૮૦ પ્લસ લોકો જિંદગી જીવી ચૂક્યા છે, યુવાનોને રસીમાં પ્રાથમિકતા આપો
નવીદિલ્હી: દિલ્હી હાઇકોર્ટે બ્લેક ફંગસ મેનેજમેન્ટ અને વેક્સિન પોલિસી મામલે કેન્દ્ર સરકાર અને દિલ્હીની અરવિંદ કેજરીવાલ સરકાર સામે આકરી ટિપ્પણી કરી છે. કોર્ટે કહ્યું કે, સરકારે ૧૮થી ૪૫ વર્ષ વયજૂથ માટે રસીકરણ અભિયાનનું મિસમેનેજમેન્ટ કર્યું. યુવાનો દેશનું ભવિષ્ય છે અને આપણે ભવિષ્યને બચાવવું જરૂરી હોવા છતાં વેક્સિન પોલિસીમાં તેમને પ્રાથમિકતા ન અપાઇ. તમારા ૮૦ વર્ષના લોકો દેશને આગળ નહીં લઇ જાય. તેઓ તેમનું જીવન જીવી ચૂક્યા છે.
જસ્ટિસ વિપીન સાંઘી અને જસ્ટિસ જસમીત સિંહની બેન્ચે મંગળવારે આ ટિપ્પણી કરી. મામલો દિલ્હીમાં ૧૮થી ૪૫ વર્ષના લોકોનું રસીકરણ બંધ કરવા અંગેનો હતો, જે સંદર્ભે જજીસે કહ્યું, આપણે ઉંમરના અંતિમ પડાવ પર છીએ. આપણે જાેયું છે કે બીજી લહેરમાં યુવાનો સૌથી વધુ સંક્રમિત થયા છે. રસીકરણમાં તેમને પ્રાથમિકતા આપવી જરૂરી છે. આ મામલે સોમવારે પણ કોર્ટે સવાલ કર્યો હતો કે, જાે બે દર્દી હોય, એક ૮૦ વર્ષના અને એક ૩૫ વર્ષનો. બંનેને દવાની જરૂર હોય અને દવાનો માત્ર એક ડોઝ હોય તો એક દર્દીને દવાથી વંચિત રાખવો પડે. ત્યારે શું તમે ૮૦ વર્ષના દર્દીને દવા આપશો કે ૩૫ વર્ષનાને કે જેને ૨ બાળકો છે?
હાઇકોર્ટે કેન્દ્રને કહ્યું કે તે બ્લેક ફંગસની દવા લિપોસોમલ એમ્ફોટેરિસિન-બીના વિતરણ માટે નીતિ ઘડે અને તેમાં વૃદ્ધોના બદલે યુવા વર્ગને તથા બચી શકે તેમ હોય તેવા દર્દીઓને પ્રાથમિકતા આપે. આપણે મુશ્કેલ પસંદગી કરવાની છે. હાઇકોર્ટે વધુ સુનાવણી શુક્રવાર સુધી મુલતવી રાખી છે.