૯ ઓક્ટોબર – વિશ્વ ટપાલ દિવસ શું તમારે સુગંધીદાર અને તમારા પોતાના ફોટોવાળી ટપાલ ટિકિટ જોઇએ છે !! તો પહોંચી જાવ GPOમાં
GPO ના ફિલાટેલી બ્યુરોમાં ઉપલબ્ધ છે અત્તરયુક્ત ટપાલ ટિકિટ, માય સ્ટેમ્પ અને વિવિધ પરબિડિયા
……………
મિરઝાપુરની જનરલ પોસ્ટ ઓફિસ હેરિટેજ અમદાવાદની ઐતિહાસિક ધરોહરમાંની એક ઈમારત – ટપાલના જૂના-પૂરાણા વારસાની સાથે આધુનિક સુવિધાઓને સમાવતી મિરઝાપુરની જનરલ પોસ્ટ ઓફિસ (Mirzapur GPO)
(આલેખન : ઉમંગ બારોટ) ઘરમાં ટપાલ આવે અને ઘર ચંદન કે પછી ચમેલીની ફોરમથી મહેકી ઉઠે તો હવે અચરજ ન પામતા કેમ કે, ભારતીય ટપાલ વિભાગે ‘ઇન્ડિયન પર્ફ્યુમ્સ’ થીમ પર હાલમાં જ ટપાલ ટિકિટ બહાર પાડી છે. અત્તરયુક્ત આ વિશેષ ટપાલ ટિકિટ તા: ૦૧/૦૮/૨૦૧૯ ના રોજ બહાર પાડવામાં આવી છે. તાજેતરમાં ભારતીય ટપાલ વિભાગે આઝાદ ભારતના ઈતિહાસમાં પ્રથમવાર અષ્ટ્કોણીય ટપાલ ટિકીટ ગાંધીજીની ૧૫૦મી જન્મજયંતિ નિમિત્તે બહાર પાડી છે. આવું તો અનેક પ્રકારનું વૈવિધ્ય છે આ ટપાલ ટિકિટોમાં, જે સંગ્રહાયું છે અમદાવાદની જનરલ પોસ્ટ ઓફિસમાં.
“કેવી ધીરજ હશે એ ટપાલના જમાનામાં ! આજે એક મેસેજનો રિપ્લાય તરત ન આવતા સંબંધો વણસી જાય છે.” ટપાલના જમાનાની યાદ તાજી કરતા આવા કેટલાય મેસેજ આપણે વોટ્સએપમાં ચોક્ક્સ વાંચ્યા હશે. ટપાલ, ટપાલ-ટિકિટ, પરબિડિયું, ટપાલપેટી અને પોસ્ટ ઓફિસ વર્ષોથી આપણે ત્યાં વાર્તા, નવલકથા, કવિતા, સાહિત્ય, ફિલ્મ અને ગીતોમાં સ્થાન પામ્યાં છે.
૯ ઓક્ટોબરે વિશ્વ ટપાલ દિવસ ઉજવવામાં આવે છે. ટપાલ વર્ષોથી સંદેશા-વ્યવહારનું માધ્યમ રહ્યું છે. ભારતમાં ટપાલ વિભાગ દ્વારા લોકોને રજીસ્ટર્ડ ટપાલ, પાર્સલ અને બચત યોજનાઓની વિવિધ સુવિધા પુરી પાડવામાં આવે છે. ભારતમાં ટપાલ સેવાની શરુઆત બ્રિટિશ ઇસ્ટ ઈન્ડિયા કંપની દ્વારા ઈ.સ. ૧૭૬૪ માં મુંબઇથી થઇ અને ઈ.સ. ૧૮૫૪માં ભારતમાં ટપાલ ટિકિટનો ઉપયોગ શરુ થયો હતો. ટપાલ સંદેશા-વ્યવહારનું આજે પણ સુલભ માધ્યમ છે. દાયકાઓ સુધી લોકોના જીવનનું અભિન્ન અંગ રહેલી પોસ્ટ ઓફિસ આજે પણ સાંપ્રત છે.
અમદાવાદ શહેરમાં ૧૦૦થી વધુ પોસ્ટ ઓફિસ આવેલી છે. પરંતુ મિરઝાપુરની જનરલ પોસ્ટ ઓફિસની (જી.પી.ઓ.) વાત તદ્દન જુદી છે. હેરિટેજ શહેર અમદાવાદના ઐતિહાસિક ધરોહરમાંની એક ઈમારત જી.પી.ઓ. પણ છે. ટપાલના જુના-પૂરાણા વારસાની સાથે આધુનિક સુવિધાઓને સમાવતી જનરલ પોસ્ટ ઓફિસ નિહાળવાલાયક અને જાણવાલાયક છે. બ્રિટિશ અમલદાર I.C.S. જે. એચ. ગેર્રેટ દ્વારા ઈ.સ. ૧૯૨૮માં આ ઇમારતનો પાયો નંખાયો હતો.
રૂા. ૧,૨૮,૦૦૦/- ના ખર્ચે તૈયાર થયેલી પોસ્ટ ઓફિસ ઈ.સ. ૧૯૩૧માં ખુલ્લી મુકવામાં આવી હતી. જનરલ પોસ્ટ ઓફિસ રાજ્ય દીઠ એક જ હોય છે જ્યાં ટપાલ વિભાગની તમામ સુવિધાઓ ઉપલબ્ધ હોય છે. ગુજરાતની જનરલ પોસ્ટ ઓફિસ અમદાવાદમાં મિરઝાપુર ખાતે આવેલી છે. સામાન્ય રીતે વિવિધ સ્થળો/શહેરોનું જમીની અંતર જનરલ પોસ્ટ ઓફિસથી માપવામાં આવે છે.
અવનવી ટપાલ ટિકિટના અભ્યાસ અને સંગ્રહ કરવાના શોખને ફિલાટેલી કહેવાય છે અને તેના શોખીનોને ફિલાટેલીસ્ટ કહેવાય છે. જી.પી.ઓ.માં અલાયદી ફિલાટેલી શાખા આવેલી છે, જ્યાં વિવિધ ટપાલ ટિકિટ અને પરબિડિયા સાચવી રાખવામાં આવ્યા છે તો વળી અચરજ પમાડતી અત્તરયુક્ત ટપાલ ટિકિટ પણ જોવા મળે છે. મોંઘેરી આ ટપાલ ટિકિટ ખુલ્લી મુકતા જ કક્ષ મઘમઘી ઉઠે છે.
ટપાલ વિભાગ દ્વારા ટપાલ ટિકિટ અને પરબિડિયા વિવિધ વિષયને સંલગ્ન બહાર પાડવામાં આવે છે. ભારતની સંસ્કૃતિ, પરંપરા, ખાન-પાન, પહેરવેશ, પુરાતત્વીય અને પ્રવાસન સ્થળો, મહાનુભાવો, સ્વાતંત્ર્યવીરો, સૈન્ય પરાક્રમો, પ્રાણી-જગત અને વિજ્ઞાનના વિષય પરની ટપાલ ટિકિટ અને પરબિડિયાનો અભ્યાસ વ્યક્તિનું સામાન્ય જ્ઞાન વધારે છે. વળી આ અવનવી ટપાલ ટિકિટ અને પરબિડિયા જેટલા જુના તેટલું તેનું મુલ્ય અને મહત્વ વધારે અંકાય છે. આથી જ ફિલાટેલી અન્ય તમામ શોખથી ચડિયાતો ગણાય છે.
જી.પી.ઓ. ફિલાટેલી શાખાની મુલાકાત વેળાએ તમારુ આશ્ચર્ય એટલે જ નહિં અટકે, અહીં ટપાલ વિભાગની નવિનતમ સુવિધા ‘માય-સ્ટેમ્પ’ પણ ઉપલબ્ધ છે જેમાં વ્યક્તિ પોતાનો મનગમતો ફોટોગ્રાફ આપી અધિકૃત ટપાલ ટિકિટ છપાવી શકે છે. જી.પી.ઓ. ના મુખ્ય ડાકપાલ મહેશ ત્રિવેદીએ જણાવ્યું કે, અમદાવાદ હેરિટેજ શહેર ઘોષિત થયાની સાથે જ જી.પી.ઓ.નો સમાવેશ હેરિટેજ સ્થળોની યાદીમાં થયો હતો. પુરાણી ઇમારત આજે પણ અકબંધ છે અને કોઇપણ નાનું-મોટુ બાંધકામ મહાનગરપાલિકાની પરવાનગી બાદ જ કરવામાં આવે છે. શાળા-કોલેજના વિદ્યાર્થિઓ અને જ્ઞાન-રસિકો જી.પી.ઓ. તથા અહિંની ફિલાટેલી શાખાની મુલાકાતે આવતા રહે છે.
જી.પી.ઓ.માં એક તરફ કેંદ્ર સરકારની સુકન્યા સમૃદ્ધિ ખાતુ અને અટલ પેન્સન જેવી ફ્લેગશીપ બચત યોજનાઓની સુવિધા, સંપૂર્ણ ડિજિટલ પોસ્ટ પેમેન્ટ બેંક, આધાર કાર્ડ કેંદ્ર તો વળી બીજી બાજુ વિવિધ ટપાલ સુવિધાઓ ઉપલબ્ધ છે. આમ, અહીની હેરીટેજ ઇમારતમાં ટપાલ વિભાગનો વારસો અને ભાવિ એકમેકની લગોલગ ઉભા છે..