છે ટીંટોઈ ગ્રામપંચાયતને ગામના જાગૃત નાગરિકોએ વારંવાર રજુઆત કરવા છતાં નઘરોળ ગ્રામ પંચાયતના સત્તાધીશો ટાંકી ઉતારવામાં આળસ દાખવતા અને  ગ્રામ પંચાયત સરપંચની નબળી કામગીરી સામે લોકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે.

ટીંટોઈ ગામમાં છેલ્લા ૭ વર્ષથી બંધ અને સાવ જર્જરિત અવસ્થામાં મૂકાઇ ગયેલી ઓવરહેડ પાણીની ટાંકી જીવલેણ પુરવાર થાય તેવી શક્યતા છે. પાયાના સળીયા દેખાવા, ઇંટો અને સિમેન્ટ તૂટીને નીચે પડવા લાગતા ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. જર્જરિત પાણીની આ ટાંકી સત્વરે ઉતારી લેવા માટે ગ્રામપંચાયતને પણ રજૂઆત કરાઇ છે.

ગ્રામજનોના જણાવ્યા મુજબ આ ટાંકી ૭  વર્ષથી બંધ હાલતમાં છે. ઓવરહેડ ટાંકીને અડીને રહેણાંક મકાનો આવેલા હોવાથી ગમે તે ઘડીએ મોટી જાનહાની થવાની દહેશત વચ્ચે લોકો ભયના ઓથાર નીચે જીવવા મજબુર બન્યા છે આજુબાજુના રહીશોના જણાવ્યા અનુસાર પાણીની ટાંકી પાયામાંથી સાવ ખવાઇ ગઇ છે. તેના પોપડાઓ અવારનવાર પડયા કરતા હોય છે. છેલ્લા ૭ વર્ષથી

પાણીની ટાંકી બીનઉપયોગ છે. તેમજ ભવિષ્યમાં મોટી હોનારત સર્જે તેવી શક્યતા ગ્રામજનો સેવી રહ્યા છે.

જર્જરિત પાણીની ટાંકી ઉતારી લેવામાં આળસ દાખવનાર ટીંટોઈ ગ્રામ પંચાયત સામે લોકોમાં રોષ ભભૂકી રહ્યો છે અને સત્વરે  આ પાણીની ટાંકી ઉતારી દેવાની માંગણી કરી છે. જર્જરિત ટાંકીથી જાનહાની થશેતો તેની જવાબદારી ટીંટોઈ ગ્રામ પંચાયતની બનશે તેવું રહીશોએ જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.