૭ હજાર જેટલા પરિવારોને સિટીઝન સ્માર્ટ કાર્ડ સેવાનો લાભ અપાશે મુખ્યમંત્રી
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે, રાજ્યની નાની નગરપાલિકાઓ પણ E સેવાઓનો વ્યાપ વધુ વિસ્તારી સિટીઝન સેન્ટ્રીક-નાગરિક સુવિધા કેન્દ્રી સેવાઓ ઓનલાઇન બનાવે તે હવેના સમયની માંગ છે.
આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, રાજ્યના શહેરો, નગરોને આધુનિક, સલામત અને ઇઝ ઓફ લિવીંગથી માણવાલાયક, રહેવાલાયક બનાવીને E સેવાઓથી ભ્રષ્ટાચારમુકત પારદર્શી વહીવટની નેમ સાકાર થઇ રહી છે.
મુખ્યમંત્રીશ્રીએ સુરત જિલ્લાની માંડવી નગરપાલિકા દ્વારા સિટીઝન સ્માર્ટ કાર્ડ વ્યવસ્થાનો પ્રારંભ તેમજ નગરપાલિકાના નવા વહીવટી ભવનનું પંડિત દીનદયાળ ઉપાધ્યાય વહીવટી સંકુલ નામાભિધાન સાથે ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સથી E-લોકાર્પણ કર્યુ હતું.
સાંસદ શ્રી પ્રભુભાઇ વસાવા તેમજ માંડવી નગરપાલિકાના પદાધિકારીઓ-નગરસેવકો અને જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓ, કલેકટર શ્રી ધવલ પટેલ વગેરે આ અવસરે માંડવી ખાતે ઉપસ્થિત રહ્યા હતા.
મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ‘ડ’ વર્ગની નાની નગરપાલિકાઓમાં માંડવીએ ‘સિટીઝન’ સ્માર્ટ કાર્ડની કરેલી આ નવતર પહેલને બિરદાવી હતી.
આ સેવાનો લાભ માંડવી નગરના ૭ હજાર જેટલા પરિવારોને મળવાનો છે. તેમના જરૂરી દસ્તાવેજો જેમાં આધાર કાર્ડ, રેશન કાર્ડ, ચૂંટણી કાર્ડ અને પાસપોર્ટ સાઇઝના ફોટા સહિતની વિગતો પરિવારની સંમતિના આધારે ડિઝીટલ લોકરમાં સુરક્ષિત રાખવામાં આવશે. આ સેવાઓનો વિનામૂલ્યે લાભ નાગરિકોને મળવાનો છે.
શ્રી વિજયભાઇ રૂપાણીએ આવી સુરક્ષિત સેવાઓના અભિગમ માટે નગરપાલિકા તંત્રને અભિનંદન આપતાં કહ્યું કે, રાજ્ય સરકારે છેક ગ્રામીણસ્તરના નાગરિકોને પોતાના કામકાજ માટે જિલ્લામથકે આવવું જ ન પડે અને પંચાયત ઘરમાંથી જ જરૂરી દાખલા, પ્રમાણપત્રો મળે તે માટે E સેવા સેતુની શરૂઆત કરી છે.
મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું કે, ભારત સરકારના ભારતનેટ સાથે ગ્રામ પંચાયતોના હાઇબેન્ડ ફ્રિકવન્સી જોડાણથી ૩પ જેટલી વિવિધ સેવાઓ ગામોમાં ઓનલાઇન મળે છે.
આગામી ડિસેમ્બર માસ સુધીમાં ૮ હજાર ગામોને આ E સેવા સેતુમાં જોડવાની તથા E સેવાઓનો વ્યાપ ૩પ થી વધારી પ૧ કરવાની પણ નેમ તેમણે દર્શાવી હતી.
મુખ્યમંત્રીશ્રીએ કહ્યું કે, આપણે તો લોકોને કચેરી-ઓફિસોના ધક્કા જ ન ખાવા પડે અને ઘરેબેઠા જ કામ થાય તેવી પારદર્શી-ઓનલાઇન સેવાઓ વિકસાવતા જઇને ઇઝ ઓફ લીવીંગને વેગ આપ્યો છે.
તેમણે આ અંગે ઉમેર્યુ કે, રાજ્યના નગરો-શહેરોમાં મકાન બાંધકામ નકશા મંજૂરી પણ કચેરીમાં ગયા વિના ઓનલાઇન મળે તે માટે ODPS સિસ્ટમ પણ દેશમાં પહેલ કરીને ગુજરાતમાં શરૂ કરી છે.
શ્રી વિજયભાઇ રૂપાણીએ નાના ગામોથી માંડીને મોટા શહેરો સુધી કોઇ પણ નિર્દોષ વ્યકિત, ગરીબ-ખેડૂતની જમીન ભૂમાફિયાઓ પચાવી ન પાડે તે માટે આવા માફિયાઓને સખ્ત નશ્યત કરવાના હેતુથી લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબીશન એકટનો પણ રાજ્યમાં કડક અમલ શરૂ થઇ ગયો છે તેની છણાવટ કરી હતી.
મુખ્યમંત્રીશ્રીએ નગરપાલિકાના નવા વહીવટી ભવનને પંડિત દીનદયાળ ઉપાધ્યાયજીના નામ સાથે જોડવાને પણ ઉપયુકત ગણાવ્યું હતું.
તેમણે ઉમેર્યુ કે, પંડિત દીનદયાળજીએ અંત્યોદય ભાવના સાથે સામાન્ય માનવીને કેન્દ્રમાં રાખીને સુખ-સુવિધા સાથે સર્વાંગી વિકાસની જે વિભાવના આપેલી છે તે તથા રાષ્ટ્રીય ઐકય સાથે રાષ્ટ્રહિત અને સમર્પણ ભાવ આ વહીવટી સંકુલમાં ચરિતાર્થ થશે.
માંડવીના સાંસદ શ્રી પ્રભુભાઇ વસાવાએ ‘ડ’ વર્ગની નાની નગરપાલિકા તરીકે માંડવીની આ પહેલ અન્ય માટે પ્રેરણારૂપ બનશે તેવો વિશ્વાસ દર્શાવતાં રાજ્ય અને કેન્દ્રની ભાજપા સરકારે નાના ગામો-નગરોના સર્વગ્રાહી વિકાસ માટે જે યોજનાઓ, આયોજનો અને માતબર નાણાં ફાળવણી કરી છે તેની સરાહના કરી હતી. નગરપાલિકા પ્રમુખ ડૉ. આશિષ ઉપાધ્યાયે સૌનું સ્વાગત અને નગરપાલિકાના ચીફ ઓફિસરે આભાર દર્શન કર્યુ હતું.