Western Times News

Gujarati News

સરકારની આ યોજનાનો લાભ લઈ લો: દિકરી ૧૮ વર્ષની થાય ત્યાં સુધી મળશે 1.10લાખ સહાય

સરકારની “વ્હાલી દિકરી યોજના”એ અમારી દિકરીનું ભવિષ્ય સુરક્ષિત કર્યુ– યોજનાના લાભાર્થી નયનાબેન વસાવા

રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા અમલી “વ્હાલી દિકરી યોજના” થકી દિકરી ધોરણ -૧માં પ્રવેશે ત્યારથી ૧૮ વર્ષની થાય ત્યાં સુધી તબક્કાવાર રૂપિયા ૧.૧૦ લાખ સુધીની મળવાપાત્ર સહાય    

નાંદોદ તાલુકાના વાગેથા ગામના વતની નયનાબેન રાજેન્દ્રભાઈ વસાવાની દિકરી પ્રિયાંગીને   “વ્હાલી દિકરી યોજના”નો લાભ મળતાં તેનું ભવિષ્ય સુરક્ષિત કરી નિશ્ચિંતતા અનુભવતું દંપતિ

રાજપીપલા,શનિવાર :- “દિકરી વ્હાલનો દરિયો”, “દિકરી દેવો ભવઃ” જેવી કહેવતો આપણે ત્યાં દિકરીઓ માટે પ્રચલિત છે, ત્યારે વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વવાળી કેન્દ્રની અને ગુજરાતના મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર હંમેશા દિકરીઓની ચિંતા કરે છે.

દિકરીઓના સ્વાસ્થ્ય અને શિક્ષણ સહિત તમામ પ્રકારની સુવિધાઓ મળી રહે તે માટે સતત નીતનવી યોજનાઓનું અમલીકરણ તબક્કાવાર કરવામાં આવી રહ્યું છે. દિકરીઓની ઉંમર અને પરિસ્થિતિને અનુકૂળ તમામ યોજનાઓ ગામેગામ સુધી પહોંચે તેવા સઘન પ્રયાસો સરકારશ્રી દ્વારા કરવામાં આવી રહ્યાં છે.

અહીં વાત કરવી છે સરકારશ્રી દ્વારા અમલી વ્હાલી દિકરી યોજના અંગે. રાજપીપળાના વાગેથા ગામે રહેતા નયનાબેન રાજેન્દ્રભાઈ વસાવા જેમના ઘરે સાત મહિના પહેલાં જ દિકરીનો જન્મ થયો હતો. સરકારશ્રીની વ્હાલી દિકરી યોજના અંગે નયનાબેનને માહિતી મળતા તેમણે ગામના આંગણવાડી બેહેનનો સંપર્ક કરી યોજનાની સંપૂર્ણ જાણકારી મેળવી હતી.

વ્હાલી દિકરી યોજનામાં તેમની દિકરીનું રજિસ્ટ્રેશન થયા બાદ શાળામાં દાખલ થાય ત્યારે સૌપ્રથમ આ યોજના હેઠળ રૂપિયા ૪૦૦૦/-ની આર્થિક સહાય તેમના બેન્ક ખાતામાં જિલ્લા વહિવટીતંત્રના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા જમા કરવામાં આવે છે. દિકરી જ્યારે ધોરણ- ૮ સુધીનો અભ્યાસ પૂર્ણ કરી ધોરણ- ૯ માં પ્રવેશ કરશે

ત્યારે ફરીથી તેના ખાતામાં રૂપિયા ૬૦૦૦/-ની રકમ જમા કરવામાં આવશે. ત્યારબાદ દિકરી ૧૮ વર્ષની થયે તેને રૂપિયા ૧,૦૦,૦૦૦/- રૂપિયાની આર્થિક સહાય આપવામાં આવશે. આમ, કુલ મળી રૂપિયા ૧.૧૦ લાખની સહાય આપવામાં આવશે. દિકરી અને આ સહાય પુખ્ત વયની થતા ઉચ્ચ શિક્ષણ અને તેના લગ્ન પ્રસંગ માટે મા-બાપનો સહારો બની રહેશે.

વ્હાલી દિકરી યોજનાના લાભાર્થી નાંદોદ તાલુકાના વાગેથા ગામના રહીશ નયનાબેન રાજેન્દ્રભાઈ વસાવા જેઓ ખેતી સાથે જોડાયેલા છે. દંપતિના ઘરે સાત મહિના પૂર્વે દિકરીનો જન્મ થયો હતો જેનું નામ પ્રિયાંગી છે. યોજનાનો લાભ મળતા આનંદની લાગણી સાથે નયનાબેન વસાવાએ જણાવ્યુંકે, સરકારના મહિલા અને બાળવિકાસ વિભાગ દ્વારા ચાલતી “વ્હાલી દિકરી યોજના” અંગે મને જાણકારી મળી  હતી.

મેં સૌ પહેલાં અમારા ગામના આંગણવાડી બહેનનો સંપર્ક કર્યો અને યોજનાની માહિતી મેળવી ફોર્મ ભર્યું. થોડા દિવસમાં  ફોર્મ મંજૂર થતાં મને જાણકારી આપી મંજૂરીનો હૂકમ, પણ અધિકારીશ્રીઓના હસ્તે રૂબરૂમાં આપવામાં આવ્યો હતો. હવે મારી દિકરી શાળામાં ધોરણ-૧ માં દાખલ થશે ત્યારથી લઈને ૧૮ વર્ષની થાય ત્યાં સુધીમાં તબક્કાવાર મળવાપાત્ર રૂપિયા ૧.૧૦ લાખની સહાય અપાશે.

આજે અમારી દિકરીનું ભવિષ્ય સુરક્ષિત થઈ ચૂક્યું છે. અમારી દિકરી પુખ્ત વયની થાય ત્યાં સુધીની જવાબદારી સરકારશ્રીએ ઉપાડી લેતા હવે અમે તેના ભવિષ્યની ચિંતાથી મુક્ત થઈ ગયા છીએ. સરકારશ્રીની આ વ્હાલી દિકરી યોજના ખૂબ સારી છે અને અન્ય વાલીઓએ પણ તેનો લાભ લેવો જોઈએ તેવી લાગણી નયનાબેને વ્યક્ત કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.