૯ હજાર રૂપિયામાં સિવિલમાં દાખલ કરાવવાનું કૌભાંડ
રાજકોટ: ગુજરાતના તમામ શહેરોમાં હાલ કોવિડ હોસ્પિટલ્સ દર્દીઓથી ઉભરાઈ રહી છે. એક તરફ સરકારી હોસ્પિટલોની બહાર એમ્બ્યુલન્સો કલાકો સુધી વેઈટિંગમાં ઉભી રહે છે, ત્યારે રાજકોટમાં લાંબી લાઈન વચ્ચે પણ નવ હજાર ચૂકવીને બેડ આપવાનું એક કથિત કૌભાંડ સામે આવ્યું છે. લોકો પાસેથી બેડ માટે નવ હજાર રુપિયા પડાવતો એક યુવક પણ આ વિડીયોમાં દેખાય છે. આ ઘટનાના ત્રણેક જેટલા વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં તંત્ર દોડતું થઈ ગયું છે. રાજકોટ કલેક્ટરે આ મામલે ક્રાઈમ બ્રાંચને તપાસ કરવા માટે જણાવ્યું છે. વિડીયોમાં દેખાતા યુવક સામે એફઆઈઆર નોંધવાની તૈયારી પણ શરુ થઈ ગઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.
વિડીયોમાં દેખાતો યુવક જેમની પાસેથી રુપિયાની વાત કરી રહ્યો છે, તેમને એવું પણ કહી રહ્યો છે કે તેને હોસ્પિટલના સ્ટાફને પણ ભાગ આપવાનો હોય છે. વિડીયોમાં દેખાતો યુવક કોણ છે તેની કોઈ માહિતી હજુ સુધી મળી શકી નથી. હાલ પોલીસ તેને શોધી રહી છે, અને આ કૌભાંડમાં હોસ્પિટલનો અન્ય કોઈ સ્ટાફ પણ સંડોવાયેલો છે કે કેમ તેમજ યુવકે અત્યારસુધી કેટલા લોકો પાસેથી રુપિયા પડાવ્યા તે જાણવા પણ કાર્યવાહી ચાલી રહી છે. એક વિડીયોમાં જાેઈ શકાય છે કે, એક વ્યક્તિ યુવકને નવ હજાર રુપિયા વધારે છે, આટલું બધું ના હોય ના હોય તેમ કહે છે. જાેકે, પૈસા માગતો યુવક નવ હજારથી ઓછું કંઈ નહીં થાય તેવું જણાવી દે છે. આ દરમિયાન યુવકને એક ફોન પણ આવે છે,
તે ફોન પર વાત કરતાં પણ નવ હજાર રુપિયાથી ઓછામાં કામ નહીં થાય તેમ કહે છે. વિડીયોમાં કહેવાતા એજન્ટ સાથે રકઝક કરતો વ્યક્તિ પાંચ હજાર રુપિયામાં કામ કરી આપવા માટે કહે છે. અન્ય એક વિડીયોમાં આ એજન્ટ એક વ્યક્તિ પાસેથી રુપિયા લઈને તેની સાથે હાથ મિલાવીને બહાર નીકળતો નજરે પડે છે. ઉલ્લેખનીય છે કે, માત્ર રાજકોટમાં જ નહીં
પરંતુ રાજ્યભરની મોટાભાગની સરકારી હોસ્પિટલોમાં દર્દીઓને લઈને આવેલી એમ્બ્યુલન્સો કલાકો સુધી વેઈટિંગમાં ઉભી રહે છે. ઘણીવાર તો શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય તેવા પેશન્ટને એમ્બ્યુલન્સમાં જ ઓક્સિજન આપવામાં આવતો હોય છે. રાજકોટમાં તો સિવિલની બાજુમાં આવેલી સ્કૂલમાં રાહ જાેતા દર્દીઓ ઘરેથી જ ખાટલા લઈને પણ આવવા લાગ્યા છે.