૭ વર્ષનાં મૃણાલે પર્વતારોહણ કરીને બે રેકોર્ડ બનાવ્યાં

જૂનાગઢ, અડગ મનના માનવીને હિમાલય પણ નથી નડતો! આ સૂત્રને સાકાર કર્યું છે, જૂનાગઢના ૭ વર્ષીય મૃણાલે. બીજા ધોરણમાં અભ્યાસ કરતો મૃણાલ આટલી નાની ઉંમરે પર્વતો સર કરીને ભારતનો સૌથી યુવા વયનો પર્વતારોહક બન્યો છે, સાથોસાથ તેણે પોતાના નામે બે રેકોર્ડ પણ બનાવી લીધા છે.
ગુજરાતના મુખ્યમંત્રીએ પણ તેઓએ મેળવેલા રેકોર્ડની નોંધ લઈને મૃણાલને સન્માનિત કર્યો છે. જૂનાગઢ શહેરમાં રહેતા મૃણાલ ભરતભાઈ આંબલિયાની ઉંમર માત્ર ૭ વર્ષની છે, પણ તેઓનું સાહસ ભલભલાને હંફાવી દે એવું છે. તેમના માતા કિરણબેન પીઠિયા અને પિતા ભરતભાઈ આંબલિયા બંને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં ફરજ બજાવે છે.
ત્યારે માતાપિતા તરફથી વારસામાં મળેલા સાહસને કારણે આજે જૂનાગઢના મૃણાલે માત્ર ૭ વર્ષની ઉંમરે સાહસ ભરેલાં બે રેકોર્ડ પોતાના નામે કરી લીધાં છે. આ રેકોર્ડ વિશે વાત કરીએ તો, મૃણાલ જ્યારે ૬ વર્ષનો હતો, ત્યારે તેણે ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં આવેલા ૧૨,૫૦૦ ફૂટની ઊંચાઈ ધરાવતાં કેદારકાંઠા શિખરને માત્ર ૨ દિવસમાં સર કરીને, કેદારકાંઠા શિખર સર કરનાર ભારતનો સૌથી નાની વયના પર્વતારોહક બનવાનો પ્રથમ રેકોર્ડ પોતાના નામે કર્યો.