Western Times News

Gujarati News

બેરિંગ કંપનીના ડાયરેક્ટરનું સીમ બદલીને ખાતામાંથી 1.2 કરોડ ઉપાડી લીધા

કલેક્ટિવ ટ્રેડ લિન્ક્‌સ બેરિંગ મેન્યુફેક્ચરિંગ કંપની સિમ સ્વેપ છેતરપિંડીનો શિકાર બની-કંપનીના ડિરેક્ટર પ્રકાશ મહેતા દ્વારા સિમ બદલવા માટે રિક્વેસ્ટ મોકલવામાં આવી હોવાનો ઉલ્લેખ હતો.

(એજન્સી)અમદાવાદ, સાઈબર ભેજાબાજાે ગમે તેમ કરીને લોકોને પોતાનો શિકાર બનાવતા હોય છે. ભેજાબાજાે અવનવી ટેકનીકનો ઉપયોગ કરીને લોકો સાથે છેતરપિંડી આચરતા હોય છે.

ત્યારે આવો જ વધુ એક કિસ્સો થલતેજમાંથી સામે આવ્યો છે. થલતેજ વિસ્તારમાં એક બેરિંગ મેન્યુફેક્ચરિંગ કંપની સિમ સ્વેપ છેતરપિંડીનો શિકાર બની હતી. સિમ સ્વેપથી કંપનીના ડિરેક્ટરના મોબાઈલ ફોનનો એક્સેસ મેળવ્યા બાદ ભેજાબાજાેએ માત્ર ચાર જ કલાકમાં રુપિયા ૧.૨ કરોડની છેતરપિંડી આચરી હતી.

જે બાદ કંપનીના એચઆર મેનેજર અમિત જાનીએ સોમવારે સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં આ મામલે ફરિયાદ નોંધાવી હતી. અમિત જાનીએ પોતાની ફરિયાદમાં એવા આક્ષેપો કર્યા છે કે, તેઓ કલેક્ટિવ ટ્રેડ લિન્ક્‌સ પ્રાઈવેટ લિમિટેડમાં નોકરી કરે છે.

કંપનીના ડિરેક્ટર પ્રકાશ મહેતા છેલ્લાં પંદર વર્ષથી વોડાફાન આઈડિયા કંપનીનું સિમ વાપરે છે. ગઈ ૧૧ માર્ચના રોજ આ ટેલિકોમ કંપનીએ કંપનીના ઓફિશિયલી ઈમેલ આઈડી પર એક ઈમેલ મોકલ્યો હતો. જેમાં કંપનીના ડિરેક્ટર પ્રકાશ મહેતા દ્વારા સિમ બદલવા માટે રિક્વેસ્ટ મોકલવામાં આવી હોવાનો ઉલ્લેખ હતો.

જાે કે, તેઓએ આવી કોઈ પણ જાતની રિક્વેસ્ટ મોકલી નહોતી. એ પછી ૧૩ માર્ચના રોજ કંપનીના બે ખજાનચીએ ખાનગી બેંકમાં કંપનીના ખાતાની તપાસ કરી હતી. આ તપાસ દરમિયાન તેઓ ચોંકી ગયા હતા. કોઈએ એકાઉન્ટમાંથી રુપિયા ૧.૨ કરોડ ઉપાડી લીધા હતા.

ચાર કલાકમાં ભેજાબાજાેએ ૨૨ જેટલાં ટ્રાન્જેક્શન કરીને આ છેતરપિંડી આચરી હતી. પોલીસ અધિકારીના જણાવ્યા મુજબ, સાયબર ગુનેગારો ફિશિંગ, વિશિંગ કે સ્મિશિંગ દ્વારા કોઈ સંભવિત લક્ષ્યની વ્યક્તિગત માહિતી મેળવી લેતા હોય છે. એ પછી તેઓ આ માહિતીનો ઉપયોગ કરીને ટેલીકોમ કંપનીઓને ડુપ્લીકેટ સિમ કાર્ડ જારી કરવા માટે કરતા હોય છે.

જેમાં મોટાભાગે એવો દાવો કરવામાં આવે છે કે, મોબાઈલ ફોન ખોવાઈ ગયો છે અથવા સિમ કાર્ડને નુકસાન પહોંચ્યું છે. એ પછી જ્યારે ડુપ્લીકેટ સિમ કાર્ડ શરુ થયા ત્યારે ઓરિજિનલ સિમ કાર્ડ બ્લોક થઈ જાય છે. પ્રકાશ મહેતાનું સિમ કાર્ડ શનિવારે નિષ્ક્રિય થઈ ગયુ હતુ અને રવિવારે રજાનો દિવસ હતો.

જેથી તેઓ ટેલિકોમ કંપનીનો સંપર્ક કરી શક્યા નહોતા. એ પછી સોમવારના રોજ તેઓ કોઈ કાર્યવાહી કરે એ પહેલાં જ સાયબર ભેજાબાજાેએ તેમના એકાઉન્ટનો એક્સેસ મેળવવા માટે ડુપ્લીકેટ સિમનો ઉપયોગ કર્યો હતો. જેથી કરીને તેઓને વન ટાઈમ પાસવર્ડ અને નાણાંકીય વ્યવહારો માટે જરુરી અલર્ટ મળી શકે. ખેર, કરોડો રુપિયાની છેતરપિંડી બાદ થયેલી ફરિયાદના આધારે સાયબર ક્રાઈમ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.