Western Times News

Gujarati News

અમીરગઢ હાઈવે પર 007 ગેંગનો આતંક: આવતા જતા વાહનચાલકો પર હુમલો

પોલીસે લોકેશન શોધવાની તેમજ ગેંગને પકડવા માટે કાર્યવાહી શરૂ કરી

પાલનપુર, ઈકબાલગઢ અને અમીરગઢ રોડ પર રાજસ્થાનની ૦૦૭ ગેંગના નામે ઓળખાતી ટોળકી દ્વારા હાઈવે પર ટોળામાં આવી અને આવતા જતા લોકોપર હુમલો કરી રહ્યાની રાવ ઉઠી છે. આ અંગે એક વિડીયો પણ વાઈરલ થયો છે. જે અંગે પોલીસે તપાસ શરૂ કરી છે ત્યારે કામધંધેથી મોડી રાત્રે પરત ઘરે આવતા લોકોમાં ડરનો માહોલ પ્રસરી ગયો છે.

પાલનપુર આબુરોડ હાઈવે પર મોડી રાત્રે મોટરસાઈકલો પર આવતા ટોળા દ્વારા હાઈવે પર ઉભા રહીને નાના વાહનમાં અથવા ટુ વ્હીલર પર આવતા જતાં લોકોને રોકી અને માર મારી ભય ફેલાવવામાં આવી રહ્યો હોવાનો વીડિયો વાયરલ થતા આ અંગે પોલીસે વોચ ગોઠવી છે. આ અંગે પાલનપુર તાલુકા અને અમીરગઢ પોલીસ મથકે ભોગ બનનાર ઈસમોએ નોંધાવેલ ફરિયાદને પગલે પોલીસે લોકેશન શોધી અને બનાવની તપાસ હાથ ધરી છે.

આ અંગે ઈકબાલગઢ અને અમીરગઢ પંથકના લોકોને સાવચેત રહેવા માટે પણ વીડિયો વાયરલ કરાયો હોવાનું જાણવા મળ્યું છે. અમીરગઢ પીઆઈ ધવલ પટેલે જણાવ્યું હતું કે આ અંગે વીડિયોના આધારે લોકેશન શોધવાની તેમજ અમીરગઢ અને પાલનપુર તાલુકા પોલીસ મથકે નોંધાયેલ ફરિયાદને જાેડતી કડીઓ મેળવી તેમને ઝડપી લેવા તજવીજ હાથ ધરાઈ છે.

કહેવાય છે કે આ ગેંગ રાજસ્થાન બાજુથી રાત્રીના સમયે ટોળામાં આવે છે અને અમીરગઢ અને ઈકબાલગઢ પંથકમાં પોતાની ધાક જમાવવા માટે લોકોને માર મારી અને ભય ફેલાવવાનો પ્રયત્ન કરી રહેલ છે. વાયરલ વીડિયોમાં રોડ પર આવી રહેલ એક મોટરસાયકલ ચાલક ને રોકીને તેને માર મારતાં દોડાવી રહ્યાનું પણ કહેવાય છે. આમ આ વિસ્તારમાં રાત્રીના સુમારે બહાર નીકળવું મુશ્કેલ બન્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.