૮૮ દિવસ બંધ હતા રાજા રણછોડના કપાટ
ડાકોર: યાત્રાધામ ડાકોર મંદિરના દ્વાર આજે ખૂલતા જ ભાવિક ભક્તોની આતુરતાનો અંત આવ્યો છે. ૮૮ દિવસથી રાજા રણછોડના કપાટ બંધ હતા, ત્યારે આજથી ૫ દિવસ માટે ફક્ત ડાકોરના સ્થાનિક ભક્તો જ દર્શન કરી શકશે. ત્યારબાદ તબક્કાવાર અન્ય ભાવિકોના દર્શન માટે દરવાજા ખુલ્લા કરાશે. કોવિડ-૧૯ની ગાઈડલાઈનના ચુસ્ત પાલન સાથે ભક્તો દર્શન કરી શકશે.
યાત્રાધામ ડાકોરમા રાજા રણછોડના દર્શન કરવા માટે ભક્તો ભારે આતુર હતા. ગુજરાતમાં મોટાભાગના મંદિરો તબક્કાવાર ખોલી દેવાયા છે. ત્યાર ૧૮ જૂને ડાકોરના મંદિરના દ્વાર ખૂલશે તેવી ટ્રસ્ટ દ્વારા જાહેરાત કરાઈ હતી. પરંતુ એવુ પણ જણાવાયું હતું કે, માત્ર ડાકોરના સ્થાનિક નાગરિકો માટે જ મંદિરના દરવાજા ખોલાશે. ડાકોરના મંદિરમાં મેનેજર અને સેવક આગેવાનો વચ્ચે મળેલ બેઠકમાં આ નિર્ણય લેવાયો હતો.
૧૮ જૂનથી તારીખ ૨૩ જૂન સુધી ફક્ત ડાકોરના ભક્તો માટે દર્શન વ્યવસ્થા કરાઈ છે. ડાકોરના ભક્તો પોતાનું આઈડી બતાવીને દર્શ કરી શકશે. ૨૩ જૂન બાદ બહારના ભક્તો માટે વ્યવસ્થા કરવામાં આવશે.
આ પાંચ દિવસ ડાકોરના આયોજકો માટે ટેસ્ટિંગ સમાન કહી શકાશે. જેથી તેના બાદ સોશિયલ ડિસ્ટન્સિંગ વચ્ચે ભીડને કેવી રીતે કાબૂમાં કરી શકાય તેનું નિરીક્ષણ અને પ્લાનિંગ કરાશે. તેમજ ગાઈડલાઈન્સનું ચુસ્તપણે પાલન કરી શકાય છે કે કેમ તે પણ ચકાસવામાં આવશે.