૮ વાર આજીજી કરવા છતાંય અમેઝોને મદદ નહોતી કરી
નવી દિલ્હી: ફ્યૂચર ગ્રુપના સીઈઓ કિશોરી બિયાણીએ તાજેતરમાં આપેલા એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે ફ્યૂચર ગ્રુપને જ્યારે મદદની જરૂર હતી ત્યારે અમેઝોનએ તેમની મદદ નહોતી કરી. અમેરિકામાં હેડક્વાર્ટર ધરાવતી કંપની અમેઝોન હાલમાં ફ્યૂચર ગ્રુપ અને રિલાયન્સ રિટેલની ડિલમાં અડચણ ઊભી કરવાનો પ્રયાસ કરી રહી છે.
ફ્યૂચર ગ્રુપના સીઈઓએ જણાવ્યું કે, કંપનીની આર્થિક મુશ્કેલીઓ વિશે અમેઝોન સાથે ૮ વાર ચર્ચા કરવામાં આવી હતી પરંતુ તેમના તરફથી મદદનો કોઈ હાથ લંબાવવામાં આવ્યો નહીં. કિશોર બિયાણીએ આ ઉપરાંત કહ્યું કે, અમેઝોન ઈચ્છતી હતી કે ફ્યૂચર ગ્રુપ નુકસાનીમાં જાય.
નોંધનીય છે કે, કિશોર બિયાણીએ રિલાયન્સ રિટેલને તારણહાર કહી છે, જેણે મુશ્કેલીમાં સમયમાં કંપની સાથે મોટી ડીલ કરી છે. બીજી બાજુ અમેઝોન દ્વારા રિલાયન્સ રિટેલ-ફ્યૂચર ગ્રુપની ડીલને વચ્ચે કાયદાકીય અડચણો ઊભી કરવામાં આવી રહી છે. બિયાણીએ ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, અમેઝોન ઈચ્છતું હતું કે ફ્યૂચર ગ્રુપ ફડચામાં આવી જાય. ઈટી સાથેના ઇન્ટરવ્યૂમાં કિશોર બિયાણીએ કહ્યું કે, અમે અમેઝોન સાથે ચાર-પાંચ ઇન્વેસ્ટરોનો સંપર્ક કરાવવાના પ્રયાસ કર્યા હતા પરંતુ અમેઝોન તરફથી કોઈ હકારાત્મક પ્રતિસાદ નહોતો મળ્યો.
તેમનો ઉદ્દેશ્ય અમને માત્ર નુકસાન પહોંચાડવાનો હતો. અમેઝોન ઈચ્છતું હતું કે ફ્યૂચર ગ્રુપના તમામ કર્મચારી, સપ્લાયર્સ, વેન્ડર્સ અને આર્થિક સહાય પૂરી પાડનારા મુશ્કેલીમાં મૂકાય અને કંપની મોટા આર્થિક સંકડામણમાં આવી જાય. ઉલ્લેખનીય છે કે, કોવિડ-૧૯ના સંકટ બાદ ફ્યૂચર ગ્રુપને વધુ આર્થિક નુકસાન ભોગવવું પડ્યું હતું. ત્યારબાદ કિશોર બિયાણીએ પોતાના રિટેલ સ્ટોર્સ, વેરહાઉસ અને લોજિસ્ટિક બિઝનેસને વેચવા માટે રિલાયન્સ રિટેલ વેન્ચર્સ સાથે ૨૪,૭૧૩ કરોડ રૂપિયાની ડીલ કરી હતી.