૯૦ દિવસમાં ૩૫૦ ગ્રામ મશરૂમ ઉગાડ્યું-ભાવ 1 કિલોનો દોઢ લાખ રૂપિયા

પ્રતિકાત્મક
વૈજ્ઞાનિકોએ લેબોરેટરીમાં નિયંત્રિત વાતાવારણમાં ૩૫ બરણીની અંદર ૯૦ દિવસમાં ૩૫૦ ગ્રામ મશરૂમ ઉગાડ્યું
ગુજરાતના વૈજ્ઞાનિકોએ સૌથી મોઘું મશરૂમ ઉગાડ્યું એક કિલોનો ભાવ દોઢ લાખ રૂપિયા-
રાજકોટ, લાંબા સમયથી ચાઈનીઝ, જાપાનીઝ, ઈટાલિયન અને થાઈ ક્યૂઝિનમાં ન્યૂટ્રિશનલ વેલ્યૂ વધારવાની સાથે-સાથે મશરૂમ ટેસ્ટમાં પણ વધારો કરી રહ્યું છે. પરંતુ હવે મશરૂમની એક પ્રજાતિ, જેને દુનિયામાં સૌથી મોંઘી માનવામાં આવે છે તે મેડિકલ રીતે પણ મહત્વની સાબિત થઈ છે.
કચ્છ સ્થિત ગુજરાત ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝર્ટ ઈકોલોજીના વૈજ્ઞાનિકો સફળતાપૂર્વક- કોર્ડિસેપ્સ મિલિટેરિસ-મશરૂમની એક પ્રજાતિનું વાવેતર કરવામાં સફળ રહ્યા છે, જેનો ઉપયોગ ચાઈનીઝ અને તિબેટી હર્બલ દવાઓમાં થાય છે. વૈજ્ઞાનિકોએ લેબોરેટરીમાં નિયંત્રિત વાતાવારણમાં ૩૫ બરણીની અંદર ૯૦ દિવસમાં ૩૫૦ ગ્રામ મશરૂમ ઉગાડ્યું છે.
આ મશરૂમનો પ્રતિ કિલોનો ભાવ ૧.૫૦ લાખ રૂપિયા છે. બ્રેસ્ટ કેન્સરની સારવારમાં આ મશરૂમ ઉપયોગી હોવાનું જાણ્યા બાદ, ઈન્સ્ટિટ્યૂટે સાવ સામાન્ય ફીથી આંત્રપ્રિન્યોરને આજીવિકાના વિકલ્પ તરીકે લેબોરેટરી લેવલ પર મશરૂમનું વાવેતર શીખવવા માટે તાલીમ આપવાનું નક્કી કર્યું છે.
કોર્ડિસેપ્સ મિલિટેરિસને હિમાયલયના સોના તરીકે ઓળખવામાં આવે છે. તેનાથી સ્વાસ્થ્યને લગતા ઘણા લાભ થાય છે અને તે લાઈફસ્ટાઈલ બીમારીની વિશાળ શ્રેણીને રોકી શકે છે. આ ફૂગ ક્લબ આકારની હોય છે અને તેની સપાટી થોડી પંક્ચર થયેલી હોય તેવી દેખાય છે. આંતરિક ફંગલ પેશી સફેદથી થોડી હળવી ઓરેન્જ કલરની હોય છે.
નિયંત્રિત પરિસ્થિતિઓમાં તેને લેબમાં ઉગાડવાનું હવે શક્ય છે’, તેમ જીયુઆઈડીઈના ડિરેક્ટર વી. વિજય કુમારે જણાવ્યું હતું. ઈન્સ્ટિ્ટયૂટે આ મશરૂમની વિવિધતાના એન્ટીટ્યૂમર તત્વનો વિગતવાર અભ્યાસ કર્યો છે. અમે પ્રાણી મોડેલોમાં બ્રેસ્ટ કેન્સર સામેના અર્કની ઈન-વીવો એન્ટીકેન્સર ગતિવિધિની શોધ કરી હતી.
અમદાવાદની નિરમ યુનિવર્સિટી સાથે કો-ઓર્ડિનેશન કરીને આ કામગીરી કરવામાં આવી હતી. પ્રારંભિક તપાસમાં બહાર આવ્યું છે કે, આ મશરૂમનો અર્ક બ્રેસ્ટ કેન્સરમાં ટ્યૂમરમાં ઘટાડો કરવાના સંદર્ભમાં નોંધપાત્ર પરિણામ આપી શકે છે’, તેમ વરિષ્ઠ વૈજ્ઞાનિક અને જીયુઆઈડીઈના એન્વાયર્મેન્ટ લેબોરેટરી ડિવિઝનના હેડ કે. કાર્તિકેયને જણાવ્યું હતું.