૯ મહિના પહેલા ગુમ થયેલા ૩ જવાનોના મૃતદેહ મળ્યા
(એજન્સી)નવીદિલ્હી, ગયા વર્ષે ઓક્ટોબરમાં લદ્દાખમાં હિમસ્ખલનમાં ૩૮ ભારતીય સૈનિકો ફસાયા હતા. દુર્ઘટના બાદ સેનાએ હાથ ધરેલા ઓપરેશનમાં અનેક જવાનોનો આબાદ બચાવ થયો હતો. એક સૈનિકનો મૃતદેહ મળી આવ્યો હતો, પરંતુ અન્ય ત્રણ સૈનિકોનો કોઈ પત્તો લાગ્યો ન હતો. આ સૈનિકો બરફમાં દટાયેલા હતા. હવે ઘટનાના લગભગ ૯ મહિના બાદ આ ત્રણ જવાનોના મૃતદેહ મળી આવ્યા છે.
તેમની ઓળખ હવાલદાર રોહિત, હવાલદાર ઠાકુર બહાદુર આલે અને નાઈક ગૌતમ રાજવંશી તરીકે થઈ છે. ત્રણેય સૈનિકોના મૃતદેહ બરફના ખાડા વિસ્તારમાં બરફના થર નીચે દટાયેલા હતા. ત્રણ લાપતા સૈનિકોને શોધવા માટે વિશેષ રાહત અને બચાવ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું. પરંતુ પછી આ અભિયાન સફળ ન થઈ શક્યું. હવે લગભગ નવ મહિના બાદ ત્રણેય જવાનોના મૃતદેહ બરફમાંથી બહાર કાઢવામાં આવ્યા છે.
આ આર્મી મિશનનું નેતૃત્વ હાઈ એલ્ટિટ્યુડ વોરફેર સ્કૂલના કમાન્ડન્ટ બ્રિગેડિયર એસએસ શેખાવતે કર્યું હતું. આ મિશનમાં સામેલ વરિષ્ઠ સૈન્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ ઓપરેશન તેમના જીવનનું સૌથી પડકારજનક મિશન હતું.
સૈન્ય અધિકારીઓના જણાવ્યા અનુસાર લગભગ ૧૮,૭૦૦ ફૂટની ઉંચાઈ પર ૯ દિવસ સુધી મુશ્કેલ સ્થિતિમાં ૧૦ થી ૧૨ કલાક સુધી સતત ખોદકામ કરવામાં આવ્યું હતું. આ મુશ્કેલ સમયએ આખી ટીમની શારીરિક અને માનસિક રીતે કસોટી થઈ. ઓપરેશન હાથ ધરવા માટે કેટલાક ટન બરફ દૂર કરવામાં આવ્યો હતો. આ સમય દરમિયાન, મુશ્કેલ હવામાન શારીરિક અને માનસિક રીતે પડકારરૂપ હતું.
ભારે મુશ્કેલીઓ છતાં સેના તેના મિશનમાં સફળ રહી અને ત્રણ ગુમ થયેલા સૈનિકોના મૃતદેહ મળી આવ્યા. બ્રિગેડિયર શેખાવતે ઊંડી સંતોષની લાગણી વ્યક્ત કરી. તેમણે કહ્યું, ‘આ મારા જીવનનું શારીરિક, માનસિક અને ભાવનાત્મક રીતે સૌથી મુશ્કેલ મિશન રહ્યું છે.’ પરંતુ મને સંતોષ છે કે અમે તેમને પાછા લાવ્યા છીએ, હાલમાં ત્રણમાંથી એક સૈનિકનો અંતિમ સંસ્કાર કરવામાં આવ્યો છે અને બાકીનાને તેમના ઘરે મોકલવામાં આવ્યા છે.