૯ રાજ્યો કરતા રાજ્યના કિસાનોની ઓછી આવક
અમદાવાદ, ગુજરાતમાં સમૃદ્ધ ખેડૂત અને ખેતીના ભલે ગમે તેટલા સરકારી દાવા થતા હોય, પણ આંકડા સાબિત કરે છે કે, ગુજરાતના ખેડૂતો ગરીબની ગાય જેવા છે. ગુજરાતના ખેડૂતો જેટલી આવક મેળવે છે, તેના કરતા વધુ આવક ભારતના ૯ રાજ્યનો ખેડૂતો મેળવે છે. આંકડો બતાવે છે કે, ૯ રાજ્યનો ખેડૂત ગુજરાતના ખેડૂતો કરતા આવકના મામલે વધુ સુખી છે.
દેશમાં ખેડૂતોની માસિક આવકમાં ગુજરાતના ખેડૂતો ૧૦મા ક્રમે છે. જ્યારે મેઘાલય સમગ્ર ભારતમાં મોખરે છે. ગુજરાતમાં ખેડૂતોની સરેરાશ માસિક આવક ૧૨ હજાર ૬૩૧ રૂપિયા છે. જેમાંથી ખેતી અને પશુપાલન માટે તેમને દર મહિને અંદાજિત ૪ હજાર ૬૧૧ રૂપિયાનો ખર્ચ થાય છે.
જ્યારે મેઘાલયમાં ખેડૂતોની સૌથી વધારે માસિક આવક ૨૯ હજાર ૩૪૮ રૂપિયા છે, જેની સામે માસિક ખર્ચ ૨ હજાર ૬૭૪ રૂપિયા જ છે.
ખેડૂતોની આવક બાબતે ગુજરાતનો દેશમાં ૧૦મો નંબર છે. લોકસભામાં પૂછાયેલા એક પ્રશ્નના જવાબમાં સરકારે નેશનલ સ્ટેટેસ્ટિક્સ ઓફિસના ૨૦૧૯ના સર્વે પ્રમાણે માહિતી આપી હતી. દેશની ખેડૂતોની સરેરાશ માસિક આવક રૂ. ૧૦ હજાર ૨૧૮ રૂપિયા છે.
જ્યારે કે, ખર્ચ ૪ હજાર ૨૨૬ રૂપિયા છે. લોકસભામાં ખેડૂતોની આત્મહત્યા અંગે પણ સવાલ પૂછવામાં આવ્યો હતો. જેના જવાબમાં સરકાર તરફથી માહિતી મળી. સમિતિએ રિપોર્ટમાં જણાવ્યું કે, વર્ષ ૨૦૧૮ માં સરકારને રિપોર્ટ સોંપ્યો હતો.
જેમાં વર્ષ ૨૦૨૨ સુધી ખેડૂતોની આવક બેગણી કરવાની રણનીતિ સામેલ કરાઈ હતી. દેશમાં સૌથી વધુ આત્મહત્યા મહારાષ્ટ્રમાં નોંધાઈ છે. મહારાષ્ટ્રમાં ૩ વર્ષમાં ૭ હજાર ૪૮૬ ખેડૂતોએ આત્મહત્યા કરી છે. જ્યારે ગુજરાતમાં ૨૯ ખેડૂતોએ આત્મહત્યા કરી છે. ભારતમાં ૩ વર્ષમાં કુલ ૧૭ હજાર ૨૯૯ ખેડૂતોએ આત્મહત્યા કરી છે.SSS