1 ઓક્ટો.થી ગુજરાતમાં નોન જ્યુડિશિયલ ફીઝીકલ સ્ટેમ્પ પેપર બંધ
અમદાવાદઃ રાજ્ય સરકારે રાજ્યમાં ડિજીટલ સ્ટેમ્પિગના ઉપયોગને લઈ એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. આગામી 1 ઓક્ટોબર 2019થી રાજ્યભરમાં નોન જ્યુડીશિયલ ફીઝીકલ સ્ટેમ્પ પેપરના ઉપયોગને બંધ કરી ફક્ત ડિજીટલ સ્ટેમ્પિગની પધ્ધતિને અનુસરવા મહત્વનો નિર્ણય કર્યો છે.
આ અંગે મહેસૂલ મંત્રી કૌશિક પટેલે જણાવ્યું છે કે, નાગરિકોને સ્ટેમ્પ પેપર મેળવવામાં પડતી મુશ્કેલીઓ તથા સ્ટેમ્પ વેન્ડર મારફતે વેચાતા પરંપરાગત સ્ટેમ્પ પેપરની કૃત્રિમ અછત ઉભી કરી સ્ટેમ્પ વેન્ડરો દ્વારા વધુ કિંમત વસુલ કરી નાગરીકોને છેતરવાનો પ્રયાસ થતો હોવાની રજૂઆતોને ધ્યાને લઈ થોડા સમય પહેલાં જ રાજ્ય સરકારે ડિજીટલ સ્ટેમ્પિગની સુવિધાનો વ્યાપ વધારવા મહત્વનો નિર્ણય કર્યો હતો.
આ નિર્ણયને આગળ ધપાવતા રાજ્ય સરકારે વધુ એક નિર્ણય કરી 1લી ઓક્ટોબર 2019થી રાજ્યભરમાં નોન જ્યુડીશિયલ ફીઝીકલ સ્ટેમ્પ પેપરના ઉપયોગને બંધ કરી ફક્ત ડિજીટલ સ્ટેમ્પિગની પધ્ધતિને અનુસરવા મહત્વનો નિર્ણય કર્યો છે.
મહેસૂલ મંત્રીએ આગળ જણાવ્યું કે, તત્કાલીન મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા નાગરfકોને પુરી પાડવામાં આવતી સેવાઓનો ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ થાય તે માટે દેશભરમાં ડીજીટલ ઈન્ડિયાનું નવતર અભિગમ દાખવ્યો છે
ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે મહેસૂલી સેવાઓને વધુ સરળ બનાવવા અનેકવિધ નવા આયામો હાથ ધર્યા છે ત્યારે આ નિર્ણય પણ નાગરિકો માટે મહત્ત્વનો પુરવાર થશે.
મોબાઈલ એપ્લિકેશન દ્વારા પણ ખરાઈ કરી શકાશે ડિજીટલ સ્ટેમ્પિગના ફાયદા જણાવતા મંત્રી કૌશિક પટેલે ઉમેર્યું કે, નાગરિકોને જ્યારે સ્ટેમ્પ ડ્યૂટીની ચુકવણી કરવાની હોય ત્યારે ડિજીટલ સ્ટેમ્પિગના ઓથોરાઈઝડ કેન્દ્રો ઉપરથી જરૂરી રકમની સ્ટેમ્પ ડ્યૂટીની ચુકવણી કરીને જરૂરી રકમનું ડિજીટલ સ્ટેમ્પ સર્ટિફીકેટ મેળવી શકશે. જેમાં પક્ષકારોના નામ ઉપરાંત દસ્તાવેજની વિગત તથા દસ્તાવેજની રકમ જેવી વિગતો પણ દર્શાવવામાં આવશે. ડિજીટલ સ્ટેમ્પ સર્ટિફીકેટ ધારણ કરનાર વ્યક્તિ દ્વારા સર્ટિફીકેટની ઓન લાઈન તેમજ મોબાઈલ એપ્લીકેશન દ્વારા પણ ખરાઈ કરી શકાશે.
કોઇપણ સમયે સ્ટેમ્પ ડ્યુટી ભરી સ્ટેમ્પ પેપર જેવું પ્રમાણપત્ર મેળવી શકાશે સરકારની ઈ-પેમેન્ટ સ્ટેમ્પ ડ્યૂટીની ચુકવણી માટે વિવિધ વિકલ્પો ઉપલબ્ધ થશે જેની વિગતો આપતા મહેસૂલ મંત્રીએ ઉમેર્યું કે, નાગરિકોને સ્ટેમ્પ ડ્યૂટીની ચુકવણી કરવા રોકડ ઉપરાંત, RTGS, નેટ બેંકીંગ, ઓન લાઈન પેમેન્ટ જેવા વિવિધ વિકલ્પો ઉપલબ્ધ થશે. આ સેવાનો વ્યાપ વધતા તથા ઓનલાઈન સેવાઓ હોવાથી નાગરિકોને જ્યારે પણ સ્ટેમ્પ ડ્યૂટી ભરવી હશે ત્યારે સરળતાથી નજીકના ડિજીટલ સ્ટેમ્પિગના ઓથોરાઈઝડ વેન્ડર પાસેથી અથવા તો બેંકો પાસેથી સેવા ઉપલબ્ધ થશે.