Western Times News

Gujarati News

૯૩ વર્ષના નાથીબાને તેડીને હોસ્પિટલે લઈ ગયા’તા, સ્વસ્થ થતાં ચાલતાં ઘરે પરત ફર્યાં

મક્કમ મનોબળ અને મજબૂત ઇચ્છાશક્તિથી સામે કોરોના પરાસ્ત

ખાનગી હોસ્પિટલને ટક્કર મારે તેવી જુનાગઢ સિવિલ હોસ્પિટલની સારસંભાળ : જુનાગઢ સિવિલ હોસ્પિટલ કોરોનાકાળમાં આસપાસના અનેક જિલ્લાના દર્દીઓ માટે બની જીવનઆધાર

મક્કમ મનોબળ અને મજબૂત ઇચ્છાશક્તિથી કોઈ પણ ઉંમરે કોરોનાને હરાવી શકાય છે. આ વાત સાબિત કરી છે, જુનાગઢના 93 વર્ષના નાથીબાએ. હોસ્પિટલે ભલે તેમને ઊંચકીને લવાયા હોય, પણ સ્વસ્થ થઈને પાછા ઘરે ગયા અને એ પણ ચાલતાં.

જુનાગઢ જોષીપરા વિસ્તારનાં રહીશ હરિભાઇ મહેતા તેમનાં ૯૩ વર્ષના માતા નાથીમા અને પરિવારના તમામ સભ્યો કોરોનાગ્રસ્ત થયા હતા. ઘરના યુવાન સભ્યોને તો હોમ આઇસોલેશન અને સારવારથી ઘરે જ સારું થઇ ગયું, પરંતુ હરિભાઇ મહેતા અને તેમનાં માતાની તબિયત લથડતાં હોસ્પિટલમાં દાખલ કરવાની સ્થિતિ ઊભી થઈ.

પહેલાં ખાનગી હોસ્પિટલની પણ તપાસ કરી, પણ આખરે સરકારી સિવિલ હોસ્પિટલમાં દાખલ થયાં. દાખલ થતી વખતે જૈફ વય અને કોવિડની અસરથી ગ્રસ્ત નાથીમાને ખૂબ નબળાઇ હતી. વાહનમાંથી ઉતરીને હોસ્પિટલના બિછાના સુધી તેડીને લઇ જવા પડે એવી સ્થિતિ હતી. ઓક્સિજનની ઘટ, તાવ અને અશક્તિ. પરંતુ, સિવિલના તબીબોએ હરિભાઈ તેમજ નાથીમાની પરિવારના વડીલની જેમ તેમની સારવાર કરી. આખરે આઠ દિવસે તબીબોની સંભાળ અને હૂંફ તેમજ નાથીમાની મક્કમ ઇચ્છાશક્તિએ કમાલ બતાવ્યો. આઠમા દિવસે નાથીમા હોસ્પિટલથી સાજા થઈ પોતાના ઘરે પહોંચ્યા અને એ પણ ચાલતા!

ઉલ્લેખનીય છે કે, ૯૦૦થી વધુ બેડ, અદ્યતન ઓપરેશન થિયેટર, વિશાળ ગ્રાઉન્ડ, ઓક્સિજન અને વેન્ટિલેટર સુવિધાથી સજ્જ જુનાગઢ સિવિલ હોસ્પિટલ અત્યારે કોરોનાથી ગ્રસ્ત થતા અનેક દર્દીઓ માટે જીવનઆધાર બની છે. માત્ર જુનાગઢ જ નહીં, આસપાસના ગીરસોમનાથ, અમરેલી, રાજકોટ અને પોરબંદર સહિતના જિલ્લાના કોરોનાના દર્દીઓ પણ અહીં સારવાર મેળવી સ્વસ્થ થયા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.