૯૪ વર્ષના સ્વતંત્રતા સેનાની નંદલાલ શાહ સ્વાસ્થ્ય સેનાની પણ ખરા
અમદાવાદ, ભોગાવો બોમ્બ કેસમાં અંગ્રેજોના દાંત ખાટા કરનારા નંદલાલ દાદાના દાંત હજુ અકબંધ, માથા પર કાળા વાળ ફરીથી ઉગી રહ્યા છે. દિર્ઘાયું જીવનનો મંત્રઃ નો નેગેટિવ થોટ્સ અમદાવાદના અખબારનગરમાં રહેતા સ્વતંત્રતા સેનાની નંદલાલ શાહ ના તો અંગ્રેજોથી ડર્યા હતા ના તો હાલની કોરોના મહામારીથી ભયભીત છે. તેઓ કહે છે કે, મારા જીવનનો એક જ મંત્ર છે ‘કોઇ જ નકારાત્મક વિચાર નહીં, ક્યારેય પણ નહીં.
૭૪માં સ્વતંત્રદિન નિમિત્તે અમદાવાદ જિલ્લા પ્રશાસને નંદલાલ શાહનું તેમના ઘરે જઈ સન્માન કર્યું હતું. દર વર્ષે સ્વાતંત્રપર્વ નિમિત્તે સ્વતંત્રતા સેનાનીઓનું એટહોમ કાર્યક્રમમાં રાજભવન ખાતે આમંત્રિત કરી સન્માન કરવામાં આવતું હોય છે. પરંતુ આ વર્ષે કોરોના સંક્રમણની પરિસ્થિતિને કારણે જિલ્લા પ્રશાસન દ્વારા સ્વતંત્રતા સેનાનીઓનું તેમના ઘરે જઈ સન્માન કરવાનો ર્નિણય લેવામાં આવ્યો છે.
નાયબ કલેકટર જે.બી દેસાઈએ જણાવ્યું કે, જિલ્લા પ્રશાસન અને રાજ્ય સરકાર વતી આજે નંદલાલ શાહનું સન્માન કરતા હું ગર્વની લાગણી અનુભવું છું. માત્ર ૧૭ વર્ષની ઉંમરે પોતાનું સર્વસ્વ દાવ પર લગાવી અંગ્રેજો સામે સંઘર્ષ કરનારા નંદલાલ શાહ જેવા અનેક સ્વાતંત્ર્ય સેનાનીઓના આપણે સૌ કોઈ ઋણી છીએ. વર્ષ ૧૯૨૬માં જન્મેલા નંદલાલ શાહે માત્ર ૧૭ વર્ષની ઉંમરે સ્વતંત્રતા લડતમાં ઝંપલાવ્યું અને મિત્રો સાથે મળીને તેઓ સુરેન્દ્રનગરમાં ભાંગફોડિયા પ્રવૃત્તિમાં લાગી ગયેલા. ૧૯૪૨ની ઓગસ્ટ ક્રાંતીના રણશિંગા ફૂંકાયા ત્યારે નંદલાલ શાહ અમદાવાદના સી.એન.વિદ્યાલયમાં મેટ્રિકમાં અભ્યાસ કરતા હતા.
સત્યાગ્રહ, હડતાલો, સરઘસ, સભાઓ, લાઠીચાર્જ અને ધરપકડના અવિરત બનાવો યુવાન નંદલાલ શાહને બેચેન કરતા હતા. યુવા નંદલાલે બંગાળની લશ્કરી ફેક્ટરીમાંથી ચોરાઇને આવેલો દારૂગોળો મેળવ્યો. નંદલાલ શાહે તેમના મિત્ર ભોગીલાલ અને કાનજી સાથે મળી બોમ્બ બનાવ્યો. ૧૦ જાન્યુઆરી ૧૯૪૩ના દિવસે સુરેન્દ્રનગરની જેલ ઉપર બોમ્બ ફેંક્યો. એન. ટી. એમ. હાઇસ્કુલ સામેના મેદાનમાં એંગ્લો ઇન્ડિયન સર્કસ પર પણ બોમ્બે ફેંકી ભાગી છુટ્યા. ૦૫ ફેબ્રુઆરી ૧૯૪૩ના દિવસે ભોગાવા નદીના પુલ ઉપરથી પસાર થતી ગુડ્ઝ ટ્રેનને ઉથલાવવા રેલ્વે પુલ ઉપર બોમ્બ ફેંક્યો. આખરે પોલીસ કાર્યવાહીમાં ધરપકડ થઇ ગઈ. પ્રખ્યાત બનેલા ભોગાવો બોમ્બ કેસમાં નંદલાલ પર રેલવે એક્ટ, ડિફેન્સ ઓફ ઈન્ડિયા એક્ટ, એક્સપ્લોઝિવ સબસ્ટન્સિઝ એક્ટ, ઉપરાંત સી.આર.પી.સી હેઠળ ખટલો ચલાવવામાં આવ્યો. નંદલાલ શાહની ૧૭ વર્ષની ઉંમરને કારણે બાળ અદાલતમાં કેસ ચલાવવો તેવી અરજી થઈ જેથી મામલો ગૂંચવાયો. વળી બીજા વિશ્વયુદ્ધની શરૂઆતને કારણે મોટાભાગના અંગ્રેજ અમલદારોની બદલીઓ થઈ. આમ સાનુકૂળ પરિસ્થિતિને કારણે જ્યાં ફાંસીની સજા નક્કી હતી તેના બદલે ૧૬ મહિના જેલમાં વિતાવવા પડ્યા.
એલ.આઇ.સી.માં બ્રાન્ચ મેનેજરના પદેથી નિવૃત્ત થયેલા નંદલાલ શાહ ૯૪ વર્ષની જૈફ વયે પણ સંપૂર્ણ સ્વસ્થ છે. તેઓને માથા પર ફરીથી કાળા વાળ આવી રહ્યા છે. અંગ્રેજોના દાંત ખાટા કરનારા નંદલાલ દદાના મોટાભાગના દાંત હજુ પણ અકબંધ છે. તેઓના તંદુરસ્ત શરીર અને કોરોનાની પરિસ્થિતિ વિશે પૂછતાં તેઓએ જણાવ્યું કે મારા જીવનનો એક જ મંત્ર છે નો નેગેટિવ વિચાર. અંગ્રેજો સામેનો સંઘર્ષ હોય કે આવી કોઈ બીમારીઓ આવે નકારાત્મક વિચારો કરવા જોઇએ નહીં. મારી દિનચર્યા વર્ષોથી ફીક્સ છે અને દરરોજ એ પ્રમાણે જ દિવસ પસાર કરું છું. વર્ષોથી સદવાંચન કરુ છુ. સ્વતંત્રતા સેનાની નંદલાલ શાહ ખરા અર્થમાં સ્વાસ્થ્ય સેનાની પણ છે.