૮૫ વર્ષનાં વૃદ્ધાએ ૧૩ દિવસમાં કોરોનાને હરાવ્યો-પરિવારે વાજતેગાજતે સ્વાગત કર્યું
વૃદ્ધા કોરોનાથી સંક્રમિત થતા ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે કોવિડ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા
રાજકોટ, ગોંડલ શહેર પંથકમાં કોરોના એ ઘણા પરિવારના માળા વીંખી નાખ્યા છે. ત્યારે સ્ટેશન પ્લોટ વિસ્તારમાં રહેતા જેઠવાની પરિવારના વટવૃક્ષ સમાન ૮૫ વર્ષના વૃદ્ધાએ કોરોનાને ૧૩ દિવસમાં હરાવી પરિવાર ઉપર પોતાના હૈયાતીની છત્રછાયા યથાવત રાખી છે. પરિવાર પણ એટલે ખુશ હતો કે, વૃદ્ધાને વાજતે ગાજતે દવાખાનેથી ઘરે લાવ્યો હતો.
ઘરના વડીલો બુજુર્ગો ચારધામ જેવી જાત્રાએથી પરત ઘરે આવે ત્યારે ગામના ચોરેથી તેમનું ફુલહાર પહેરાવી વાજતે ગાજતે સ્વાગત કરવામાં આવતું હોય છે. આવી જ રીતે સ્ટેશન પ્લોટ વિસ્તારમાં રહેતા રૂપબેન જેરામભાઇ જેઠવાની ઉ.વ. ૮૫નું સ્વાગત કરાયું હતું.
વૃદ્ધા કોરોનાથી સંક્રમિત થતા ગોંડલ સિવિલ હોસ્પિટલ ખાતે કોવિડ સેન્ટરમાં દાખલ કરવામાં આવ્યા હતા. સતત ૧૩ દિવસની સારવાર બાદ ફરી તંદુરસ્ત થઈ જતા પરિવારજનો ફુલહાર પહેરાવી વાજતે ગાજતે ઘરે પરત લાવ્યા હતા. ગોંડલ મામલતદાર ઓફિસમાં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે કામ કરતા રૂપબેનના પૌત્ર મિલન ભરતભાઇ જેઠવાનીએ જણાવ્યું હતું કે, પરિવારના વટવૃક્ષ સમાન દાદીમા દવાખાનેથી રોજે ફોન કરીને કહેતા દવાખાનું, ડોકટર અને સ્ટાફ ખૂબ સારો છે.
હું કાલે જ સાજી થઈ ઘરે આવી જઈશ. દાદીમાં કોરોના સંક્રમિત થતા અમારા પરિવારના ૬૪ સદસ્યો ચિંતાતુર બન્યા હતા. દાદીમાંના ૭ દીકરા ૩ દીકરીઓના પરિવારના ૬૪ સદસ્યો તેઓના ઘરે પરત આવવાની કાગડોળે રાહ જાેતા હતા. હાલ રૂપાબેન પુત્ર અશોકભાઈની સાથે રહે છે
જ્યારે, મોટા ભાગના સંતાનો ગોંડલમાં ચા-પાનની દુકાન ચલાવી ઘર ગુજરાન ચલાવી રહ્યા છે. પરિવારના વટ વૃક્ષ સમાન દાદીમાં ઘરે પરત આવતા જેઠવાની પરિવારમાં ખુશીઓનો પાર રહ્યો ન હતો. મહત્વનું છે કે, જે રીતે કોરોનાએ વિશ્વભરમાં ભરડો લીધો છે ત્યારે અનેક લોકો કોરોના સામે જંગ જીતી ચૂક્યા છે. ઘણા એવા પણ લોકો છે જે કપરી પરિસ્થિતિમાં પણ કોરોનાને હરાવ્યો છે. જ્યારે ગોંડલમાં પણ મોટી ઉંમરના મહિલાએ દિવસોની સારવાર લઈ કોરોના સામે જંગ જીતી છે.