૮૨% અમદાવાદીઓમાં કોવિડ એન્ટીબોડી મળ્યા
અમદાવાદ: દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં રહેતા અમદાવાદીઓમાં કોરોનાના એન્ટીબોડીનું લેવલ સૌથી વધારે જાેવા મળ્યું છે. આ ઝોનમાંથી લેવાયેલા સેમ્પલમાંથી ૮૭% વસ્તીમાં કોવિડ એન્ટીબોડી મળી આવ્યા છે. જણાવી દઈએ કે, દક્ષિણ-પશ્ચિમ ઝોનમાં જાેધપુર, વેજલપુર, સરખેજ અને મક્તમપુરા જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે. આ આંકડો પાંચમા કોવિડ સીરો સર્વેના ફાઈનલ રિઝલ્ટમાં બહાર આવ્યો છે. કોરોનાની ઘાતક બીજી લહેર પછી ૨૮ મેથી ૩ જૂન વચ્ચે પાંચમો સીરો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ૫,૦૦૦ જેટલા લોકોના સેમ્પલ લીધા હતા અને તેમાંથી એકંદરે ૮૧.૬૩% સીરોપોઝિટિવિટી મળી છે.
જૂન મહિનામાં અહેવાલ પ્રસારિત કર્યો હતો કે, સીરો સર્વેના પ્રાથમિક રિઝલ્ટમાં ૭૦%થી વધુ અમદાવાદીમાં કોવિડ એન્ટીબોડી મળ્યા છે. દક્ષિણ-પશ્ચિમ ઝોનની સાથે દક્ષિણ ઝોનની ૮૭% વસ્તીમાં પણ કોવિડ એન્ટીબોડી છે. આ ઝોનમાં મણીનગર, ઈન્દ્રપુરી, કાંકરિયા, વટવા, લાંભા અને બહેરામપુરાનો સમાવેશ થાય છે. આ બંને ઝોનમાં હાઈ સીરોપોઝિટિવિટી બે પરિબળોને આભારી છે- ડેલ્ટા વેરિયંટ ઈન્ફેક્શન અને રસીકરણ. લેટેસ્ટ સીરોપોઝિટિવિટી રિપોર્ટ એપ્રિલથી મે મહિના દરમિયાન કોરોનાએ અમદાવાદમાં મચાવેલા કાળા કહેરનો ચિતાર આપે છે. એએમસીના સિનિયર અધિકારીએ કહ્યું, ફેબ્રુઆરી દરમિયના અમે ચોથો સીરો સર્વે હાથ ધર્યો હતો
એ સમયે લીધેલા સેમ્પલમાંથી ૨૭.૯૨% લોકોમાં કોવિડ એન્ટીબોડી હતા. મે મહિનાના અંત સુધીમાં ડેલ્ટા વેરિયંટથી સંક્રમિત થયેલી વસ્તીનો આંક મોટો હતો. અગાઉના વેરિયંટ ડેલ્ટા વેરિયંટ જેટલા ચેપી નહોતા. ૨૦૨૦માં જૂન, ઓગસ્ટ અને ઓક્ટોબર દરમિયાન અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ત્રણ સીરો સર્વે પૂરા કર્યા હતા.
આ સર્વેના પરિણામ મુજબ લીધેલા સેમ્પલમાંથી અનુક્રમે ૧૭.૬%, ૨૩.૨% અને ૨૪.૨% વસ્તીમાં એન્ટીબોડી હતા. લેટેસ્ટ સીરો સર્વે પ્રમાણે, મહિલાઓની સરખામણીએ પુરુષોમાં સીરોપોઝિટિવિટી વધુ છે. પુરુષોના ૧૯૦૦ સેમ્પલ લેવાયા હતા જેમાંથી ૮૨%માં એન્ટીબોડી મળી આવ્યા છે, જ્યારે મહિલાઓના ૨૧૦૦ સેમ્પલમાાંથી ૮૧%માં એન્ટીબોડી મળ્યા છે. જે લોકોને ક્યારેય કોરોના થયો નથી અથવા રસી લીધી નથી તેમની સીરોપોઝિટિવિટી ૭૬.૭% છે, તેવો રિપોર્ટમાં ઉલ્લેખ છે.