૮-૯ જૂને દક્ષિણ ગુજરાત-સૌરાષ્ટ્રમાં હળવો વરસાદ પડશે
અમદાવાદ, રાજ્યમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી હવે આગળ વધી રહી છે. આ એક્ટિવિટી હેઠળ રાજ્યના છૂટછવાયા વિસ્તારોમાં હળવો વરસાદ પડી રહ્યો છે. ગઈકાલે અમરેલી જિલ્લામાં હળવો વરસાદ પડયો હતો. આ ઉપરાંત વલસાડના કપરાડા અને ડાંગમાં પણ વરસાદી છાંટા પડયા હતા. સ્થાનિક હવામાન વિભાગની આગાહીમાં જણાવ્યા મુજબ રાજ્યમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી આગળ વધતી જાય છે અને તા.૮ અને ૯ જૂને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવો વરસાદ પડી શકે છે.
સ્થાનિક હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં રાજ્યમાં હિટવેવને લગતી કોઈ આગાહી કરાઈ નથી. લોકો માટે સમગ્ર મે મહિનો ભીષણ ગરમીનો રહ્યો હતો. આકાશમાંથી સૂર્યનારાયણ સતત આકરા મિજાજમાં હતા અને મહત્તમ તાપમાનનો પારો ૪પ ડિગ્રીથી પણ ઉપર રમતો હતો. હજુ પણ ગરમીની તીવ્રતામાં ખાસ ઘટાડો જોવા મળ્યો નથી.
ગઈકાલે અમદાવાદમાં ૪ર.૩ ડિગ્રી ગરમી નોંધાઈ હતી. સુરેન્દ્રનગરમાં પણ ૪ર.૩ ડિગ્રી ગરમી નોંધાઈ હતી. આ બન્નેશહેર ગઈકાલે રાજ્યના હોટેસ્ટ શહેર બનયા હતા. વડોદરામાં ૪૦, ભૂજમાં ૪૦.૩, છોટાઉદેપુરમાં ૪૦.૧, ડીસામાં ૪૧.૪, ગાંધીનગરમાં ૪૧.૬, રાજકોટમાં ૪૦.૭ ડિગ્રી એમ રાજ્યના આ શહેરોમાં ગઈકાલે ગરમીનો પારો ૪૦ ડિગ્રીથી પણ વધુ રહ્યો હતો.
આજે પણ રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે અને તેમાં ગરમી અનુભવાશે. રાજ્યના કેટલાક શહેરોમાં મહત્તમ તાપમાન ૪ર ડિગ્રી કે તેથી ઉપર જઈ શકે છે તેવી પણ સ્થાનિક હવામાન વિભાગની આગાહી છે.
જો કે, પ્રિ-મોન્સૂન એક્ટિવિટી સતત આગળ વધી રહી હોઈ આગામી ૮ જૂને દક્ષિણ ગુજરાતના છોટાઉદેપુર, ડાંગ, નવસારી, તાપી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી અને સૌરાષ્ટ્રના ગીર સોમનાથ તેમજ દીવમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડી શકે છે તેવી સ્થાનિક હવામાન વિભાગની આગાહી છે.
તા.૯ જૂને દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, નવસારી, તાપી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, અમરેલી, ભાવનગર, જૂનાગઢ, ગીર-સોમનાથ અને દીવમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડશે તેવી સંભાવના સ્થાનિક હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદમાં ગઈકાલે ભેજનું પ્રમાણ વધીને ૬૦ ટકા થતાં શહેરીજનોએ ઉકળાટ અનુભવ્યો હતો
જ્યારે આજે સવારે સાડા આઠ વાગ્યે ભેજનું પ્રમાણ પ૯ ટકા નોંધાયું હતું જેના પગલે આજે પણ લોકોએ બફારો અનુભવ્યો હતો. હવે વાતાવરણમાં બફારો જોવા મળતાં તેના કારણે લોકો અકળાઈ ઉઠયા છે જ્યારે આજે સવારે શહેરનું લઘુત્તમ તાપમાન ર૯.૭ ડિગ્રી સેÂલ્સયસ નોંધાયું હતું. જે સામાન્ય કરતાં એક ડિગ્રી વધુ હતું. દરમિયાન સ્થાનિક હવામાન વિભાગે અમદાવાદમાં આજે ગરમીનો પારો ૪૩ ડિગ્રીએ જઈને અટકશે તેવી આગાહી કરી છે.
બીજા અર્થમાં રાજ્યના વિભિન્ન વિસ્તારોમાં પ્રિ-મોન્સૂન એક્ટિવિટી ભલે આગળ વધી રહી હોય તેમ છતાં અમદાવાદીઓ માટે ગરમીનો માહોલ જળવાઈ રહેવાનો છે. આવતીકાલે પણ શહેરમાં ૪૩ ડિગ્રી ગરમી અનુભવાશે. સ્થાનિક હવામાન વિભાગની અમદાવાદને લગતી આગાહી દર્શાવે છે કે શહેરીજનોએ હજુ ચાર દિવસ સુધી ૪૩ ડિગ્રી ગરમીમાં શેકાવું પડશે. એટલે કે તા.૪થી ૭ જૂન સુધીમાં ગરમીનો પ્રકોણ જોવા મળવાનો છે. તા.૮ જૂનથી લોકોને ગરમી સામે આંશિક રાહત મળી શકે તેમ છે કેમ કે, તે દિવસે ૪ર ડિગ્રી ગરમીની આગાહી કરવામાં આવી છે.