૮.૩૮ કરોડનું બોગસ બિલીંગ કૌભાંડ આચરનાર વેપારીને કોર્ટે જામીન ન આપ્યા
(એજન્સી) અમદાવાદ, બોગસ બિલો બનાવી ૮.૩૮ કરોડનું કૌભાંડ આચરનાર વેપારીના જામીન સેશન્સ કોર્ટે ફગાવી દીધા છે. આ સાથે જ એડીશ્નલ સેશન્સ જજ વી.જે.કલોતરાએ ચુકાદામાં નોંધ્યુ હતુ કે આરોપીએ વર્ષ ર૦૧૭-૧૮ દરમ્યાન જુદી જુદી બોગસ કંપની ઉભી કરી હતી અને તેના ખોટા ખરીદ-વેચાણના બિલો રજુ કરી સરકારની તિજારીને ૮.૩૮ કરોડનું નુકશાન પહોંચાડ્યુ હતુ. દેશના અર્થતંત્રને ખોખલું કરે એંવું કૃત્ય છે ત્યારે આવા આરોપીને રેગ્યુલર જામીન પર મુકત કરી શકાય નહીં.
બોગસ પેઢી ઉભી કરી કરોડો રૂપિયાના બોગસ ઈનવોઈસ બિલો બનાવી ૮.૩૮ કરોડની કરચોરી કરવાના કેસમાં આશિષ યોગેન્દ્રભાઈ પંડ્યાને જેલમાં મોકલ્યો હતો. જેથી તેણે જામીન મેળવવા અરજી કરી રજુઆત કરી હતી કે નિર્દોષ છું. જે પેઢી બનાવી હતી તેના સાચા બિલો છે અને ર વર્ષ સરકારમાં ૩.૬૪ લાખ કરની ચુકવણી પણ કરી છે. તપાસમાં કોર્ટ પાસે જામીન આપવાની સત્તા છે. અને કોર્ટ જામીન આપે તો તમામ શરતોનું પાલન કરવા તૈયાર છું. તેથી જામીન આપવા જાઈએ.
પરંતુ અરજીનો વિરોધ કરાતા ખાસ સરકારી વકીલ સુધીર ગુપ્તાએ એવી દલીલ કરી હતી કે આરોપીઓએ આ ગુના આચર્યા હોવાના પુરતા પુરાવા છે. આ મામલે બીજુ કોઈ સંડોવાયેલું છે કે નહીં? એ અંગે તપાસ ચાલી રહી છે. આવા ગુનામાં નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે, ત્યારે આવા આરોપીને જામીન આપવામાં આવે તો સરકાર સાથે ઠગાઈ કરનારને મોકળું મેદાન મળે તેમ છે.આવા આરોપીને જામીન ન આપવા જાઈએ.