1.1 કરોડ લોકોએ સોમનાથ મહાદેવના ઓનલાઇન દર્શન કરી ધન્ય બન્યા
શ્રી સોમનાથ મંદિર ખાતે મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે ભક્તોનો માનવ મહેરામણ ઉમટ્યો,-એક લાખથી ભાવિકોએ સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્ય બન્યા હતા.
મહાશિવરાત્રિ દેવાધિદેવ મહાદેવ સોમનાથ માહેદવની ભક્તિનો અનેરો અવસર છે, રત્નાકર સમુદ્ર જેમનુ ચરણ પ્રક્ષાલન કરી રહ્યો છે, તેવા દેવાધિદેવ સોમેશ્વરના દરબારમાં ભક્તોનો માનવમહેરામણ ઉમટી પડ્યો હતો. મહાશિવરાત્રિના પાવન પર્વે એક લાખ ભક્તોએ સોમનાથ મહાદેવના પ્રત્યક્ષ દર્શન કર્યા હતા.
1.1 કરોડ લોકોએ ઓનલાઇન દર્શન કરી ધન્ય બન્યા હતા. જેમાં યુટ્યુબ પર 3.91 લાખ, ફેસબુક 88.86 લાખ, ટ્વીટર પર 2.58 લાખ, ઇન્સ્ટાગ્રામ 6.07 લાખ ભક્તોએ દેશ વિદેશમાં ઘરબેઠા દર્શન કરી શિવકૃપા પ્રાપ્ત કરી હતી.
ભક્તો પૂજા અર્ચન કરી મહા શિવરાત્રિ પર્વે ધન્ય બન્યા હતા. મહાશિવરાત્રિ પર્વની શુભ શરૂઆત શ્રી સોમનાથ ટ્રસ્ટના પરંપરાગત ધ્વજાપૂજન થી કરવામાં આવે છે. ધ્વજાપૂજા ટ્રસ્ટી સેક્રેટરી શ્રી પ્રવિણભાઇ લહેરીના હસ્તે કરવામાં આવી હતી.
મહાપૂજા શ્રી સોમનાથ ટ્રસ્ટના અધ્યક્ષશ્રી અને વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી ની નોંધાયેલ હતી. દિવસ પર્યન્ત 36 ધ્વજાપૂજા, 20 તત્કાલ મહાપૂજા, 550 સંપુટ મહામૃત્યુંજય જાપ, 1547 મહામૃત્યુંજય જાપ, 2156 રૂદ્રાભિષેક, 64 મહાપૂજા, 40 મહાદુગ્ધા અભિષેક, 548 બ્રાહ્મણ ભોજન, 213 નવગ્રહ જાપ,381 બિલ્વપૂજા સહીતની કુલ 6,398 પૂજા કરવામાં આવી હતી.
શ્રી સોમનાથ મંદિર ખાતે 13 જેટલા સુવર્ણ કળશ ની પૂજા કરી સમરાંગણ પર લગાવવામાં આવેલ હતા. પાલખીયાત્રા ચાર પ્રહરની વિશેષ મહાપૂજા આરતી, દિપ પૂજન સહિતના કાર્યક્રમો યોજાયા હતા. ભક્તોએ મહાદેવને પાધડી-પુષ્પો-બિલ્વપત્રો સહિત મહાદેવના ચરણોમાં અર્પણ કરેલ હતું.
દિવસભર મહાનુભાવોમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના ધર્મપત્નિ અંજલીબેન રૂપાણી, રાજ્યમંત્રી વિભાવરીબેન દવે, જીલ્લા કલેક્ટર શ્રી અજય પ્રકાશ, જીલ્લા પોલિસ અધિક્ષક શ્રી રાહુલ ત્રિપાઠી, રાજકોટ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલ સહીતનાઓ એ સોમનાથ મહાદેવના દર્શન કર્યા હતા.
ચોપાટી ગ્રાઉન્ડ ખાતે વિવિધ સેવામંડળો દ્વારા પ્રસાદ વિતરણ ભંડારાની સેવા ટ્રસ્ટના સહયોગથી દિવસભર ચલાવવામાં આવી હતી, જેનો લાભ 73,000 જેટલા ભક્તોએ લીધો હતો.
સંસ્કારભારતી અને સોમનાથ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે રામ મંદિર ઓડિટોરીયમ ખાતે સોમનાથ લોકરંગ મહોત્સવ ઉજવાયેલ જેમાં દેશના વિવિધ પ્રાંતોના 120 જેટલા કલાકારોએ કલાપ્રસ્તુત કરી હતી, જે કાર્યક્રમ ફેસબુક તથા યુટ્યુબના માધ્યમથી 3.92 લાખ લોકોએ માણ્યો હતો.