૯.૫ કરોડ લાભાર્થી ખેડૂતો માટે ૧૯,૦૦૦ કરોડ જારી
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પીએમ કિસાન સન્માન નિધિનો ૮મો હપ્તો જાહેર કરી દીધો છે. તે અંતર્ગત ૯.૫ કરોડ લાભાર્થી ખેડૂત પરિવારો માટે ૧૯,૦૦૦ કરોડ રૂપિયાથી વધારે રાશિ જાહેર કરી દેવામાં આવી છે. મતલબ કે હવે ૯.૫ કરોડ ખેડૂત પરિવારોના ખાતામાં (બેંક એકાઉન્ટમાં) પીએમ કિસાન સન્માન નિધિના ૨,૦૦૦ રૂપિયા પહોંચી જશે.
ડિસેમ્બર ૨૦૧૮માં કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલી આ યોજના અંતર્ગત દેશના નાના અને સીમાંત ખેડૂતોને વાર્ષિક ૬,૦૦૦ રૂપિયાની આર્થિક મદદ કરવામાં આવે છે. આ યોજનાનો લાભ ફક્ત એ ખેડૂતોને જ મળે છે જેમના પાસે ૨ હેક્ટર કે તેનાથી પણ ઓછી ખેતીની જમીન હોય.
ખેડૂતો આ રીતે ખાતાની વિગતો ચેક કરી શકે છેઃ પીએમ કિસાન સન્માન નિધિ યોજનાની સત્તાવાર વેબસાઈટ પર જાઓ. વેબસાઈટની જમણી બાજુ આપવામાં આવેલા ‘ફાર્મર્સ કોર્નર’ પર ક્લિક કરો. ‘ફાર્મર્સ કોર્નર’ની નીચે ‘બેનિફિશિયરી સ્ટેટસ’નું ઓપ્શન દેખાશે તેના પર ક્લિક કરો. હવે એક નવું પેજ ખુલશે જ્યાં આધાર નંબર, બેંક એકાઉન્ટ નંબર કે મોબાઈલ નંબરમાંથી કોઈ એક વિકલ્પ પસંદ કરવાનો રહેશે. હવે જે નંબર પસંદ કર્યો હોય તે ભરો અને ‘ગેટ ડેટા’ પર ક્લિક કરો. આટલું કર્યા બાદ તમને તમારા તમામ હપ્તાની જાણકારી મળી જશે.
જાે તમે આ યોજનાના લાભાર્થી હોવ અને તમને ૮મો હપ્તો ન મળ્યો હોય તો તમે પીએમ કિસાન સન્માન નિધિનો હેલ્પલાઈન નં- ૧૫૫૨૬૧ અથવા ૧૮૦૦૧૧૫૫૨૬ (ટોલ ફ્રી) અથવા ૦૧૧-૨૩૩૮૧૦૯૨ ઉપર કોલ કરી શકો છો. તે સિવાય તમે સત્તાવાર ઈ-મેઈલ આઈડી પર તમારી ફરિયાદ પણ મેઈલ કરી શકો છો.
યોજનાના નિયમો પ્રમાણે એવા કોઈ પણ સેવાનિવૃત્ત કર્મચારી કે પેન્શનર જેનું માસિક પેન્શન ૧૦,૦૦૦ રૂપિયા કે તેનાથી વધારે છે તેઓ આ યોજનાનો લાભ નહીં લઈ શકે. રજિસ્ટર્ડ ડોક્ટર્સ, એન્જિનિયર્સ, વકીલો, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને વાસ્તુકારો તથા તેમના પરિવારના સદસ્યો પણ આ યોજનાનો લાભ નહીં લઈ શકે.