૮ દિવસની જાેડિયા બહેનોને વાંદરાનું ઝુંડ ઉઠાવીને ભાગ્યું,એકનું મોત
ચેન્નઈ: તમિલનાડુના તંજાવુરમાં એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અહીં વાંદરાઓનું ઝુંડ એક ઘરની અંદર ઘૂસી ગયું. આ ઝુંડ ઘરમાં ઘૂસીને ૮ દિવસની બે નવજાત જાેડવા બાળકઓને ઉઠાવીને લઈ ગયું. ત્યારબાદ તેમાંથી એક બાળકીને નાળામાં ફેંકી દીધી. આ ઘટનામાં તેનું મોત થઈ ગયું. આ ચકચારી ઘટનાના કારણે સમગ્ર વિસ્તારમાં સનસની ફેલાઈ ગઈ છે. વાંદરાઓના આતંકથી લોકો પરેશાન થઈ ગયા છે.
તમિલનાડુના તંજાપુરની રહેવાસી ભુવનેશ્વરીએ આ ચોંકાવનારી ઘટનાની પૂરી જાણકારી આપી છે. તેઓએ જણાવ્યું કે, ઘરની અંદર બેડરુમમાં જ તેમની ૮ દિવસની બંને જાેડિયા દીકરીઓ ઊંઘતી હતી. આ દરમિયાન તેઓએ બાળકીઓના રડવાનો અવાજ સાંભળ્યો. તેઓ જ્યારે ત્યાં પહોંચ્યા તો તેમના હોશ ઊડી ગયા.
તેઓએ જાેયું કે વાંદરાઓનું એક ઝુંડ તેમની નવજાત જાેડિયા દીકરીઓને ઉઠાવીને લઈ જઈ રહ્યું હતું. તેઓ તેમની પાછળ દોડ્યા અને બૂમો પાડી. ઘરની બહાર જઈને તેમણે જાેયું કે વાંદરાઓ તેમની દીકરીઓને લઈને છત પર બેઠા હતાં. આ દરમિયાન તેમની બૂમો સાંભળીને આસપાસના લોકો પણ એકત્ર થઈ ગયા. તમામ લોકો વાંદરાઓના સકંજામાંથી બાળકીઓને મુક્ત કરાવવા માટે પ્રયાસ કરવા લાગ્યા.
આ દરમિયાન વાંદરાઓએ એક બાળકીને છત પર જ ફેંકી દીધી, જ્યારે બીજી બાળકીને નીચે નાળા તરફ ફેંકીને ભાગવા લાગ્યા. આ દરમિયાન છત પર પટકાયેલી બાળકીને તાત્કાલિક સારવાર માટે લઈ જવામાં આવી. હવે તેની હાલત ખતરાથી બહાર છે. પરંતુ નાળામાં ફેંકવામાં આવેલી બાળકીનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું.