બાળકીના મોઢાના ભાગમાં લીંબુ આકારની ગાંઠને શસ્ત્રક્રિયા કરી દૂર કરાઈ
અમદાવાદ, અમદાવાદના શાહીભાગ વિસ્તારના ઉષાબેન પટણીની ૮ મહિનાની દિકરી ઋષિકાને જન્મજાત મોઢામાં લીંબુ
આકારની ગાંઠ હતી. જે તકલીફના કારણે લાંબા સમયથી ઋષિકા ખાવા-પીવામાં મુશકેલી અનુભવી રહી હતી. ઉષાબેનના પતિ ભાડાની રીક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે.
ઉષાબેનના પતિની પણ કેન્સરની સારવાર ચાલી રહી છે. એક સાંધો ને તેર તૂટે તેવી પરિસ્થિતીમાંથી ઉષાબેન પસાર થઇ રહ્યા હતા. એક તરફ પતિની તકલીફ બીજી તરફ દિકરીની અસહ્ય વેદના. આમ બંને બાજુ તકલીફોથી ધેરાયેલા ઉષાબેનને સિવિલ હોસ્પિટલના પીડીયાટ્રીક વિભાગના તબીબોએ આજે એક તકલીફમાંથી છુટકારો અપાવ્યો છે.
ઋષિકાને જીભ પર અસામાન્ય સોજો આવવાને કારણે ઉષાબેન પટણી સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિક સર્જરી
વિભાગના તબીબોને બતાવવા આવ્યા. તબીબી તપાસ દરમિયાન બાળકીને હેમાંજિઓમા એટલે કે જીભમાં લોહીની ગાંઠ હોવાનું જાણવા મળ્યુ. આ ગાંઠનું ચોક્કસ કદ અને તેનું વિસ્તરણ જોવા માટે એમ.આર.આઇ. પણ કરાવવામાં આવતા જટિલતાની પૃષ્ટી થઇ.
ઘણી વખત બાળકોની શારરિક વૃધ્ધિ થતાં હેમાંજિઓમાના કદમાં એની મેળે જ ઘટાડો થતો જોવા મળે છે. કેટલીક દવાઓ આ પ્રક્રિયાને વેગ આપવા માટે મદદ કરે છે. પરંતુ ઋષિકા માટે આ દવાઓ દ્વારા સારવાર અસરકારક નિવડી રહી ન હતી. સમય જતા ઋષિકાના મોંઢામાં પડેલો સોજો બહાર નિકળી આવતા તે મોંઢું બંધ કરવા અસમર્થ બની. ભારે સોજો હોવાના કારણે સ્તનપાન અને ખોરાક લેવામાં પણ મુશ્કેલ બની રહ્યુ હતું. આ તમામ ગંભીરતાઓ ધ્યાને લેતા ૮ મહિનાની ઋષિકાની સર્જરી કરવાનું નક્કી કરવામાં આવ્યુ.
સિવિલના બાળરોગ સર્જરી વિભાગના વડા ડૉ. રાકેશ જોશી અને તેમની ટીમ દ્વારા ઋષિકાની સર્જરી હાથ ધરવામાં આવી હતી. આ સર્જરીની જટિલતા સમજાવતા તેઓ કહે છે કે હેમાંજિઓમા મૂળ રક્ત વાહિનીઓનું એક ભાગ છે અને દર્દીને
શસ્ત્રક્રિયા દરમિયાન રક્તસ્રાવ થવાની સંભાવના વધારે હોય છે.
તદૂઉપરાંત એનેસ્થેસિયાના સંચાલન માટે પણ કુશળતા ખૂબ જ જરૂરી હોય છે કારણ કે મોઢા પર મોટો સોજો આવે ત્યારે શ્વાસની નળી નાખવી મુશ્કેલ બની રહે છે. જ્યાં સુધી તેની જીભ ઉપરનો ઘા મટી ન જાય ત્યાં સુધી થોડા દિવસો બાળકને તેના નાકમાંથી નાખેલી નળી દ્વારા ખવડાવવામાં આવે છે. આમ આ તમામ જટીલતાઓ વચ્ચે ઋષિકાની સફળતાપુર્વક સર્જરી કરવામાં આવી છે. હવે ઋષિકા સરળતાથી સ્તનપાન કરવા સક્ષમ બની છે.
શું છે હેમાંજિઓમાં ?
હેમાંજિઓમાં રુધિરવાહિનીઓનું એક નોનકન્સરસ ગાંઠ હેમાંજિઓમા નસ હોય છે. તે બાળપણથી એક સામાન્ય ગાંઠ
છે જે રક્ત વાહિનીઓની અસામાન્ય રચનાને કારણે થાય છે, પરંતુ સામાન્ય રીતે શરીરના અન્ય ભાગોમાં પણ થાય છે.
મોટાભાગના બાળકોને જન્મ સમયે જ મટી જતાં હોય છે. ખૂબ જ ઓછા દર્દીઓને આ સ્થિતિ માટે સર્જરીની જરૂર પડતી હોય છે. જીભનું હેમાંજિઓમાં ખૂબ જ દુર્લભ છે અને સામાન્ય રીતે શસ્ત્રક્રિયાની જરૂર પડે છે.